વામ્બે આવાસ યોજનામાં હોર્ન વગાડવા મામલે બે પરિવાર વચ્ચે ધોકા-પાઈપથી મારામારી: મહિલા સહિત ચાર ઘાયલ
કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનામાં હોર્ન વગાડવા મામલે બે પરિવાર વચ્ચે ધોકા-પાઈપથી મારામારી થતાં મહિલા સહિત ચાર લોકો ઘાયલ થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં લીલાબેન શૈલેષભાઈ બગડા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સિકંદર કુરેશી અને તેની માતાનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી ઘરકામ અને તેના પતિ ડ્રાઇવિંગ કામ કરે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેઓ ઘરની બહાર વાસણ સાફ કરતી હતી ત્યારે તેણીના બંને પુત્ર જયદીપ તથા પાર્થ ઘરે આવેલા અને વાત કરેલ કે, સિકંદર કુરેશી હોર્ન વગાડવા બાબતે ઝઘડો કરેલ છે.ત્યારે સિકંદર કુરેશી ઘર પાસે આવી ગાળો દેવા લાગેલ અને તેના હાથમાં ધોકો અને છરી હતી. સિકંદરે ઉશ્કેરાય તેણીને માથામાં અને શરીરના ભાગે ધોકા વડે માર મારવા લાગેલ હતો. તેણીનો પુત્ર જયદીપ વચ્ચે પડતા તેને પણ આરોપીએ ધોકા વડે ફટકારવા લાગેલ હતો. તેમજ તેણીના પુત્ર પાર્થને પણ મોઢાના ભાગે ઢીકા મારવા લાગેલ હતો.
દરમિયાન આસપાસના લોકો એકઠાં થઈ જતાં આરોપીએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તમારે અહીં રહેવાનો અધિકાર જ નથી તમારા મકાન ખાલી જ કરાવી નાખવા છે કહી ધમકી આપી હતી. ત્યારે આરોપીની માતા ઘસી આવેલ અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઈજાગ્રસ્ત માતા-પુત્રોને સારવારમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતાં.
જ્યારે સામાપક્ષે સાધુ વાસવાણી રોડ પર ત્રિલોક પાર્કના ક્વાર્ટરમાં રહેતાં સીકંદરભાઇ રસુલભાઈ કુરેશી (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે લીલાબેન બગડા, જયદીપ બગડા અને પાર્થ બગડાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રીક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેની રીક્ષા લઈ કાલાવડ રોડ નાના માવા પાસે આવેલ આવાસ યોજનામાં તેની માતાને તેડવા માટે ગયેલ ત્યારે આવાસ યોજના ગેઇટ પાસે લીલાબેનના પુત્ર જયદીપને બાઈક ધીમે ચલાવવાનું કહેતા જયદીપે કહેલ કે, બાઈક તો આમ જ ચાલશે તેમ કહી ગાળો દેવા લાગેલ બાદ બંને ભાઈ તેના ઘરે જતા રહેલ હતાં. જેથી તેઓ આરોપીના ઘરે ગયેલ અને જયદીપની માતા લીલાબેન બહાર વાસણ ધોતા હોય તે પણ બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ ત્યારે જયદીપ તેના ધરમાંથી પાઇપ લઇ આવી માથાના ભાગે ફટકારેલ હતો. તેમજ પાર્થ પ્લાસ્ટિકના પાઇપથી મારમારવા લાગેલ હતો. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં વધું મારમારથી છોડાવેલ અને લોહીલુહાણ હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી તાલુકા પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઈ વિ.આર.પટેલની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.