રેસ્ક્યૂ ઓપરેશન:કેદારનાથમાં આ વખતે પણ 2013 જેવી જ આફત હતી પરંતુ પ્લાન બી તૈયાર રાખ્યો હતો એટલે 11 હજાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં બુધવારથી ફરીથી કેદારનાથ ધામની યાત્રા શરૂ થશે પરંતુ શ્રદ્ધાળુ માત્ર હૅલિકોપ્ટરથી જ મંદિર જઈ શકશે. ટિકિટ બુક કરાવી હશે અને હૃષિકેશ, હરિદ્વાર તથા રુદ્રપ્રયાગમાં હશે તેમને ભાડામાં 25% વળતર મળશે. સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધી 21 કિમી રૂટ પર અંદાજે 29 સ્પોટ પર રસ્તા તૂટી ગયા છે. સમારકામમાં હજી 15 દિવસ લાગશે. ત્યાં સુધી પગપાળા યાત્રા માર્ગ બંધ રહેશે. કેદારનાથ ખીણમાં 2013માં જેવી આફત હતી તેવી જ ભયાનક સ્થિતિ 31 જુલાઈએ રાત્રે પણ હતી. ભારે વરસાદ, ઘોર અંધારું, ધ્વસ્ત થઈ રહેલા પર્વતો અને બેકાંઠે વહેતી મંદાકિની. જોકે ત્યારે એસડીઆરએફ નહોતી અને ઉપર ફસાયેલા લોકો સુધી 3 દિવસે મદદ પહોંચાડી શકાઈ હતી. પરંતુ એ આપત્તિમાંથી અમને બોધપાઠ મળ્યો એટલે દર વર્ષે કેદારનાથ યાત્રા માટે પ્લાન બી રાખવાનું શરૂ કર્યું.
31 જુલાઈએ રાત્રે અંદાજે 8.30 વાગ્યા હશે. ત્યારે પહેલી માહિતી મળી કે કેદારનાથ મંદિરથી 6 કિમી પહેલાં મોટી લિંચોલી આસપાસ એક શ્રદ્ધાળુ ગુમ થયો છે. ભારે વરસાદ પડતો હતો. છતાં અંધારામાં લિંચોલીમાં તૈનાત એસડીઆરએફના 6 જવાન અને એક પોલીસ કોન્સ્ટેબલને ભીમબલી રવાના કરાયા. મંદિરથી પરત ફરતી વખતે લિંચોલી પહેલાં અને ભીમબલી પછી આવે છે. જવાન 3 કિમી આગળ વધ્યા હતા ત્યાં જ જાણે ધડાકો થયો હોય તેમ વાદળ ફાટવાનો અવાજ આવ્યો. સૌ એકબીજાનો હાથ પકડીને આગળ વધી રહ્યા હતા ત્યાં જ સામેથી પથ્થરો ધસી આવતાં દેખાયા. જવાનો જેમતેમ કરીને પર્વત પર ચઢી ગયા પરંતુ લિંચોલી પહેલાં એક જોખમી વળાંકે પહોંચ્યા અને જે દૃશ્ય જોયું એ બિહામણું હતું. મંદાકિની નદી દરિયાની જેમ વહેતી હતી અને તેની પાસેના પગપાળા માર્ગ પર લગભગ 400 લોકો મોટા મોટા પથ્થરો વચ્ચે જીવ બચાવી રહ્યા હતા. જવાનોને જોઈએ એ લોકોએ ચીસાચીસ કરી મૂકી. સૌ ડરી ગયા હતા. એ સમયે ટીમને લીડ કરી રહેલા સબ ઇન્સ્પેક્ટર પ્રેમ સિંહે કહ્યું, અમે કહીએ, તેમ કરતા જાઓ. ભીડને વચ્ચે રાખીને પર્વત અને નદીના કિનારે જવાનો પોતે ઊભા રહ્યા અને લિંચોલીમાં ઇમરજન્સી માટે ઊંચાઈ પર બનાવેલા સુરક્ષિત સ્થળે લઈ ગયા. ત્યાંથી સોનપ્રયાગની ટીમને એલર્ટ કરી.
