ચીનના સૈનિકોને સબક શીખવાડવા ભારતીય સૈનિકોને અપાઈ રહી છે ઈઝરાયેલી માર્શલ આર્ટની ટ્રેનિંગ
નવી દિલ્હી,તા.16 જુલાઈ 2022,શનિવારલદ્દાખ મોરચે ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે હવે હથિયાર વગરની હાથોહાથની લડાઈને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાએ પોતાના સૈનિકોની ટ્રેનિંગ શરૂ કરી છે.આમ તો સેનાના ઈસ્ટર્ન કમાન્ડમાં સૈનિકોને પહેલા પણ આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી પણ ચીનના ખતરાને ધ્યાનમાં રાખીને નોર્ધન કમાન્ડના સૈનિકો માટે પણ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે.આ કમાન્ડ હેઠળ જ લદ્દાખ બોર્ડરની સુરક્ષાની જવાબદારી આવે છે. ચીનના સૈનિકો સાથે જો હાથોહાથની અને હથિયારનો ઉપયોગ કર્યા વગર લડાઈની નોબત આવે તો તેને પહોંચી વળવા માટે ભારતીય સૈનિકોને ઈઝરાયેલી માર્શલ આર્ટ કર્વ માગાની તાલીમ આપવાનુ શરૂ કરાયુ છે.ખાસ કરીને ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે થયેલી હાથોહાથની લડાઈ બાદ ભારતીય સેનાને આ પ્રકારની ટ્રેનિગંની જરૂરિયાત વધારે મહેસૂસ થઈ હતી.હવે તમામ યુનિટ સ્તરે સૈનિકોને ઈઝરાયેલી માર્શલ આર્ટ શીખવવાનુ શરૂ કરાયુ છે. સાથે સાથે અન્ય પ્રકારના માર્શલ આર્ટની પણ ટ્રેનિગં અપાઈ રહી છે.સૂત્રોનુ કહેવુ છે કે, સૈનિકોને પ્રશિક્ષણ આપતી કોર બેટલ ટ્રેનિંગ સ્કૂલમાં તો ટ્રેનિંગ પધ્ધતિમાં રાતોરાત કોઈ મોટો બદલાવ નથી થયો પણ જે પ્રકારના ખતરાનો સામનો સૈનિકો કરે છે તેને ધ્યાનમાં રાખીને ધીરે ધીરે તાલીમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.એલએસી પર ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો પેટ્રોલિંગ દરમિયાન આમને સામને આવી જતા હોય છે. ઘણી વખત ચીની સૈનિકો પોતાની સાથે ડંડા, કરંટ લાગે તેવી બેટન, પેપર સ્પ્રે જેવી વસ્તુઓ રાખતા હોય છે. આવા સમયે ચીનના સૈનિકોને વધારે અસરકારક રીતે પાઠ ભણાવી શકાય તે માટે ભારતીય સૈનિકોને તૈયાર કરાઈ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.