ડિંડોલીમાં હિસ્ટ્રીશીટરને મિત્ર બુટલેગર અને સાગરીતોએ જાહેરમાં રહેંસી નાખ્યો - At This Time

ડિંડોલીમાં હિસ્ટ્રીશીટરને મિત્ર બુટલેગર અને સાગરીતોએ જાહેરમાં રહેંસી નાખ્યો


- હાલમાં જેલમુક્ત બુટલેગર ભૂષણ પાટીલની બહેનને મૃતક ઉજ્જવલ હેરાન કરતો હતો - વાતચીત માટે ભેગા થયા ત્યારે પાઇપ મારી ચપ્પુના ઘા ઝીંકયા : ભૂષણ પાટીલ સહિત ચારની અટકાયત સુરત, : સુરતના ડિંડોલી વિસ્તારમાં શુક્રવારે મોડીરાત્રે હિસ્ટ્રીશીટરને મિત્ર બુટલેગર અને સાગરીતોએ જાહેરમાં રહેંસી નાખ્યો હતો. મૃતક ઉજ્જવલ બુટલેગર ભૂષણ પાટીલની બહેનને હેરાન કરતો હોય હાલમાં જ જેલમાંથી છૂટેલા ભૂષણ પાટીલ અને તેના ચાર સાગરીતોએ વાતચીત કરવા ભેગા થયા બાદ હુમલામાં પાઇપ વડે હુમલો કરી તેમજ ચપ્પુના સંખ્યાબંધ ઘા ઝીંકતા ઉજ્જવલ સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી ભૂષણ પાટીલ સહિત ચારની અટકાયત કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નવાગામ ડિંડોલી લક્ષ્મણનગર ઘર નં.58 માં રહેતો કુખ્યાત બુટલેગર અને માથાભારે ભૂષણ બંસીલાલ પાટીલ 10 દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર છૂટ્યો હતો. તે જયારે જેલમાં હતો ત્યારે તેની બહેન સાથે ગુનાખોરીમાં તેના જ સાથી ઉજ્જવલ રાજેશ ઉપાધ્યાય ( રહે.105, પહેલા માળે, નરોત્તમનગર, નવાગામ ડિંડોલી, સુરત ) એ ઝઘડો કરી હેરાન કરી હતી. આ અંગેની જાણ જેલમાંથી છૂટેલા ભૂષણને થતા ઉજ્જવલ ગતરાત્રે 11.15 વાગ્યે મિત્ર શુભમ સંદિપભાઈ ઈસી સાથે ભૂષણ સાથે વાત કરવા બાઈક પર ભૂષણના ઘર પાસે પહોંચ્યો હતો. ત્યાં ભૂષણ સાથે તેના સાગરીતો રાહુલ ઉર્ફે ભોલો પ્રજાપતી ( રહે. ગાયત્રીનગર, નવાગામ ડિંડોલી, સુરત ), સુનિલ ઉર્ફે સુનીયો આધાર પાટીલ ( રહે. પ્રભુનગર, લીંબાયત, સુરત ), ગજાનંદ ઉર્ફે ગજ્જુ સુભાષ પાટીલ ( રહે. આર.ડી.નગર, નવાગામ ડિંડોલી, સુરત ) અને એક અજાણ્યો હાજર હતા.બાઈક પરથી ઉતરી ઉજ્જવલે સુનીલને કહ્યું હતું કે મારી કોઈ ભૂલ નથી, હું ભૂષણ સાથે આવું નહીં કરું.તમારી ગેરસમજ થાય છે. તે વખતે સુનીલે સ્ટીલનો પાઈપ તેના માથામાં અને હાથમાં મારતા ઉજ્જવલ માથું પકડી ઓટલા પાસે બેસી ગયો હતો. સુનીલે પાઈપ શુભમને મારવા ઉગામી હતી પણ તે મિત્ર રાજ પાટીલને બોલાવવા ત્યાંથી ભાગી ગયો હતો. બંને થોડીવાર બાદ ત્યાં પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું અને ડિંડોલી પોલીસ ત્યાં હાજર હતી અને ઉજ્જવલ લોહીલુહાણ હાલતમાં ત્યાં નીચે પડેલો હતો.સ્થળ પર પહોંચેલી 108 ના ડોકટરે ઉજ્જવલને મૃત જાહેર કર્યો હતો. ઉજ્જવલને પાઇપ વડે માર માર્યા બાદ છાતીમાં નીચે ડાબી બાજુ, ડાબા પડખામાં, પીઠ ઉપર, જમણા હાથના પહોંચા ઉપર, અંગુઠા ઉપર, ડાબા હાથના બાવડા ઉપર, ડાબા પગના સાથળ ઉપર, જમણા પગના જાંઘ ઉપર તથા બન્ને પગ ઉપર ચપ્પુના સંખ્યાબંધ ઘા ઝીંકાયા હતા.બનાવ અંગે ડિંડોલી પોલીસે શુભમની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી ભૂષણ અને તેના ત્રણ સાગરીતની અટકાયત કરી હતી. તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે ભૂષણના બનેવીની બે વર્ષ અગાઉ હત્યા થયા બાદ વિધવા બહેન તેના ઘરે રહેતી હતી. તે સમયે ઘરે અવરજવર કરતા ઉજ્જવલ સાથે તેની ગાઢ મિત્રતા હતી. જોકે, થોડા સમય અગાઉ તેના ફરી લગ્ન થતા ઉજ્જવલને મનદુઃખ થયું હતું અને તેણે ભૂષણના ઘરે જઈ તેની બહેન સાથે ઝઘડો કરી તેને હેરાન કરી હતી.વધુ તપાસ પીઆઈ જે.એન.ઝાલા કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.