ગેરકાયદે અમેરિકા જશો તો આશ્રય નહીં મળે:બાઇડન સરકારે આદેશ આપ્યો; રિપબ્લિકન્સે કહ્યું- ટ્રમ્પના કારણે નિર્ણય લીધો, આ અમારી જીત
જો તમે ગેરકાયદેસર અમેરિકા જવાની ફિરાકમાં હોવ તો ચેતી જજો. કારણ કે અમેરિકામાં બાઇડન સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સંકટ સાથે જોડાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે પરવાનગી વિના અમેરિકા જનારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે આશ્રય મેળવવાનું સરળ રહેશે નહીં. એક અહેવાલ મુજબ 2012થી 2022 વચ્ચે ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશનારા ભારતીયોની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે. ત્યારે આ મુદ્દો ભારતીયોને પણ ખાસ કરીને અસર કરશે. અમેરિકામાં આ વર્ષે 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન દેશમાં શરણાર્થી સંકટ એક મોટો મુદ્દો બની ગયો છે. વિપક્ષી નેતા ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક સુધીના લોકો ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના મુદ્દે બાઇડન સરકારને ઘેરી રહ્યા છે. લોકોમાં પણ ગેરકાયદેસર શરણાર્થીઓના મુદ્દાને લઈને ભારે નારાજગી છે. આ આદેશમાં એવી જોગવાઈ છે કે જો દક્ષિણ સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે દેશમાં આવતા શરણાર્થીઓની સંખ્યા ખૂબ વધી જાય તો તેમની અરજીઓ તરત જ નકારી શકાય છે. ગેરકાયદેસર શરણાર્થીઓની સંખ્યા વધશે તો પગલાં લેવાશે
વ્હાઇટ હાઉસે મંગળવારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લગતા નવા પ્રસ્તાવની જાહેરાત કરતા કહ્યું કે યુએસ તેની સરહદોને "સુરક્ષિત" રાખવા માટે આ પગલાં લઈ રહ્યું છે. જો કે, વ્હાઇટ હાઉસે એમ પણ કહ્યું છે કે આ કાર્યવાહી ત્યારે જ અસરકારક રહેશે જ્યારે ગેરકાયદેસર રીતે દક્ષિણ સરહદ પાર કરીને અમેરિકા પહોંચનારા લોકોની સરેરાશ સંખ્યા 2500ને વટાવી જશે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર આ નવા નિયમો બુધવાર સવારથી લાગુ થઈ ગયા છે. જ્યાં સુધી સરેરાશ સંખ્યા 1,500થી ઓછી ન થાય ત્યાં સુધી આ નિયમો લાગુ રહેશે. નવા નિયમ હેઠળ, જો સતત 7 દિવસ સુધી ગેરકાયદેસર શરણાર્થીઓની સંખ્યા 1,500થી ઓછી રહે છે, તો સરહદ બે અઠવાડિયા પછી શરણાર્થીઓ માટે ફરીથી ખોલવામાં આવશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો આ સંખ્યા પછીથી ફરી વધશે તો નિયંત્રણો લાદવામાં આવશે. જો કે, આ પ્રસ્તાવમાં સગીર બાળકો અને માનવ તસ્કરીનો ભોગ બનેલાઓને અપવાદરૂપે રાખવામાં આવ્યા છે. સીબીએસ ન્યૂઝ અહેવાલ આપે છે કે હાલમાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને યુએસમાં પ્રવેશનારા લોકોની સંખ્યા સરેરાશ 3,700 છે. હકીકતાં, જો બાઇડન અને તેમની પાર્ટીની શરણાર્થીઓના મુદ્દે નિષ્ક્રિય વલણ અપનાવવા બદલ ઘણી ટીકા કરવામાં આવી છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે જો બાઇડન સરકાર શરણાર્થીઓના મુદ્દે કોઈ નક્કર નિર્ણય નહીં લે તો તેને બીજી વખત જીતવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણી પહેલા કરવામાં આવેલા મોટાભાગના સર્વેક્ષણોમાં ડોનાલ્ડ ટ્રમ્પ જો બાઇડન પર ભારી પડી રહ્યા છે. શરણાર્થી સંકટ પણ બાઇડનના પાછળ રહેવાનું એક મોટું કારણ છે.
ટીકાકારોએ કહ્યું- નવો કાયદો મુશ્કેલીઓ વધારશે
ટીકાકારો માને છે કે બાઇડન સરકારના આ નવા પ્રસ્તાવમાં નાના શરણાર્થીઓને અપવાદમાં રાખવાથી તેમની સંખ્યામાં ભારે વધારો થશે. જો કે, રાષ્ટ્રપતિ બાઇડને આ નવી દરખાસ્તને માનવતાવાદી વિચારણાઓથી પ્રેરિત ગણાવી છે. ઓર્ડરની જાહેરાત કરતા તેમણે કહ્યું કે તે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચેના કેટલાક અઠવાડિયાની વાટાઘાટોનું પરિણામ છે. કેટલાક રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓએ દાવો કર્યો હતો કે આ તેમની જીત છે અને તે ડોનાલ્ડ ટ્રમ્પ હતા જેમણે બાઇડનને આ નિર્ણય લેવા દબાણ કર્યું હતું. આ આરોપો પર બાઇડને કહ્યું કે ટ્રમ્પ ક્યારેય ગેરકાયદેસર શરણાર્થીઓનો મુદ્દો ઉકેલવા માંગતા ન હતા, તેઓ આ મુદ્દાનો ઉપયોગ સરકાર પર હુમલો કરવા માટે કરી રહ્યા હતા. બાઇડનની પાર્ટી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પ્રત્યે નરમ વલણ અપનાવે છે
યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનું સંકટ ઘણા દાયકાઓથી એક જટિલ અને વિવાદાસ્પદ મુદ્દો છે. આ મુદ્દાને લઈને અમેરિકી સરકારની નીતિઓ સમયાંતરે બદલાતી રહે છે. રિપબ્લિકન પાર્ટી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક વલણ અપનાવે છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી આ મુદ્દે નરમ વલણ ધરાવે છે. ગેરકાયદેસર વસાહતીઓ ઘણીવાર ઓછા વેતન પર કામ કરે છે, જેનાથી વેપારી વર્ગને ફાયદો થાય છે પરંતુ સ્થાનિક લોકોની નોકરીઓ જોખમમાં મૂકે છે. ગેરકાયદેસર શરણાર્થીઓનો મુદ્દો ચૂંટણી દરમિયાન રાજકીય વિવાદનું કારણ બને છે. નિષ્ણાતોના મતે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા લાવવા માટે એક મોટું સંગઠિત ગુનાહિત નેટવર્ક ચાલી રહ્યું છે. બાઇડન સરકારના વિરોધીઓ તેમના પર આવા કાર્ટેલ સાથે સંકળાયેલા હોવાનો આરોપ લગાવે છે. વિરોધીઓ આક્ષેપ કરે છે કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકન નાગરિકતા મેળવ્યા પછી એક મોટી વોટ બેંક તરીકે કામ કરે છે, તેથી તેમને રોકવા માટે કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવતા નથી. અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓનું સંકટ વધુ ઘેરું બન્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.