કુવૈતમાં તંત્ર ઢંઢેરો પીટે છે, કોઈ સાંભળતું નથી:કુવૈતના મોલમાં બેનર લગાવીને ગેરકાયદે રહેતા લોકોને કાયદેસર વિઝા લેવા અનુરોધ કરાય છે - At This Time

કુવૈતમાં તંત્ર ઢંઢેરો પીટે છે, કોઈ સાંભળતું નથી:કુવૈતના મોલમાં બેનર લગાવીને ગેરકાયદે રહેતા લોકોને કાયદેસર વિઝા લેવા અનુરોધ કરાય છે


કુવૈતના છેવાડાના વિસ્તાર મંગાફમાં મજૂરોની વસાહતમાં છ માળની એક બિલ્ડીંગમાં આગ ભભૂકી ઉઠતાં 42 ભારતીયો સહિત 49 લોકોનાં મોત થયાં હતા. આ આગની ઘટનાએ વિશ્વભરનું ધ્યાન એટલે ખેંચ્યું કે આમાં ભારતીયો ઉપરાંત પાકિસ્તાન, ફિલિપિન્સ, મિસ્ર અને નેપાળના મજૂરો હતા. આ આગ જે ઈમારતમાં લાગી ત્યાં રહેતા મજૂરો ગેરકાયદે કુવૈતમાં ઘૂસીને રહેતા હતા, તેવો આક્ષેપ કુવૈત સરકારે જ કર્યો છે. જો કે, પોતાના દેશમાં લાખો લોકો ગેરકાયદે ઘૂસીને રહેતા હોય અને સરકાર અજાણ હોય તે વાતમાં દમ નથી. પણ ત્યાંની પોલીસે એશિયાના સૌથી મોટા મોલમાં આગની ઘટના પહેલાં પણ આ પ્રકારના મસમોટા બેનરો માર્યા છે.આ બેનરમાં ગેરકાયદે રહેતા લોકોને ફરીથી વિઝા ફી ભરીને કાયદેસરની પ્રક્રિયા કરી લેવા અપીલ કરવામાં આવી છે. કુવૈતના મોલમાં અને જાહેર સ્થળોએ કુવૈત પોલીસે મોટા મોટા બેનરો માર્યા છે. કુવૈત પોલીસની આ જાહેરાત અહીંના 2 લાખ ગેરકાયદેસર રહેનારા નાગરિકો માટે છે. જેમાં 1 લાખ ભારતીયો છે. આ જાહેરાતથી તેઓ સજા મુક્ત રીતે ફરીથી વિઝા ફી ભરીને કુવૈતની રેસીડન્સી અપ્લાય કરી શકે છે. અહીં રહી ગયેલા આવા ગેરકાયદેસર લોકો માટે સરકારની કડક વિદેશ નીતિની ખોટ છે. કારણ આવી રીતે આટલી મોટી સંખ્યામાં અહીં રહીને, સ્થાનિક કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને, ભારતીય મજૂરો છડેચોક નામોશી વહોરે છે.
