બોટાદ જિલ્લાના સરવા ગામે ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલય’નું જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના હસ્તે લોકાર્પણ
પુસ્તકાલયમાં ગુજરાતી ભાષા-સાહિત્યની કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ચિંતન, લોકસાહિત્ય જેવા વિવિધસભર વિષયોના 1500 જેટલાં પ્રેરણાદાયી પુસ્તકોનું સુયોગ્ય ચયન
બોટાદ જિલ્લાના સરવા ગામ સ્થિત ગ્રામ પંચાયતની કચેરી ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્તકાલયનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી બોટાદ જિલ્લામાં આ વિશિષ્ટ પુસ્તકાલયની સ્થાપના થઈ છે. આ પુસ્તકાલય ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા માન્યતા-પ્રાપ્ત, અનુદાનિત તથા સરવા ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત છે. જેને વીટુ ટેક વેન્ચર્સ પ્રા. લિ. (વાશી, નવી મુંબઈ)ના સી.એસ.આર. ફંડનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.
ગુજરાતી ભાષા-સાહિત્યના કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ચિંતન, લોકસાહિત્ય જેવા વિવિધસભર વિષયોના 1500 જેટલાં પ્રેરણાદાયી પુસ્તકોનું સુયોગ્ય ચયન કરીને અહીં મૂકાયા છે. મેઘાણી-સાહિત્ય કોર્નર, ગુજરાતી ભાષા-સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની ઉત્તમ કૃતિઓ તેમજ નવયુવાનો માટે સ્પર્ધાત્મક પુસ્તકોની વિશાળ શ્રેણી આ પુસ્તકાલયની વિશેષતા છે. સ્પર્ધાત્મક પુસ્તકો વેબ સંકુલ (ગાંધીનગર) - વિકાસ પટેલ, અભિજિત ગઢવી, ગિરવાન રાઠોડ તથા શિક્ષક વિનુભાઈ પરમાર દ્વારા ભેટરૂપે પ્રાપ્ત થયા છે.
આ અવસરે તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ-ભાવનગર વિભાગ) લલિતભાઈ મોઢ, જિલ્લા પંચાયતના સભ્ય દયાબેન અણિયાળીયા, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી મેઘાણી, મૂળ સરવા ગામના વતની તથા ખ્યાતનામ લોકગાયકશ્રી અભેસિંહ રાઠોડ, સરપંચ જેરામભાઈ નાકિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.