EDના ચક્રવ્યૂહમાં કેજરીવાલ:દારૂ કૌભાંડમાં કેટલા કિરદાર, ખરેખરમાં કોઈ કૌભાંડ થયું કે પછી કોઈ મોટો રાજકીય સ્ટંટ; EDમાં જેના નિવેદનથી CM ફસાયા તે બુચીબાબુ કોણ? - At This Time

EDના ચક્રવ્યૂહમાં કેજરીવાલ:દારૂ કૌભાંડમાં કેટલા કિરદાર, ખરેખરમાં કોઈ કૌભાંડ થયું કે પછી કોઈ મોટો રાજકીય સ્ટંટ; EDમાં જેના નિવેદનથી CM ફસાયા તે બુચીબાબુ કોણ?


દિલ્હી લિકર પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની મોડીરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ મુખ્યમંત્રીની ઓફિસમાં જ ધરપકડ કરવામાં આવી હોય. આવું કરનાર તપાસ એજન્સીનું નામ છે - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED. છેલ્લાં કેટલાંક વર્ષોમાં EDની કાર્યવાહીએ હેડલાઇન્સ બનાવી છે. આ તપાસ એજન્સીને હવે CBI અને NIA કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ જ કેસમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. BRSના મોટા નેતા કે કવિતાની પણ દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. હવે દરેકના મનમાં સવાલ એ છે કે આ બધો વિવાદ શેનો છે, શું રાજકીય નાટક ચાલી રહ્યું છે. ખરેખરમાં ગંભીર આરોપો છે કે પછી કોઇ રાજકીય ષડયંત્ર છે અને એ બુચીબાબુ કોણ છે જેને EDને એવું તો શું કહ્યું કે કેજરીવાલ જેલમાંથી બહાર નથી નીકળી શકતા. પહેલા ED હવે CBIએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. તો પછી અરવિંદ કેજરીવાલનો જેલયોગ ખતમ થશે કે પછી તિહારમાંથી જ દિલ્હી સરકાર ચાલશે?...શું હતી આ નવી લિકર પોલિસી?, તેના કેટલા કિરદાર છે, અને શું ખરેખરમાં કોઈ કૌભાંડ થયું છે કે પછી કોઈ મોટો રાજકીય સ્ટંટ છે...આ સમગ્ર વિવાદને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ. સૌપ્રથમ અરવિંદ કેજરીવાલના કેસની હાલની સ્થિતિ વિશે જાણી લઇએ
અરવિંદ કેજરીવાલ 87 દિવસથી તિહાર જેલમાં છે. વચ્ચે તેમને 21 દિવસનાં જામીન મળ્યા હતા. ઈડીએ ધરપકડ કર્યા પછીથી જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. 26 જૂન બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં કેજરીવાલ છૂટી જાય તેવા પૂરા ચાન્સ હતા ત્યાં આગલા દિવસે 25 જૂને, મંગળવારે રાત્રે 9 વાગ્યે સીબીઆઈ તિહાર જેલમાં પહોંચી ગઈ ને કેજરીવાલની પૂછપરછ કરી. સીબીઆઈએ જેલમાંથી જ કેજરીવાલની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈએ પાંચ દિવસની કસ્ટડી માગી હતી પણ ટ્રાયલ કોર્ટે 3 દિવસની કસ્ટડી મંજૂર કરી છે. હવે રાઉઝ એવન્યુ કોર્ટ આજે એટલે કે (29 જૂને) આ મામલે સુનાવણી કરશે. "હવે પ્રાર્થના એ થશે કે સરમુખત્યારનો નાશ થવો જોઈએ"
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પોતાના પતિને ત્રણ દિવસની CBI કસ્ટડી પર મોકલ્યા બાદ ભાજપ અને કેન્દ્ર પર પ્રહારો કર્યા છે. તેમણે પોતાની X પોસ્ટમાં કહ્યું, "અત્યાર સુધી પ્રાર્થના હંમેશા એ જ રહી છે કે ભગવાન દરેકને સદબુદ્ધિ આપે, પરંતુ હવે પ્રાર્થના એ થશે કે સરમુખત્યારનો નાશ થવો જોઈએ." "આ કાયદો નથી, આ તાનાશાહી છે, આ ઈમરજન્સી છે"