(ભાસ્કર સંવાદદાતા મનમીતને જણાવ્યા પ્રમાણે)
બચાવવા માટે એ ટીમ આગળ વધી રહી હતી ત્યાં જ ગૌરીકુંડવાળો રસ્તો મંદાકિનીમાં સમાઈ ગયો. જોખમ વધુ હતું એટલે સૌપહેલાં સોનપ્રયાગ ખાલી કરાવાયું. બાકીની ટીમોને ગૌરીકુંડથી ઉપર લિંચોલી, ચીડબાસા મોકલાઈ અને કેદારનાથમાં રહેલી ત્રીજી ટીમને નીચે ચીડબાસા રવાના કરી. રસ્તા તૂટેલા હતા, એટલે જવાન કમર પર દોરડાં બાંધીને પર્વત ચઢીને બીજા કિનારે પહોંચ્યા. જ્યાં-જ્યાં શ્રદ્ધાળુઓ મળ્યા, તેમને સાથે લઈ લીધા. જવાન જે રૂટથી આગળ વધ્યા, એ જ રસ્તે સવારે 5 વાગ્યા સુધી 800 લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા. આ કામગીરી રેસ્ક્યૂ પ્લાન બીનો પહેલો તબક્કો હતો. કોઈ પણ નુકસાન વિના 800 લોકોને બહાર કઢાયા હતા. પછી 1 ઑગસ્ટની સવારે 6 વાગ્યે ગૌરીકુંડથી કેદારનાથ મંદિર માટે 7 ડ્રોન ઉડાડ્યાં. તેમાં ખબર પડી કે સોનપ્રયાગથી મંદિર સુધીના 21 કિમીના ટ્રેક પર 8 સ્થળે 11 હજાર જેટલા લોકો ફસાયા હતા. પ્લાન હેઠળ અમે પગપાળા માર્ગે ત્રણ રેસ્ક્યૂ પોસ્ટ પહેલેથી જ તૈનાત રાખી હતી. પહેલી પોસ્ટ સોનપ્રયાગ, બીજી બડી લિંચોલી અને ત્રીજી કેદારનાથમાં. મોટી લિંચોલી પગપાળા માર્ગનું કેન્દ્રબિંદુ છે. એ ઊંચાઈ પર છે અને આપત્તિ જેવી સ્થિતિમાં સુરક્ષિત પણ છે. એટલે હૅલિકોપ્ટર રેસ્ક્યૂ પૉઇન્ટની સૌથી નજીક હોય તે માટે ભીમબલી અને ચીડબાસામાં હૅલિપેડ બનાવાયા હતા. પહેલેથી નક્કી હતું કે આપત્તિ ટાણે કેદારનાથની ટીમ લોકોને લિંચોલી લાવશે. અહીં લિંચોલી ટીમ ભીમબલી લઈ જશે પરંતુ આ વખતે પર્વત તૂટી ગયા હતા, રસ્તા ખરાબ હતા એટલે પડકાર બેવડાયો હતો કારણ કે શ્રદ્ધાળુ ખાધાપીધા વિના ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા હતા. જે જવાનો 12 કલાકથી તૈનાત હતા તેમને આરામ આપવાનું પણ એટલું જ જરૂરી હતું. એવામાં રુદ્રપ્રયાગથી એસડીઆરએફની આખી ટીમ ગૌરીકુંડ બોલાવી લેવાઈ. પછી 60 જવાનની જુદી જુદી ટીમ બનાવાઈ અને 21 કિમીના આખા રસ્તે પર્વતો પર તૈનાત કરાયા. દરેક ટીમને, પોતાનો જીવ બચાવો અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બીજી ટીમ સુધી પહોંચાડવાની બે જવાબદારી સોંપાઈ હતી. અમારાં 3 હૅલિકોપ્ટર હૅલિપેડ આવી ગયાં હતાં. એનડીઆરએફ, ઉત્તરાખંડ પોલીસના જવાનો અને વાયુસેનાના હૅલિકોપ્ટર પહોંચ્યાં. તેથી અમારી તાકાત વધી અને પરિણામ સૌની સામે છે. અમને આનંદ છે કે સૌના પ્રયાસથી 11 હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. જોકે રેસ્ક્યૂમાં 3 શ્રદ્ધાળુના મૃતદેહ મળી આવ્યા હતા પરંતુ ઓપરેશન ટાણે કોઈનો જીવ ગયો નહોતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.