સરકાર અને મહાકાય કંપનીઓનું મેચ ફિક્સિંગ ડર અને આઝાદી વચ્ચે પસંદગીનો સવાલ વિરજીભાઈ ઠુમર પૂર્વ સાંસદ
સરકાર અને મહાકાય કંપનીઓનું મેચ ફિક્સિંગ
ડર અને આઝાદી વચ્ચે પસંદગીનો સવાલ
વિરજીભાઈ ઠુમર પૂર્વ સાંસદ
લેખક: રાહુલ ગાંધી (લોકસભામાં વિપક્ષી નેતા) સ્ત્રોત ઇન્ડિયન એક્સપ્રેસ ૫/૧૧/૨૦૨૪
અનુવાદક: પ્રો. હેમંતકુમાર શાહ
ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના મોં પર તાળું મારી દીધું હતું. તેણે તેની ધંધાકીય કુશળતા દ્વારા નહિ પણ ગળે ટૂંપો દઈને ભારતને ચૂપ કરી દીધું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યારના મહારાજાઓ અને નવાબો સાથે ભાગીદારી કરીને, તેમને બક્ષિસો આપીને અને ધમકીઓ આપીને ભારતને શાંત કરી નાખ્યું હતું અને તેઓ તેને ચરણે બેસી ગયા હતા. તેણે આપણા બેંક, અમલદારો અને માહિતીનાં માળખાં પર અંકુશ જમાવ્યો હતો. આપણે આપણી સ્વતંત્રતા કંઈ બીજા દેશ પાસે ગુમાવી નહોતી, પણ એક ઇજારાશાહી કંપનીના દ્વારે ગુમાવી હતી કે જે દમનકારી સાધનો અપનાવતી હતી.
ઇસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપારની શરતો પર નિયંત્રણ ધરાવતી હતી અને હરીફાઈને બજારમાંથી નાબૂદ કરી નાખી હતી. કોણ કોને શું વેચે તે એ જ નક્કી કરતી હતી. તેણે આપણા કાપડ ઉદ્યોગને અને આપણી ઉત્પાદન વ્યવસ્થાને સાફ કરી નાખ્યાં. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ નવી વસ્તુ શોધી કાઢી હોય કે પછી નવા બજારનો વિકાસ કર્યો હોય એવું મારી જાણમાં નથી. પરંતુ હું એ જાણું છું કે તેણે એક પ્રદેશમાં અફીણની ખેતીમાં પોતાનો ઈજારો ઊભો કર્યો અને બીજા પ્રદેશમાં એના બંધાણીઓનું આંતરિક બજાર ઊભું કર્યું. તેમ છતાં, કંપની ભારતને લૂંટતી રહી ત્યારે તેણે બ્રિટનના એક નમૂનારૂપ કોર્પોરેટ નાગરિક તરીકેનું વર્તન કર્યું. તેના વિદેશી શેરધારકોને એ બહુ ગમ્યું.
મૂળ ઇસ્ટ ઇન્ડિયા કંપની તો આશરે દોઢસો વર્ષ અગાઉ ભારતમાંથી સમેટાઈ ગઈ, પણ તેણે જે ભારે ડર ઊભો કરેલો તે પાછો આવેલો દેખાય છે. તેને સ્થાને ઇજારદાર મહાકાય કંપનીઓનો એક નવો ફાલ પેદા થયો છે. તેમણે વિપુલ પ્રમાણમાં સંપત્તિ એક્ઠી કરી છે, કે જ્યારે આખું ભારત બીજા સૌ માટે અસમાનતા અને અન્યાયથી પીડાતું થયું છે. આપણી સંસ્થાઓ હવે આપણા લોકોની રહી નથી, એ ઇજારદાર કંપનીઓનું ઓશીકું બની ગઈ છે. લાખો નાના ધંધાઓનું નિકંદન નીકળી ગયું છે અને ભારતમાં તેના યુવાનો માટે રોજગાર ઊભા થઈ શકતા નથી. ભારત માતા તેનાં બધાં સંતાનોની માતા છે. ભારત માતામાં સંસાધનો અને સત્તાના ઈજારા ઊભા થયા છે અને પસંદીદા થોડાક લોકો માટે અનેક લોકોને એ સંસાધનો અને સત્તા આપવાનો ઇનકાર કરવામાં આવે છે અને તેથી ભારત માતા ઇજાગ્રસ્ત થઈ છે એમ કહેવાય.
