ગાયત્રીધામ સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂા.23 હજારની મતા ઉઠાવી જતા તસ્કરો
ગાયત્રીધામ સોસાયટીમાં બંધ રહેલ મકાનમાંથી રૂા.23 હજારની મતા તસ્કરો ઉઠાવી નાસી છુટતા ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ગાયત્રીધામ શેરી નં.6માં રહેતા પુનમબેન ક્રિષ્નાકીશોર મિશ્રા (ઉ.52) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ નિવૃત જીવન ગાળે છે. ગઈ તા.20ના તેઓ તેમના પતિ સાથે ઘરે લોક કરી સવારે દસેક વાગ્યે અમદાવાદ રહેતા તેમના પુત્રને મળવા ગયેલ હતા. ગઈકાલે સવારના તેમના પાડોશી મહિલાનો ફોન આવેલ કે તમારા ઘરના અંદરના દરવાજાના તાળા તૂટયા છે, ચોરી થયાનું જોવા મળી રહ્યું છે.
જે બાદ જામનગર રહેતા તેમના નાના પુત્રને જાણ કરતા તે રાજકોટ દોડી આવેલ અને ઘરે પહોંચી જોયેલ કે ઘરના ડેલામાં જે તાળુ મારેલ હતુ તે ત્યાં જ હતું. ડેલા બાદ ઘરના રૂમની અંદર જવા માટેના દરવાજામાં મારેલ તાળુ નકુચા સહિત તોડી નાંખેલ હતું તેમજ રૂમમાં સરસામાન વેરવિખેર પડેલ હતો. રૂમમાં એક પેટી પલંગ હોય જેની અંદર સુટકેસમાં પર્સની અંદર ચાંદીના સિકકા, ચાંદીના સાંકળા, રૂા.18 હજારનો મુદામાલ રાખેલ હતો તેમજ ઉપરના માળે બે રૂમ છે તેમના પણ તાળા તૂટેલ હતા અને કબાટનો લોક તોડી તેમાંથી રૂા. પાંચ હજાર રોકડની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી નાસી છુટતા ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.