હરિદ્વાર યાત્રામાં લઈ જવાનું કહી રાજકોટના 35 શ્રદ્ધાળુઓ સાથે છેતરપીંડી
શહેરના 35 શ્રદ્ધાળુઓ સાથે હરિદ્વાર યાત્રામાં લઈ જવાનું કહી ગઠિયો છેતરપીંડી કરી ફરાર થઇ ગયો છે. બનાવ અંગે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મૂળ અમરેલી હાલ રાજકોટના રંગીલા પાર્ક આવાસ યોજનામાં રહેતા ઉમેશ શેખાવત નામના આરોપીની ધરપકડ કરવા તજવીજ કરાઈ છે.
પાન મસાલાની ફેરી કરતા અને કનૈયા ચોક પાસે જ્ઞાનજીવન સોસાયટી મેઈન રોડ પર રામેશ્વર મંદિર નજીક રહેતા શૈલેષભાઇ મોહનલાલ પુજારાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, સાતેક મહીના પહેલા તેમને અને તેમના પત્ની જયોતીબેને હરિદ્રાર ખાતે યાત્રાએ જવાનું આયોજન કરેલું. જેથી તેમણે તેમના ભાઇના સાળા ભરતભાઇ વસાણીને વાત કરતા તેઓએ ઉમેશ માવજી શેખાવત (રહે. મુળ સર્વોદય સોસાયટી શેરી નં. 2, ચિતલ રોડ , અમરેલી, હાલ રંગોલી પાર્ક, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના કવાટરમાં, 150 ફુટ રીંગ રોડ, કટારીયા શો રૂમની પાછળ)નો સંપર્ક કરાવેલ, પાડોશમાં વાત કરતા તેમના પાડોશી પતિ - પત્ની વાલજીભાઈ ચુડાસમા અને હંસાબેને પણ હરદ્વાર આવવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી આ ચારેય લોકો રંગોલી પાર્ક આવાસ ક્વાર્ટરમાં 13મા માંળે રહેતા ઉમેશને મળવા ગયેલા.
ઉમેશભાઇ ના ઘરે જઇ વાત કરતા આ ઉમેશભાઇએ જણાવેલ કે એક વ્યક્તિના હરિદ્રારમાં ભાગવત સપ્તાહમાં એક અઠવાડીયા સુધી રહેવાનું અને જમવાનું મળીને રૂ.3100 જેવી ફી નક્કી કરી હતી. એ પછી અમે બીજા લોકોને વાત કરતા કુલ 12 વ્યક્તિનું નામ હરીદ્રાર જવા માટે નોંધાવેલ અને ઉમેશભાઈને રૂ.37,200 આપેલા. જેની પહોંચ આપેલ તે પહોચમાં શ્રીમદ ભાગવત કથા, કથા સ્થળ પ્રેમ નગર આશ્રમ જવાલાપરૂ હરિદ્વાર લખ્યું હતું. એ પછી 23 લોકોના નામ આપ્યા. આમ 35 લોકોના રૂ.1,08,000 થયા હતા.
આ પછી ઉમેશભાઈ ક્યારેય મળ્યા નહીં અને તેમને ફોન પણ બંધ થઈ ગયેલો. તપાસ કરતા તે ક્યાંય ન મળી આવતા છેતરપીંડી થયાનો અહેસાસ થતા તમામ ભોગ બનનાર લોકોએ પોલીસને જાણ કરી હતી. હાલ તાલુકા પોલીસના પીઆઈ મેહુલ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એન. મોરવાડિયાએ વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.