મને ખબર છે કે ભારતના ધંધા ક્ષેત્રના અંતરમાં થનગનાટ ધરાવતા સેંકડો હોંશિયાર નેતાઓ આ ઇજારદાર મહાકાય કંપનીઓથી ડરી ગયા છે. શું તમે એમાંના એક છો? ફોન પર વાત કરતાં પણ ડરો છો? શું તમને એવો ડર છે કે તમે કોઈક ધંધામાં પ્રવેશો તો આ ઇજારદાર મહાકાય કંપનીઓ રાજ્ય સાથેની મિલીભગતથી તમને કચડી નાખશે? ઇન્કમ ટેક્સ, સીબીઆઈ અને ઇડીના દરોડાથી તમે ડરી ગયા છો અને તેથી તમે તમારો ધંધો એ જ મહાકાય કંપનીઓને વેચી રહ્યા છો? શું તમારે જ્યારે મૂડીની તાતી જરૂર છે ત્યારે જ તમને તેનાથી વંચિત રહી જવાનો ડર છે? તમારી પર હુમલો કરવા માટે જ રમતમાં અધવચ્ચે જ એના નિયમો બદલી નાખવામાં આવે તેનો ડર તમને સતાવે છે?
તમે જાણો છો કે આ ઉમરાવશાહી જૂથોને જો ઉદ્યોગધંધા તરીકે ઓળખવામાં આવે તો તે ગેરમાર્ગે દોરનારી બાબત છે. તમે જ્યારે એમની સાથે હરીફાઈ કરો છો ત્યારે, તમે ખરેખર તો કોઈ કંપની સાથે હરીફાઈ નથી કરતા, પણ તમે ભારતના રાજતંત્ર સામે લડી રહ્યા છો. તેમની સ્પર્ધા કરવાની તાકાત એ તેમની વસ્તુઓ, ગ્રાહકો કે વિચારો નથી; પણ એ તો ભારત પર શાસન કરતી સંસ્થાઓ અને નિયમનકારી વ્યવસ્થાઓ ઉપર અંકુશ રાખવાની તેમની ક્ષમતામાં, અને તમારા પર નિગરાની રાખવામાં છે.
તમને ન ગમે તો પણ, આ મહાકાય ઇજારદાર કંપનીઓ નક્કી કરે છે કે ભારતના લોકો શું વાંચે અને જુએ, તેઓ ભારતના લોકો શું વિચારે અને બોલે તેના પર પ્રભાવ પાડે છે. આજે બજારનાં પરિબળો તમારી સફળતા નક્કી નથી કરતાં, સત્તા સાથેના તમારા સંબંધો તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરે છે.
તમારા હૃદયમાં ડર પેસી ગયો છે, પણ આશાનું કિરણ પણ દેખાય છે.
મેચ ફિક્સિંગ કરનારાં ઇજારદાર ઉદ્યોગગૃહોની સામે, ભારતમાં મોટી સંખ્યામાં નિયમ મુજબ રમત રમનારી કંપનીઓ પણ છે જ. એ સૂક્ષ્મ, નાનકડાં સાહસો પણ છે અને મોટી કંપનીઓ પણ છે. પણ તમે બધાં ચૂપ થઈ ગયાં છો. દમનકારી વ્યવસ્થાને તમે સહન કરી રહ્યા છો.
પિયુષ બંસલને જુઓ. તેઓ પ્રથમ પેઢીના સાહસિક છે અને કોઈ રાજકીય સંપર્કો નથી ધરાવતા. તેમણે ૨૨ વર્ષની વયે ધંધો શરૂ કર્યો. તેમણે જ પછી ૨૦૧૦માં લેન્સકાર્ટ કંપનીની સ્થાપના કરી. આંખોના ચશ્માના ક્ષેત્રને તેમણે નવો જ આકાર આપી દીધો. આજે આ કંપની આખા દેશમાં હજારો લોકોને રોજગારી આપે છે.
લો, ફકીરચંદ કોહલીની વાત કરો. તેમણે એક મેનેજર તરીકે ૧૯૭૦ના દાયકામાં ટાટા કન્સલ્ટન્સી ઊભી કરી. એ ભય સામે મહત્ત્વાકાંક્ષાનો વિજય હતો. તેનામાં આઇબીએમ અને એસેંચર જેવી કંપનીઓ સામે ઝીંક ઝીલવાની હિંમત હતી. ટીસીએસ અને ઈન્ફોટેક ક્ષેત્રની ભારતની કંપનીઓએ દુનિયાના ઈન્ફોટેક સેવા ક્ષેત્રને એક નાનકડી દુકાનમાંથી ઉદ્યોગ બનાવી દીધો. હું પિયુષ બંસલ કે સ્વ. ફકીરચંદ કોહલીને વ્યક્તિગત રીતે જાણતો પણ નથી. એ શક્ય છે કે તેમની રાજકીય પસંદગીઓ મારાથી અલગ હોય. પણ તેથી શું?
