ટ્રેઇની IAS ઓફિસરની ટ્રેનિંગ રોકવામાં આવી:પૂજા ખેડકરને વિકલાંગ અને OBC સર્ટિફિકેટ આપનાર ડૉક્ટરની પૂછપરછ કરાશે - At This Time

ટ્રેઇની IAS ઓફિસરની ટ્રેનિંગ રોકવામાં આવી:પૂજા ખેડકરને વિકલાંગ અને OBC સર્ટિફિકેટ આપનાર ડૉક્ટરની પૂછપરછ કરાશે


ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની ટ્રેનિંગ એક અઠવાડિયા માટે રોકી દેવામાં આવી છે. પૂજાને 15થી 19 જુલાઈ સુધી અકોલામાં આદિવાસી વિકાસ પરિયોજનામાં ઇન્ટર્ન તરીકે જોડાવાની હતી, પરંતુ વાશીમ જિલ્લા અધિકારીએ તેના પર રોક લગાવી દીધી છે. પૂજા પર દિવ્યાંગતા અને OBC આરક્ષણ ક્વોટાનો દુરુપયોગ કરીને ભારતીય પ્રશાસનિક સેવા(UPSC)માં સિલેક્શન મેળવવાનો આરોપ છે. પૂજાના દિવ્યાંગ અને OBC સર્ટિફિકેટની પોલીસ તપાસ થશે. સર્ટિફિકેટ આપનાર ડોક્ટરની પણ પૂછપરછ કરવામાં આવશે. પૂજાએ દિવ્યાંગ સર્ટિફિકેટ માટે 2 અરજી કરી, 1 નામંજૂર થઈ
ટ્રેઈની IAS ઓફિસર પૂજા ખેડકરે બેવાર વિકલાંગતા સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. પુણેની ઔંધ હોસ્પિટલે તેની અરજી નામંજૂર કરી દીધી હતી. ઔંધ હોસ્પિટલે પૂજાની અરજીના જવાબમાં કહ્યું- તમે 23 ઓગસ્ટ 2022ના રોજ દિવ્યાંગ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. તમારી તરફથી જણાવવામાં આવેલી બીમારી લોકોમોટર દિવ્યાંગતાની મેડિકલ ટીમે 11 ઓક્ટોબર 2022ના રોજ તપાસી હતી. ટીમે રિપોર્ટના આધારે તમારા દાવાને યોગ્ય માન્યો નથી. તમારા પક્ષમાં દિવ્યાંગતા સર્ટિફિકેટ જાહેર કરવું શક્ય નથી. લોકોમોટર દિવ્યાંગતા- હાડકાંમાં કે માંસપેશીઓને પ્રભાવિત કરે છે, જેના કારણે હાથ-પગની મૂવમેન્ટમાં પરેશાની થઈ શકે છે. એ પછી તેમણે પિંપરી-ચિંચવડની ગવર્નમેન્ટ હોસ્પિટલમાં દિવ્યાંગતા સર્ટિફિકેટ માટે અરજી કરી હતી, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. કમિટી 2 અઠવાડિયાંમાં રિપોર્ટ રજૂ કરશે
11 જુલાઈના રોજ વિવાદોમાં ઘેરાયેલી ટ્રેઈની IAS અધિકારી પૂજા ખેડકરની ઉમેદવારી ચકાસવા માટે કેન્દ્રએ એક સભ્યની સમિતિની રચના કરી છે. કેન્દ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તપાસ અધિક સચિવ રેન્કના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. તેનો હેતુ 2023 બેચના અધિકારી ખેડકરની ઉમેદવારીના દાવા અને અન્ય વિગતોની ચકાસણી કરવાનો રહેશે. કમિટી બે સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે. જ્યારે પૂજાને તેની તપાસ માટે રચવામાં આવેલી સમિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. પૂજાએ કહ્યું, 'મને આ અંગે કંઈપણ કહેવાનો અધિકાર નથી. હું કમિટી સમક્ષ મારો પક્ષ રજૂ કરીશ. પૂજાએ UPSCને કહ્યું- હું માનસિક રીતે અક્ષમ છું
પૂજાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને આપેલા એફિડેવિટમાં દાવો કર્યો છે કે તે માનસિક રીતે અક્ષમ છે અને તેને જોવામાં પણ તકલીફ છે. મેડિકલ ટેસ્ટ આપવો જરૂરી હોવા છતાં તેણે 6 વખત મેડિકલ ટેસ્ટ આપવાની ના પાડી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજાનો પહેલો મેડિકલ ટેસ્ટ એપ્રિલ 2022માં દિલ્હી AIIMSમાં થવાનો હતો. તેણે કોવિડ પોઝિટિવ હોવાનું જણાવી એમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. જોકે એ સ્પષ્ટ નથી કે જ્યારે પૂજાએ પરીક્ષામાં બેસવાની ના પાડી દીધી હતી, તો પછી સિલેક્શન કેમ અને કેવી રીતે થયું? પૂજા કરોડોની સંપત્તિની માલિક
UPSC સિલેક્શનમાં ગેરરીતિઓ ઉપરાંત 34 વર્ષની પૂજા ખેડકર તેની કરોડોની સંપત્તિના કારણે પણ ચર્ચામાં છે. પૂજા ખેડકર લગભગ 17-22 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. વર્ષ 2023માં જોડાતાં પહેલાં સરકારને આપેલી તેની સ્થાવર મિલકતની વિગતોમાં પૂજાએ જણાવ્યું હતું કે તેણે 2015માં પુણેના મ્હાલુંગેમાં 2 પ્લોટ ખરીદ્યા હતા, જેમાં તેણે એક પ્લોટ 42 લાખ 25 હજાર રૂપિયામાં અને બીજો પ્લોટ 43 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં બંને પ્લોટની બજાર કિંમત રૂ. 6થી 8 કરોડની વચ્ચે છે. પૂજાએ 2018માં પુણેના ધાનેરી વિસ્તારમાં 4.74 હેક્ટર જમીન 20 લાખ 79 હજાર રૂપિયામાં ખરીદી હતી. એની વર્તમાન કિંમત 3થી 4 કરોડ રૂપિયા છે. પૂજાએ 2020માં કેંધવામાં 724 ચોરસ ફૂટનો ફ્લેટ 44 લાખ 90 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો, જેની કિંમત હાલમાં 75 લાખ રૂપિયા છે. તે જે ઓડીમાં મુસાફરી કરે છે એના પર 26 હજાર રૂપિયાનું ચલણ બાકી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓડી કાર પર 26 હજાર રૂપિયાનો દંડ બાકી છે, જેના પર પૂજા ખેડકર તેની પોસ્ટિંગ દરમિયાન લાલ-વાદળી લાઇટ અને મહારાષ્ટ્ર સરકારના સ્ટિકર સાથે ફરતી હતી. 2022થી અત્યારસુધીમાં ઓડી પાસે ટ્રાફિક નિયમોનો ભંગ કરવા માટે 21 ચલણ પેન્ડિંગ છે, જેમ કે હાઇ સ્પીડમાં ડ્રાઇવિંગ, સિગ્નલ તોડવું અને પોલીસ દ્વારા પૂછવામાં આવે ત્યારે રોકવાનો ઇનકાર કરવો. ઓડી કાર ખાનગી એન્જિનિયરિંગ કંપનીના નામે રજિસ્ટર્ડ છે. આરટીઓએ ગુરુવારે (11 જુલાઈ) એન્જિનિયરિંગ કંપનીને નોટિસ પાઠવી છે. એક RTO અધિકારીએ શુક્રવારે (12 જુલાઈ) જણાવ્યું હતું કે પુણે RTOએ પુણે સ્થિત એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીને નોટિસ જારી કરી છે, જેના નામ પર MH-12/AR-7000 નંબરવાળી ઓડી રજિસ્ટર છે. નોટિસમાં કંપનીને ઓડી કારને તાત્કાલિક આરટીઓમાં તપાસ માટે રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.