કેજરીવાલને મળશે જામીન?:વકીલે કહ્યું- કેજરીવાલ સમાજ માટે જોખમરુપ નથી, CBIના આરોપ- કેજરીવાલ લીકર પોલિસી લાગુ કરવાના ષડયંત્રમાં સામેલ - At This Time

કેજરીવાલને મળશે જામીન?:વકીલે કહ્યું- કેજરીવાલ સમાજ માટે જોખમરુપ નથી, CBIના આરોપ- કેજરીવાલ લીકર પોલિસી લાગુ કરવાના ષડયંત્રમાં સામેલ


દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલના વકીલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. કેજરીવાલે CBIની ધરપકડ સામે અને જામીન માટે અરજી કરી છે, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કેજરીવાલ સમાજ માટે જોખમરુપ નથી. તેમને વચગાળાના જામીન આપવા જોઈએ. CBIનો આરોપ છે કે આ કૌભાંડમાંથી મળેલા નાણાંનો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે કેજરીવાલ શરૂઆતથી જ લીકર પોલિસી ઘડવા અને તેને લાગુ કરવાના ષડયંત્રમાં સામેલ હતા. કેજરીવાલના વકીલ સિંઘવીનું કહેવું છે કે આજનો મામલો માત્ર CBI કેસ સાથે જોડાયેલો છે. કેજરીવાલ સમાજ માટે જોખમરુપ નથી. તેઓ દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી છે. કેજરીવાલની વકીલાત કરતી વખતે, તેમણે બે નિયમિત જામીનના આદેશો ટાંક્યા, જેમાંથી એક નીચલી કોર્ટનો અને એક સુપ્રીમ કોર્ટનો છે. કોર્ટરૂમ LIVE... કેજરીવાલ તરફથી સિંઘવી CBI તરફથી એસવી રાજુ આ દરમિયાન CBIએ કોર્ટને કહ્યું હતું કે તેણે એક કેસમાં પોતાનો જવાબ રજુ કર્યો છે જ્યારે બીજા કેસમાં જવાબ આપવા માટે વધુ સમયની જરૂર છે. તેના જવાબમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- એક કેસમાં CBIનો જવાબ 21 ઓગસ્ટે રાત્રે 8 વાગ્યે મળ્યો છે. એજન્સીની અપીલ પર કોર્ટે CBIને એક સપ્તાહનો સમય આપ્યો છે. ​​​​કેજરીવાલના વકીલની દલીલઃ મની લોન્ડરિંગ એક્ટમાં જામીન મળ્યા છે તો CBI કેસમાં કેમ નહીં?
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 45ની કડક જોગવાઈઓ હોવા છતાં દિલ્હીના મુખ્યમંત્રીને ત્રણ વખત જામીન આપવામાં આવ્યા છે. તેમણે 10 મે અને 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના જામીન અને 20 જૂને PMLA કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા નિયમિત જામીનનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિંઘવીએ કહ્યું- આવી સ્થિતિમાં કેજરીવાલને જામીન મળવા જોઈએ. કેજરીવાલને 12 જુલાઈએ ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા
સુપ્રીમ કોર્ટે 12 જુલાઈના રોજ ED મની લોન્ડ્રિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જામીન આપતા જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે કેજરીવાલ 90 દિવસથી જેલમાં છે. તેથી તેમને મુક્ત કરવા સૂચના આપવામાં આવી છે. અમે જાણીએ છીએ કે તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેમણે મુખ્યમંત્રી રહેવું છે કે નહીં તે નક્કી કરવાનું છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે અમે આ કેસને મોટી બેંચમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ. ધરપકડની પોલિસી શું છે, તેનો આધાર શું છે. આ માટે અમે આવા 3 સવાલ પણ તૈયાર કર્યા છે. જો મોટી બેન્ચ ઇચ્છે તો કેજરીવાલના વચગાળાના જામીન પર ફેરફાર કરી શકે છે. EDએ 208 પાનાની સાતમી પૂરક ચાર્જશીટ રજૂ કરી
EDએ 9 જૂને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સાતમી પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. 208 પાનાની આ ચાર્જશીટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આ કેસના માસ્ટરમાઇન્ડ અને કાવતરાખોર ગણાવ્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કૌભાંડમાંથી મળેલા રૂપિયા આમ આદમી પાર્ટી પર ખર્ચવામાં આવ્યા હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે કેજરીવાલે દારૂ વેચવાના કોન્ટ્રાક્ટ માટે સાઉથ ગ્રૂપના સભ્યો પાસેથી રૂ. 100 કરોડની લાંચ માંગી હતી, જેમાંથી રૂ. 45 કરોડ ગોવાની ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યા હતા. આ સમાચાર પણ વાંચો... CBI કેસમાં કેજરીવાલની કસ્ટડી સપ્ટેમ્બર 11 સુધી લંબાવવામાં આવી: રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈની પૂરક ચાર્જશીટને ધ્યાનમાં લીધી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂ નીતિ કેસ સંબંધિત CBI કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 11 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. કોર્ટે સીબીઆઈની પૂરક ચાર્જશીટની પણ નોંધ લીધી અને કેજરીવાલને સમન્સ જારી કર્યું હતું. CBIએ અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક, વિનોદ ચૌહાણ, આશિષ માથુર, સરથ રેડ્ડી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આરોપીઓને જવાબ રજુ કરવા માટે 11 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.