સાબરમતી જેલમાં મર્ડરના આરોપીને લીમડાના ઝાડ સાથે હાથ પકડાવી જેલ પોલીસે મારમાર્યો
અમદાવાદ,તા.6 જુલાઈ 2022,બુધવાર સાબરમતી જેલમાં જેલ પોલીસના હવાલદાર સહિત 5 સિપાઈઓએ લીમડાના ઝાડ સાથે હાથ પકડાવી લાકડીઓથી મારમાર્યાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં બુધવારે નોંધાઈ છે. બનાવ અંગે આરોપી સાથે મર્ડર કેસમાં જેલમાં રહેલા તેના પિતાએ પોતાની પત્નીને જેલ મુલાકાત માટે બોલાવીને પુત્ર સાથે બનેલી ઘટનાની જાણ પોલીસ કંટ્રોલરૂમને કરવા જણાવ્યું હતું. મહિલાએ કંટ્રોલ રૂમને ફરિયાદ કરતા સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. સરદારનગર વિસ્તારમાં 2016માં થયેલી હત્યા અને હત્યાની કોશિષના બનાવમાં પકડાયેલા પ્રતાપ ઉર્ફ પલક ધવલ, તેના પિતા પરસોતમ, ભાઈ પ્રવીણ ઉર્ફ ભોલો, બનેવી સુનિલ રાકાણી અને મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ સિસોદિયાનાઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડીશિયલ કસ્ટડીમાં છે. પ્રતાપની માતા અને બહેનને આ ગુનામાં કોર્ટમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ગત તા 14-2-2022ના રોજ પ્રતાપ અને તેના બનેવી સુનીલે ગુજરાત હાઇકોર્ટમાંથી 7 દિવસ માટે વચગાળાના જામીન મેળવ્યા હતા. બાદમાં સમય મુજબ જેલમાં હાજર થવાની જગ્યાએ બન્ને જણા ફરાર થઇ ગયા હતા. ક્રાઈમબ્રાન્ચે પ્રતાપ અને તેના બનેવીને ગત તા.4 જુલાઈના રોજ પકડીને સાબરમતી જેલ હવાલે કર્યા હતા. જેલમાં બન્નેનો સરસામાન જડતી રૂમમાં લાવતા વોર્ડને પ્લાસ્ટિકનો કાંસકો નહિ જાય તેમ કહેતા પ્રતાપે જણાવ્યું કે, કાસકા પર મારું નામ લખી સ્ટોરમાં જમા કરાવજો બાદમાં હું અરજી કરીને લઈ લઈશ. આથી જોગાજીએ જવાબ આપ્યો તું મારી સાથે જીભાજોડી ના કરીશ, તું મને ઓળખતો નથી. જોગાજીએ પ્રતાપ ઉર્ફ પલકને કહ્યુ હતું કે, તે જેલ પોલીસની એસીબી કરાવી હતી. તું જાતે કેવો છે? પલકે દલીત હોવાનો જવાબ આપતા હવાલદારે જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણ કરી ઉગ્ર થઈ ગયા હતા. જોગાજીએ સિપાઈઓને કહ્યું દંડા લઈ આવો. બાદમાં પ્રતાપ ઉર્ફ પલકને જડતી રૂમ પાસે લીમડાના ઝાડ જોડે લઈ ગયા હતા. ઝાડ સાથે પ્રતાપના બે સિપાઈઓએ હાથ પકડાવ્યા અને હવાલદાર જોગાજી, સિપાઈ વિજય અને પ્રદ્યુમ્ને દંડાથી પ્રતાપને મારમારી માથામાં, જમણા કાન, ડાબા પંજા અને થાપામાં તેમજ છાતીમાં ઇજાઓ કરી હતી. આ વખતે પ્રતાપનો બનેવી જેલ પોલીસને ના મારવા માટે કરગરતો હતો. બાદમાં પ્રતાપને છોડીને તમામ લોકો જતા રહેતા તેનો બનેવી ખોલીમાં લઈ ગયો હતો.બીજા દિવસે જેલમાં બંધી ખુલતા પ્રતાપ તેના પિતાને મળ્યો અને જાણ કરી હતી. પ્રતાપના પિતાએ પત્નીને જેલના ફોનથી જાણ કરી તત્કાળ મળવા બોલાવી હતી. પત્ની મળવા આવતા પુત્ર પ્રતાપ સાથે બનેલા બનાવની જાણ પોલીસ કંટ્રોલરૂમને કરવા પરસોત્તમે પત્નીને કહ્યું હતું. કંટ્રોલરૂમના મેસેજ આધારે રાણીપ પોલીસે પ્રતાપ ઉર્ફ પલક પરસોતમ ધવલની ફરિયાદ આધારે જેલના હવાલદાર જોગાજી ઠાકોર સહિત 5 જણા વિરુધ્ધ જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણ અને મારમાર્યાની ફરિયાદ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.