ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો I.N.D.I.A સ્પીકરની ચૂંટણી લડશે:વિપક્ષને આ પદ આપવાની પરંપરા, ગઈ લોકસભામાં ડેપ્યુટી સ્પીકર નહોતા
18મી લોકસભાનું પ્રથમ સત્ર આવતા અઠવાડિયે એટલે કે 24 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 9 દિવસ એટલે કે 3જી જુલાઈ સુધી ચાલશે. લોકસભા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા 26 જૂનથી શરૂ થશે. એવા અહેવાલો છે કે ભાજપ ઓમ બિરલાને બીજી વખત સ્પીકર બનાવી શકે છે, જ્યારે ચંદ્રબાબુ નાયડુની TDP અને નિતિશ કુમારની JDU સ્પીકર પદની માંગ કરી રહી છે. અહીં, વિપક્ષ I.N.D.I.A જૂથ પણ લોકસભામાં મજબૂત સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં તેમને આશા છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષના એક સાંસદને આપવામાં આવશે. જો કે ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે જો વિપક્ષી સાંસદને ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં મળે તો વિપક્ષનું જુથ સ્પીકર પદ માટે પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે. વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની પરંપરા રહી છે. 16મી લોકસભામાં એનડીએમાં સામેલ AIADMKના થમ્બીદુરઈને આ પદ આપવામાં આવ્યું હતું. જ્યારે 17મી લોકસભામાં કોઈને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા ન હતા. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ મહત્વનું છે
સ્પીકરનું પદ શાસક પક્ષ અથવા ગઠબંધનની તાકાતનું પ્રતીક છે. તેમજ, લોકસભાના કામકાજ પર ફક્ત સ્પીકરના નિયંત્રણ હોય છે. બંધારણમાં સ્પીકરની સાથે ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીની પણ જોગવાઈ છે, જે સ્પીકરની ગેરહાજરીમાં પોતાની ફરજો બજાવે છે. માનવામાં આવી રહ્યું છે કે ઓમ બિરલાને સ્પીકર બનાવવાની સાથે જ બીજેપીના આંધ્ર પ્રદેશ અધ્યક્ષ ડી. પુરંદેશ્વરીને લોકસભાના ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવી શકે છે. પુરંદેશ્વરી ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરીની બહેન છે. તેમણે એવા સમયે નાયડુનું સમર્થન કર્યું હતું જ્યારે તેમના સસરા એનટી રામારાવને હટાવવા બદલ તેમની ટીકા થઈ રહી હતી. આવી સ્થિતિમાં જો તેમને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવશે તો નાયડુ પર સોફ્ટ પ્રેશર રહેશે. તેમની પાર્ટી પુરંદેશ્વરીનો વિરોધ કરી શકશે નહીં. સ્પીકર શું છે, તેનું કાર્ય શું છે?
બંધારણની કલમ 93 અને 178માં સંસદ અને વિધાનસભાના બંને ગૃહોના અધ્યક્ષ પદનો ઉલ્લેખ છે. સામાન્ય રીતે નવી સરકારની રચના થતાં જ લોકસભામાં અધ્યક્ષની પસંદગી કરવાની પરંપરા રહી છે. પીએમ તરીકે શપથ લીધાના ત્રણ દિવસમાં તેમની નિમણૂક કરવામાં આવે છે. સ્પીકર લોકસભાના વડા અને પ્રમુખ અધિકારી છે. એકંદરે, લોકસભા કેવી રીતે ચાલશે તેની સંપૂર્ણ જવાબદારી સ્પીકરની હોય છે. તેઓ બંધારણની કલમ 108 હેઠળ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરે છે. તે લોકસભામાં વિરોધ પક્ષના નેતાને પણ માન્યતા આપવાનો નિર્ણય કરે છે. તે ગૃહના નેતાની વિનંતી પર ગૃહની 'ગુપ્ત' બેઠક પણ યોજી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.