કરોડો રૂપિયા સાથેનું એકાઉન્ટ સીઝ થયું છે, મારે પૈસાની જરૂર છે કહી BMW કારમાં આવતા ઇન્સ્ટા ફ્રેન્ડે મહિલા ડોક્ટર પાસે રૂ.3.20 લાખ પડાવ્યા - At This Time

કરોડો રૂપિયા સાથેનું એકાઉન્ટ સીઝ થયું છે, મારે પૈસાની જરૂર છે કહી BMW કારમાં આવતા ઇન્સ્ટા ફ્રેન્ડે મહિલા ડોક્ટર પાસે રૂ.3.20 લાખ પડાવ્યા


- પોતાની ઓળખ મોટા બિલ્ડર તરીકે આપનાર યુવાને માતા ગવર્મેન્ટ ઓફિસર હોવાનું અને સ્ટોક માર્કેટમાં રૂ.21 કરોડ રોક્યા હોવાનું જણાવ્યું હતું - બેન્ક એકાઉન્ટમાં બ્લેકના રૂ.6 કરોડ હોય એકાઉન્ટ સીઝ કરાતા મજૂરોને પૈસા ચૂકવવા મહિલા ડોક્ટર પાસે ઓનલાઈન અને રૂબરૂ પૈસા લીધા બાદ ઇન્સ્ટા પર બ્લોક કરી દીધી સુરત,તા.1 ઓગષ્ટ 2022,સોમવાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટર સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી પોતાની ઓળખ મોટા બિલ્ડર તરીકે આપી યુવાને બેન્ક એકાઉન્ટમાં બ્લેકના રૂ.6 કરોડ હોય એકાઉન્ટ સીઝ કરાતા મજૂરોને પૈસા ચૂકવવા ઓનલાઈન અને BMW કારમાં રૂબરૂ મળવા આવી કુલ રૂ.3.20 લાખ પૈસા લીધા બાદ મહિલા ડોકટરે પૈસા પરત માંગતા તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ આંબાતલાવડી મોહનદીપ સોસાયટી ઘર નં.212 માં રહેતી 22 વર્ષીય ફિઝીયોથેરાપી ડોક્ટર મીરા ધીરુભાઈ રફાળીયાને પાંચ મહિના પહેલા તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અક્ષર નામના યુવાનની ફ્રેન્ડ રીકવેસ્ટ મળી હતી. મીરાએ તે સ્વીકારતા બંને વચ્ચે વાત થતી હતી. તે સમયે અક્ષરે પોતાની ઓળખ મૂળ આણંદના અને સુરતમાં શ્રીનિવાસ સોસાયટીમાં રહેતા બિલ્ડર અક્ષર પટેલ તરીકે આપી જણાવ્યું હતું કે તેની માતા ગવર્મેન્ટ ઓફિસર હોય તે મોટાપાયે કન્સટ્રક્શનનું કામ કરે છે.અક્ષરે મીરાને બાંધકામનું કંઈ પણ કામ હોય તો કહેજો તેમ કહેતા મીરાએ જયારે ક્લીનીક બનાવવાની હશે ત્યારે કહીશ તેમ કહ્યું હતું. દરમિયાન, ગત એપ્રિલ માસના અંતમાં અક્ષરે મીરાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો કે મારે હાલ સ્ટોક માર્કેટમાં રૂ.21 કરોડ રોકેલા છે અને મારા બેન્ક એકાઉન્ટમાં બ્લેકના રૂ.6 કરોડ જમા હોય બેન્કે એકાઉન્ટ સીઝ કર્યું હોય હું તેમાં કોઈ વ્યવહાર કરી શકું તેમ નથી.મને મારા બાંધકામના અને ટેક્ષટાઈલના મજૂરોને ચૂકવવા હાલ તાત્કાલીક રૂપિયાની જરૂર છે, મારું બેન્ક એકાઉન્ટ ખુલશે ત્યારે હું પૈસા પરત આપી દઈશ અને તમારું ક્લીનીક બનાવવાનું થશે તો હું તમને મદદ કરીશ.આથી મીરાએ તેના મોબાઈલ નંબર પર 27 એપ્રિલથી 9 જૂન દરમિયાન ટુકડે ટુકડે રૂ.2.41 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. તે સમયગાળામાં અક્ષર મીરાને કતારગામ વિસ્તારમાં અલગ અલગ સ્થળે તેની BMW કારમાં રૂબરૂ મળવા આવ્યો ત્યારે ટુકડે ટુકડે રૂ.80 હજાર પણ આપ્યા હતા.ત્યાર બાદ ઘણા સમય પછી પણ અક્ષરે પૈસા પરત નહીં આપતા અને મેસેજમાં વાત ઓછી કરવા માંડતા મીરાને તેના પર શંકા ગઈ હતી. આથી તેણે પૈસાની માંગણી કરી તેના સીઝ એકાઉન્ટની પણ માહિતી માંગતા અક્ષરે ઉડાઉ જવાબ આપ્યો હતો અને મીરાને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધી હતી. મીરાએ તેને ફોન કરી પૈસા માંગ્યા તો તેણે ઈન્કાર કરી દીધો હતો. આથી છેવટે મીરાએ ગતરોજ અક્ષર વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કતારગામ વિસ્તારમાં જ રહેતા અક્ષરની ઓળખ કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.જોકે, હાલ તે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.