મેઘાણીનગરમાં માથાભારે શખસોએ યુવક પર ચાકુથી ઉપરાછાપરી બે હુમલા કરી લૂંટ ચલાવી
અમદાવાદ,તા.28 જુન 2022,મંગળવારમેઘાણીનગર ભાર્ગવ રોડ પર વી.વી.તોમર સ્કૂલ પાસે મેદાનમાં માથાભારે શખ્સોએ સોમવારે સાંજે 20 વર્ષીય યુવક પર ચાકુથી ઉપરાછાપરી બે હુમલા કરી લૂંટ ચલાવી હતી. મેઘાણીનગર પોલીસે વિસ્તારના માથાભારે શની કુશવાહ, સોનવીર બઘેલ અને લલ્લા ભદોરીયા વિરૂધ્ધ લૂંટ અને મારામારી ઈજા કરવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાર્ગવ ઓળ ડિફેન્સ કોલોનીમાં રહેતો અને ઘરેથી હોઝિયરીનું કામ કરતા રીશી કનૈયાલાલ માલીએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ શની, લલ્લા અને સોનવીર મેઘાણીનગરના માથાભારે શખ્સ હોવાથી તે તેઓને ઓળખે છે. સોમવારે સાંજે ફરિયાદી મેદાનમાં ગયો હતો. તે સમયે ત્રણે આરોપીઓએ તેની પાસે જઈ કોઈ કારણ વગર અપશબ્દો બોલી રીશીને મારમાર્યો હતો. સોનવીરે ચાકુ કાઢી હુમલો કરતા ફરિયાદીને આંગળીઓ પર ઇજા થઇ એજ ચાકુ લઈ આરોપી શનીએ હાથની કોણી પર ઘા મારી ઇજાઓ કરી હતી. ત્રણે આરોપીએ ફરિયાદીના રૂ.2 હજારની રોકડ અને સોનાની રૂ.20 હજારની વીંટી લૂંટી લીધી હતી. રીશી ત્યાંથી તેના મામીના ઘર તરફ ગયો તે સમયે મિત્રે વી.વી.તોમર સ્કૂલ પાસે ઉભા રહેવાનું કહેતા તે ઉભો હતો. તે સમયે ત્યાં ફરી ત્રણે આરોપી આવ્યા હતા. લલ્લાએ ફરી ચાકુનો ઘા મારતા રીશીએ હાથ વચ્ચે નાખતા હથેળીમાં ઘસરકો પડ્યો હતો. આરોપીએ ફરી રીશીના ખિસ્સામાં હાથ નાખી રૂ.200ની લૂંટ ચલાવી હતી. ઇજાગ્રસ્ત રીશી માલીને તેના મિત્રો અને મામી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસે ત્રણે આરોપીઓ વિરૂધ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.