ઈટલીમાં ભારતીય ખેત મજૂરનું મોત:ઘાસ કાપતી વખતે મશીન વડે હાથ કપાયો, માલિકે સારવારને બદલે રસ્તા પર છોડી દીધો - At This Time

ઈટલીમાં ભારતીય ખેત મજૂરનું મોત:ઘાસ કાપતી વખતે મશીન વડે હાથ કપાયો, માલિકે સારવારને બદલે રસ્તા પર છોડી દીધો


ઈટલીના લેટિના વિસ્તારમાં ખેતરમાં કામ કરતા 30 વર્ષીય ભારતીય કર્મચારી સતનામ સિંહનું બુધવારે અવસાન થયું હતું. ખેતરમાં ઘાસ કાપતી વખતે મશીન દ્વારા સતનામનો હાથ કપાઈ ગયો હતો. આ પછી તેના માલિકે તેને મદદ કરવાને બદલે તેને ઘરની નજીકના રસ્તા પર એકલો છોડી દીધો હતો. ત્યાર બાદ સતનામની પત્ની અને તેના મિત્રોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ભારતીય કર્મચારીને એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે રાજધાની રોમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે અહીં તેનું મોત નીપજ્યું હતું. ઈટલીના ટ્રેડ યુનિયને કહ્યું છે કે, અકસ્માત બાદ સતનામને કચરાની જેમ ફેંકી દેવામાં આવ્યો હતો. તે એક હોરર ફિલ્મ જેવું હતું. સરકારે કહ્યું- ઘટના ક્રૂરતાનું ઉદાહરણ છે, દોષિતોને સજા થશે
ઈટલીના શ્રમ મંત્રી મરિના કાલ્ડરોને આ ઘટનાની નિંદા કરી છે. સંસદમાં આને લગતા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આ ઘટના ક્રૂરતાનું ઉદાહરણ છે. ભારતીય કામદાર ગંભીર હાલતમાં એકલા પડી ગયા હતા. અધિકારીઓ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે અને દોષિતોને વહેલી તકે સજા કરવામાં આવશે. ઈટલીમાં ભારતીય દૂતાવાસે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે, તેને આ મામલાની માહિતી મળી છે. એમ્બેસી પ્રાદેશિક અધિકારીઓના સંપર્કમાં છે. અમે સતનામના પરિવારનો સંપર્ક કરીને દરેક શક્ય રીતે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સતનામને ઈટલીમાં કામ કરવાની પરવાનગી નહોતી
સતનામ સિંહ ઈટલીના લેટિના વિસ્તારમાં કામ કરતો હતો. આ એક ગ્રામીણ વિસ્તાર છે, જ્યાં હજારો ભારતીયો કામની શોધમાં આવે છે. સતનામ પાસે ખેતરોમાં કામ કરવા માટે કાયદાકીય દસ્તાવેજો નહોતા. ઈટલીની મધ્ય-ડાબેરી ડેમોક્રેટિક પાર્ટીએ સતનામ સાથેના દુર્વ્યવહારની નિંદા કરી છે. તેણે તેને માનવતાની હાર ગણાવી છે. જાન્યુઆરી 2023ના આંકડા મુજબ 1 લાખ 67 હજારથી વધુ ભારતીયો ઈટલીમાં રહે છે. 2023માં અહીં 8 હજાર ભારતીય કામદારો હતા. 2025 સુધીમાં આ સંખ્યા 12 હજારને પાર કરી જશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતે ઈટલી સાથે માઈગ્રેશન એગ્રીમેન્ટ પાસ કર્યું હતું. આ અંતર્ગત ભારત દર વર્ષે 20 હજાર કામદારોને ઈટલી મોકલશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.