એમ લાગે છે કે ટાયનોર, ઇન્મોબી, માન્યવર, ઝોમેટો, ફ્રેક્ટલ એનાલિટિક્સ, એરાકુ કોફી, ટ્રેન્ડન્સ, એમાગી, આઇડી ફ્રેશ ફૂડ, ફોનપે, મોગ્લિક્સ, સુલા વાઇન્યર્ડ્સ, જસ્ટ પે, ઝેરોધા, વેરિતાસ, ઓક્સિઝો, એવેન્ડસ આવી જ નવી નવી કંપનીઓ છે. અને એલ એન્ડ ટી, હલ્દીરામ, અરવિંદ આઇ હોસ્પિટલ, ઇન્ડિગો, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી જૂથ, બજાજ ઓટો અને બજાજ ફાયનાન્સ, સિપ્લા, મહિન્દ્ર ઓટો, ટાઇટન વગેરે જૂની કંપનીઓ છે. એમાંની મોટા ભાગના સાથે મારે વ્યક્તિગત સંબંધ નથી. આ બધાં જ દેશી કંપનીઓનાં થોડાંક ઉદાહરણો છે કે જેમણે નવીનતમ પ્રયોગો કર્યા અને રમતના નિયમોનું પાલન કરવાનું પસંદ કર્યું. મને ખબર છે કે મેં હજુ સેંકડો કંપનીઓનાં નામ નથી દીધાં. તેઓ કદાચ આનાથી પણ સારા દાખલા હોય. પણ મને લાગે છે તમે મારો મુદ્દો સમજી જશો.
મારું રાજકારણ હંમેશાં નબળા અને અવાજવિહીન લોકોનું રક્ષણ કરવાનું રહ્યું છે. હું ગાંધીજીના શબ્દોમાંથી પ્રેરણા લઉં છું. કતારમાં ઊભેલા મૂંગા થઈ ગયેલા છેલ્લા માણસનું રક્ષણ કરવાની પ્રેરણા મને તેઓ આપે છે.
આ પ્રતિબદ્ધતાને લીધે જ મેં મનરેગા, અન્નનો અધિકાર અને જમીન સંપાદન ધારાના સુધારાને ટેકો આપેલો. હું નિયમગિરિ ખાતે આદિવાસીઓ સાથે તેમના સંઘર્ષમાં ઊભો રહેલો. મેં આપણા ખેડૂતોને તેમની ત્રણ કાળા કાયદા સામેની લડતમાં ટેકો આપેલો. મેં મણિપુરના લોકોનું દર્દ સાંભળ્યું.
પણ મને લાગ્યું કે હું ગાંધીજીના કહેવાનો સંપૂર્ણ અર્થ પકડી શક્યો નહિ. કતાર શબ્દ તેમાં અનેક અર્થો સાથે છે. વાસ્તવમાં, સમાજમાં અનેક કતારો છે. એક કતારમાં તમે પણ ઊભા છો, કે જે ઉદ્યોગધંધાની કતાર છે. તમારું શોષણ થઈ રહ્યું છે, તમે લાભવાંચિત બની રહ્યા છો. અને તેથી મારું રાજકારણ તમને જે આપવાનો ઇનકાર કરવામાં આવે છે તે અપાવવાનો છે: કામ કરવાની સ્વતંત્રતા અને ન્યાયીપણું.
સરકારને બીજા બધાને ભોગે એક જ કંપનીને ટેકો આપવા દઈ શકાય નહિ; અને ધંધાકીય વ્યવસ્થામાં બેનામી સમીકરણોને તો નહિ જ. સરકારી સંસ્થાઓ કંઈ ઉદ્યોગ ધંધાઓને ડરાવવા અને તેમના પર હુમલા કરવા માટે નથી. એ જ રીતે, તમે મોટી ઇજારદાર કંપનીઓને ભય પમાડો એમ પણ નહિ, હું એમાં માનતો નથી. એ કંઈ દુષ્ટો નથી, પરંતુ તેઓ તો આપણા સામાજિક અને રાજકીય પર્યાવરણની જ પેદાશ છે. તેમને ધંધો કરવાનો અવકાશ મળે, એમ તમને પણ અવકાશ મળે.
આ દેશ આપણા બધાનો છે. આપણી બેંકોએ મોટી રાજકીય સંપર્કો ધરાવતી ૧૦૦ કંપનીઓને જ લોન આપવાના ચક્કરમાંથી બહાર આવવું જોઈએ કે જેઓ પછી એનપીએ ઊભી કરે છે. બેંકોએ લોનમાં નફો થાય તે રીતે આપવી જોઈએ અને બજારની રમત નિયમાનુસાર રમતા ધંધાઓને બેંકોએ ટેકો આપવો જોઈએ.
અંતે એટલું કહું કે, આપણે રાજકીય વર્તનને ઘડવામાં સામાજિક દબાણ અને પ્રતિકારની તાકાતને ઓછી આંકવી જોઈએ નહિ. કોઈ મસીહા કે અવતારની જરૂર જ નથી. તમે જ પરિવર્તનના વાહકો છો, તમે જ સૌને માટે સંપત્તિ અને રોજગારનું સર્જન કરશો.
મારું માનવું છે કે પ્રગતિશીલ ભારતીય ઉદ્યોગધંધા માટેના નૂતન સમયનું આગમન થઈ ચૂક્યું છે. આ બાબતે પૂર્વ સાંસદ શ્રી ઠુમરે વિચારણા કરવાનો સમય પાકી ગયો છે તેમ જણાવ્યું હતું સ્રોત:
ઇન્ડિયન એક્સપ્રેસ,
તા.૫-૧૧-૨૦૨૪.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.