સુનીતા કેજરીવાલે 26 જૂનના રોજ અન્ય X પોસ્ટમાં લખ્યું હતું કે 20 જૂન, 2024ના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. ત્યારબાદ તરત જ EDએ હાઈકોર્ટમાં જઈને સ્ટે મેળવ્યો હતો. બીજા જ દિવસે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને આ જ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને આરોપી બનાવ્યા. એટલું જ નહીં CBIએ બુધવારે દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. એવું લાગે છે કે આખી સિસ્ટમ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે વ્યક્તિ જેલમાંથી બહાર ન આવે. આ કાયદો નથી. આ સરમુખત્યારશાહી છે. આ કટોકટી છે. આ મામલો સંસદમાં ઉઠાવીશું: સંજય સિંહ
આમ આદમી પાર્ટીના સાંસદ અને નેતા સંજય સિંહે કહ્યું હતું કે તેમની હિંમત આંધી છે અને આંધી રોકાતી નથી. સત્ય જુલમ સામે ઝૂકતું નથી. જેનું સિંહનું કાળજું છે, તેનો શત્રુ શું કરી લેશે? બધુ યાદ રાખવામાં આવશે, જ્યારે હિસાબ થશે ત્યારે દુનિયા યાદ રાખશે. વધુમાં બુધવારે AAP સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે ED-CBI AAP નેતાઓ વિરુદ્ધ દુષ્ટતા સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ED અને CBI પાસે કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. આ એક રાજકીય ષડયંત્ર છે. તેમણે કહ્યું કે તેઓ ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓ સાથે વાત કર્યા બાદ આ મામલો સંસદમાં ઉઠાવશે. 'કેજરીવાલ ન ઝૂકશે કે ન તૂટશે'
આમ આદમી પાર્ટીએ પણ કેજરીવાલની ધરપકડની નિંદા કરી અને કહ્યું કે સરમુખત્યારે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. આજે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન મળવાની સંભાવના હતી ત્યારે ભાજપ ગભરાઈ ગયું અને કેજરીવાલની સીબીઆઈ દ્વારા નકલી કેસમાં ધરપકડ કરાવડાવી દીધી. સીબીઆઈ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં લઈ ગઈ, જ્યાં તેમનું બ્લડ સુગર લેવલ એકદમ ઘટી ગયું. સરમુખત્યાર, તમે ગમે તેટલા અત્યાચાર કરો, કેજરીવાલ ન તો ઝૂકશે કે ન તો તૂટશે. ભાજપે વળતો પ્રહાર કર્યો
બીજેપી નેતા સંબિત પાત્રાએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેડમ (સુનીતા) કેજરીવાલે કહ્યું છે કે ED અને CBI સરમુખત્યારશાહી કરી રહી છે. તમે તેમની પાસેથી શું કહેવાની અપેક્ષા રાખો છો? જો કે તેણી બધું જાણે છે, પરંતુ તે કહેશે નહીં કે જે થયું તે સાચું છે. અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડ કર્યું અને સીબીઆઈએ તેમની વિરુદ્ધ પુરાવા બતાવ્યા પછી ધરપકડ કરી. સંબિત પાત્રાએ એમ પણ કહ્યું કે કોઈ પણ પત્ની કે માતા એવું નથી કહેતી કે તેના પતિ કે પુત્રએ ચોરી કરી છે. બીજેપી નેતાએ લાલુ પ્રસાદ યાદવનું પણ ઉદાહરણ આપ્યું હતું. હવે તમને થતું હશે કે આમ આદમી પાર્ટી કેજરીવાલના કેસને લઇને આટલી બધી આક્રમક કેમ છે અને તે તપાસ એજન્સીઓ પર આટલા બધા આરોપો કેમ લગાવી રહી છે. તો આવો જાણીએ કે શું છે EDની સત્તા અને તેની કાર્યવાહી પર વિપક્ષ કેમ આટલા આરોપ લગાવી રહ્યું છે. CBI અને NIA કરતાં ED કેવી રીતે વધુ શક્તિશાળી