જે કુવૈતમાં ભારતીયો માર્યા ગયા, એ પહેલાંથી એશિયાના સૌથી મોટા અને આલીશાન એવા ધ એવન્યુ મોલમાં ભારતનાં ધ્વજ સાથે હિંદીમાં લખેલી આ જાહેરાતોના બોર્ડ લટકે છે. જે અહીંના પોલીસ ખાતા અને કાયદો તેમજ વ્યવસ્થા પરનો બોજ છે. હવે સમજવાનું છે એ લોકોએ જે ગેરકાયદે રીતે કુવૈતમાં ઘૂસે છે. ખાસ કરીને ભારતીય મજૂરોએ હવે આંખ ઉઘાડવાનો સમય આવી ગયો છે. બિલ્ડિંગમાં આગ લાગી ને આખા વિશ્વનું ધ્યાન ખેંચાયું
કુવૈતમાં મંગાફ વિસ્તારમાં 6-6 માળનાં અને એનાથી પણ ઊંચાં ઘણાં બિલ્ડિંગ છે. કુવૈતના સમય મુજબ બુધવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે આગની ઘટના બની. 6 માળની ઈમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કિચનમાં આગ લાગી ને જોતજોતાંમાં આખા બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. સંખ્યાબંધ લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા. મોટા ભાગના લોકોનાં મૃત્યુ ધુમાડાથી ગૂંગળાવાને કારણે થયાં હતાં. બિલ્ડિંગમાં આગની આ ઘટનાએ આખા વિશ્વનું ધ્યાન એટલે ખેંચ્યું, કારણ કે આ બિલ્ડિંગમાં ભારત સહિત ઘણા દેશના મજૂરો રહેતા હતા, જેમનાં મોત થયાં એમાં ભારત, પાકિસ્તાન, ફિલિપિન્સ, મિસ્ર અને નેપાળના મજૂરો હતા. સૌથી વધારે 40 મજૂર ભારતના છે, 50 મજૂર ઘાયલ થયા છે. ગેરકાયદે એજન્ટોની દુકાન એમ્બેસી માટે માથાના દુખાવા સમાન
રોજગારના માર્યા હજારો ભારતીયો ગેરકાયદે એજન્ટો થકી કુવૈતમાં ઘૂસી જાય છે. પોતે પકડાઇ ના જાય એ બીકના માર્યા બધું સહન કરી લે છે. તેમની પાસે યાતના સહન કરવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ નથી રહેતો. ભારતમાં ચાલતી ગેરકાયદે એજન્ટોની દુકાન ઈન્ડિયન એમ્બેસી માટે માથાનો દુખાવો છે. આ એજન્ટોનું નેટવર્ક ભારતથી કુવૈત સુધી ફેલાયેલું છે, જેમાં કુવૈતીઓ પણ મળેલા છે, જેમને શોધવા-પકડવા અને અંકુશમાં રાખવા એ કુવૈતની સરકારનું કામ છે, પણ એ યોગ્ય રીતે થતું નથી. કુવૈતની પ્રજાની છાપ આળસુ ને કામચોરની છે અને એટલે જ વિદેશથી આવતા મજૂરોને ફટાફટ કામ મળી જાય છે. અહીં રોજગારી માટે આવેલા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ જેવા દેશના હજારો મજૂરો પાછા જવાને બદલે અહીં ગેરકાયદે રીતે વસી જાય છે. અહીંના સ્થાનિક બજારોમાં રોકડીમાં કામ કરીને સંતાતા ફરે છે. કાયદેસર નહીં હોવાને કારણે તેઓ ક્યારેય દવાખાને જઇને સારવાર નથી કરાવી શકતા. શોષણ, અત્યાચાર અને અન્યાયને વેઠીને પણ કુવૈતમાં પડ્યા રહે છે. મજૂરો માટે નર્ક સમાન છે કુવૈત...
ભારતના કાયદેસર રીતે રહેતા મજૂરોનો જીવન સ્તર પણ અહીં અત્યંત દયનીય છે. અહીં જેને કેમ્પ એટલે કે મજૂરોના રહેવાની કોલોની કહેવાય છે એમાં એક રૂમમાં 3 માળાના બંક બેડ પર મળીને 16થી 18 જણા રહેતા હોય છે. 18 જણા વચ્ચે એક જ રસોડું ને એક જ બાથરૂમ હોય છે. એવામાં મજૂરોના રહેવા-જમવા અને આવનજાવન જેવી પ્રાથમિક જરૂરિયાતો બાબતે અહીં કોઇ જ ધારાધોરણો અને એના ચુસ્ત પાલનની જોગવાઇ નથી. કુવૈતમાં બંદરની નજીક આવી ઘણી ઇમારતો છે, જ્યાં સુરક્ષાની દૃષ્ટિએ કોઈ સુવિધાઓ નથી. તેમને ન તો સમયસર પગાર આપવામાં આવે છે ન બીજી કોઈ વ્યવસ્થા કરી અપાય છે. તેમની સાથે ખરાબ વર્તન પણ થાય છે અને જે કંપનીઓ આ મજૂરોને ઓછા પગારે નોકરી પર રાખે છે તે ઘણીવાર તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લે છે, એટલે ભાગી ન શકે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.