વાહનમાં સોસાયટીનું સ્ટિકર મારવા મુદ્દે કારખાનેદાર પર હુમલો - At This Time

વાહનમાં સોસાયટીનું સ્ટિકર મારવા મુદ્દે કારખાનેદાર પર હુમલો


ગોવર્ધન ચોક પાસેના સ્કાય હાઇટ્સની ઘટના

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના સ્કાય હાઇટ્સ સોસાયટીમાં વાહન પર સ્ટિકર લગાવવા મુદ્દે કારખાનેદાર પર સોસાયટીના પ્રમુખ અને તેના પુત્ર સહિત ત્રણે હુમલો કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

સ્કાય હાઇટ્સ સોસાયટીમાં રહેતા અને શાપરમાં બેરિંગનું કારખાનું ચલાવતાં વિમલભાઇ ગોરધનભાઇ પટોડિયા (ઉ.વ.43)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હસમુખ, તેનો પુત્ર અને કેતન કુહાડિયાના નામ આપ્યા હતા. વિમલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.14ના પોતે કારખાનેથી ઘરે ગયા હતા. સોસાયટીના નિયમ મુજબ એન્ટ્રી ગેટ પર વાહનમાં સોસાયટીનું નિયત સ્ટિકર લગાવવાનું હોય છે, પરંતુ વિમલભાઇ પાસે કંપનીનું બાઇક હોવાથી તેમણે સ્ટિકર લગાવ્યું નહોતું. આ બાબતે એક નંબર પરથી વિમલભાઇને ફોન આવ્યો હતો અ્ને ફોન કરનારે પોતાની ઓળખ સોસાયટીના પ્રમુખ હસમુખ તરીકે આપી હતી અને સ્ટિકર કેમ લગાવ્યું નહીં તેમ કહી ગાળો ભાંડી હતી અને ફ્લેટે આવ રાહ જોઇએ છીએ તેમ કહ્યું હતું. કેતન કુહાડિયાએ પણ ગાળો ભાંડી હતી.

વિમલભાઇ પોતાનું કામ પતાવી ફ્લેટે ગયા હતા તે સાથે જ હસમુખ અને કેતને ઢીકાપાટુનો માર માર્યો હતો. વિમલભાઇએ પણ પ્રતિકાર કરી મારકૂટ કરતાં તે અંગે કેતને તેના પર અગાઉ ફરિયાદ કરી હતી. ત્યારબાદ હસમુખ તથા તેના પુત્રએ વિમલભાઇના પત્ની હિતાર્થીબેનને ધમકી આપી હતી કે, તમને ફ્લેટ ખાલી કરાવવો છે અને જીવતા નથી રહેવા દેવા. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.