બ્રિટનમાં વિપક્ષના નેતાએ સુનકને પાકિસ્તાની કહ્યા:અપશબ્દો પણ કહ્યા, કહ્યું – તેઓ એકેય કામ માટે લાયક નથી; સુનકે કહ્યું- ટિપ્પણી મામલે ફરાજે જવાબ આપવો પડશે
બ્રિટનમાં રિફોર્મ યુકે પાર્ટીના નેતા નાઈજલ ફરાજ માટે પ્રચાર કરી રહેલા એક વ્યક્તિએ પીએમ ઋષિ સુનક પર વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે સુનકને અપશબ્દો પણ કહ્યા હતા. બ્રિટનની ચેનલ 4 ન્યૂઝે રિફોર્મ પાર્ટીના કાર્યકર એન્ડ્રુ પાર્કરનો વીડિયો પણ જાહેર કર્યો છે. આમાં પાર્કરે કહ્યું, "મેં હંમેશા બ્રિટિશ ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીને સમર્થન આપ્યું છે, પરંતુ હવે તેઓ લેબર પાર્ટી જેવા થઈ ગયા છે. આજે એક પાકિસ્તાની આપણું નેતૃત્વ કરી રહ્યા છે. તે કંઈપણ કરવા માટે સક્ષમ નથી." આ દરમિયાન પાર્કરે સુનકને અપશબ્દો પણ કહ્યા હતા. સુનકે તેના આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું: "નાઈજલ ફરાજ માટે કામ કરતા એક વ્યક્તિએ મને અપશબ્દો કહ્યા છે. મને દુઃખ છે કે મારી બે પુત્રીઓને આ સાંભળવું પડ્યું. હું આનાથી ગુસ્સે છું અને ફરાજે આ માટે જવાબ આપવો પડશે." પાર્કરે કહ્યું- ઇસ્લામ ધર્મના લોકો દરેકને મુસ્લિમ બનાવવા માંગે છે
સુનક પર ટિપ્પણી કરવા ઉપરાંત પાર્કરે વીડિયોમાં ઈસ્લામ માટે અપશબ્દો પણ કહ્યા હતા. તેમણે ઈસ્લામને સૌથી નકામો ધર્મ ગણાવ્યો. પાર્કરે કહ્યું કે ઇસ્લામના લોકો દરેકને મુસ્લિમ બનાવવા માંગે છે. તેમને મસ્જિદોમાંથી બહાર ધકેલી દેવા જોઈએ. આ પછી તમામ મસ્જિદોને પબ અને ક્લબ બનાવી દેવી જોઈએ. પાર્કરે બ્રિટનમાં આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે સેનામાં નવા લોકોની ભરતી કરવી જોઈએ. તેમને નિશાના લગાવવાની ટ્રેનિંગ આપવા માટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને શુટ કરવાની મંજૂરી આપવી જોઇએ. નાઈજલ ફરાજ સુનકની માફી માંગશે નહીં
રિફોર્મ પાર્ટીના નેતા નાઈજલ ફરાજે આ મુદ્દે સુનકની માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પાર્કરના નિવેદનને તેમની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પાર્કરને આ બધું કહેવા માટે તેમના વિરોધ પક્ષોએ રુપિયા આપ્યા હતા. તેઓ પાર્ટીની છબી ખરાબ કરવા માંગે છે. જો કે, આ બાબતે ખુલાસો કરનાર ચેનલ 4 ન્યૂઝે નાઈજલના આ દાવાઓને ફગાવી દીધા છે. પાર્કરે કહ્યું કે તે પાર્ટ-ટાઇમ એક્ટર છે અને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી રિફોર્મ પાર્ટી માટે પ્રચાર કરવા આવ્યો હતો. નાઈજલ ફરાજ બ્રિટનના જમણેરી નેતા છે. તેઓ ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકવા માંગે છે. આ આઠમી વખત છે જ્યારે ફરાજ બ્રિટિશ સાંસદ બનવા માટે ચૂંટણી લડી રહ્યા છે. જાતિવાદી ટિપ્પણી કરવા બદલ રિફોર્મ પાર્ટીના 166 ઉમેદવારોને હટાવવામાં આવ્યા હતા
બ્રિટનમાં જાતિવાદ વિરુદ્ધ કામ કરતી સંસ્થા હોપ નોટ હેટના રિપોર્ટ અનુસાર, રિફોર્મ યુકે પાર્ટીએ આ વર્ષે ચૂંટણી પહેલા અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ પાછા ખેંચી લીધા છે. આ તમામ પર જાતિવાદી અથવા વાંધાજનક નિવેદન આપવાનો આરોપ છે. ગયા અઠવાડિયે બીબીસી સાથેની મુલાકાતમાં ફરાજે કહ્યું હતું કે પશ્ચિમી દેશોએ રશિયાને યુક્રેન પર હુમલો કરવા માટે ઉશ્કેર્યુ હતું. તેમના નિવેદનની વ્યાપક ટીકા થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.