2020નો કિસ્સો યાદ કરો. જ્યારે એક પછી એક 8 રાજ્યે CBIને તેમનાં રાજ્યોમાં મંજૂરી વગર પ્રવેશતા અટકાવ્યા હતા, જેમાં પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ અને મિઝોરમ જેવાં રાજ્યોનો સમાવેશ થાય છે. એ સ્પષ્ટ છે કે દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 હેઠળ રચાયેલી CBIને કોઈપણ રાજ્યમાં પ્રવેશવા માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. હા, જો કોર્ટના આદેશ પર તપાસ થઈ રહી હોય તો CBI ગમે ત્યાં જઈ શકે છે. પૂછપરછ અને ધરપકડ પણ કરી શકે છે. ભ્રષ્ટાચારના મામલામાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે CBIએ તેમના વિભાગની મંજૂરી પણ લેવી પડે છે. એ જ રીતે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAને કાયદેસરની સત્તા NIA એક્ટ 2008થી ​​​​​​મળે છે. NIA સમગ્ર દેશમાં કામ કરી શકે છે, પરંતુ તેનું કાર્યક્ષેત્ર માત્ર આતંકવાદ સંબંધિત કેસ પૂરતુ મર્યાદિત છે. આ બેથી વિપરીત, EDએ કેન્દ્ર સરકારની એકમાત્ર તપાસ એજન્સી છે, જેને મની લોન્ડરિંગના કેસમાં રાજકારણીઓ અને અધિકારીઓને સમન્સ મોકલવા અથવા તેમની સામે કાર્યવાહી કરવા માટે સરકારની મંજૂરીની જરૂર નથી. ઇડી દરોડા પાડીને પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. જોકે જો મિલકત વપરાશમાં હોય, જેમ કે ઘર અથવા હોટલ, તો એને ખાલી કરી શકાતી નથી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ED દ્વારા ધરપકડ કરાયેલી વ્યક્તિ માટે જામીન મેળવવા ખૂબ મુશ્કેલ છે. આ કાયદા હેઠળ કોર્ટ તપાસ અધિકારીને આપેલા નિવેદનને પુરાવા તરીકે માને છે, જ્યારે અન્ય કાયદા હેઠળ આવા નિવેદનની કોર્ટમાં કોઈ કિંમત હોતી નથી. 18 વર્ષમાં 148 અગ્રણી નેતા EDના સકંજામાં, જેમાંથી 85% વિપક્ષના
વર્ષ 2022માં ઈન્ડિયન એક્સપ્રેસે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે EDએ છેલ્લાં 18 વર્ષમાં 147 અગ્રણી રાજકારણીઓની તપાસ કરી છે. આમાંથી 85% વિપક્ષના નેતાઓ હતા. 2014 પછીના NDA શાસનનાં 8 વર્ષમાં રાજકારણીઓ વિરુદ્ધ EDના ઉપયોગમાં 4 ગણો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન વિપક્ષના 115 નેતા સહિત 121 રાજકારણી તપાસ હેઠળ આવ્યા હતા. મતલબ કે આ સમયગાળા દરમિયાન વિપક્ષના 95% નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 2004 અને 2014 વચ્ચે યુપીએ શાસન દરમિયાન EDએ માત્ર 26 રાજકારણીની તપાસ કરી હતી. એમાં વિપક્ષના 14 નેતા એટલે કે લગભગ 54% સામેલ હતા. EDએ લગભગ 6 હજાર કેસ નોંધ્યા, 0.4%માં સજા મળી
વિરોધપક્ષ દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા બાદ EDએ 31 જાન્યુઆરી, 2023 સુધી નોંધાયેલા કેસો અંગેનો ડેટા જાહેર કર્યો હતો. ED અનુસાર, PMLA કાયદો લાગુ થયા બાદ 31 જાન્યુઆરી, 2023 સુધીમાં 5,906 કેસ નોંધાયા છે. તેમાંથી માત્ર 2.98% એટલે કે 176 કેસ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, એમએલસી, સાંસદો, પૂર્વ સાંસદો સામે નોંધાયા હતા. આ કેસોમાંથી 1,142 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જ્યારે 513 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 25 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. 24 કેસમાં આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે એક કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ED અનુસાર, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ 24 કેસમાં 45 આરોપી દોષિત ઠર્યા છે. સીએમ કેજરીવાલ આમાં કેવી રીતે ફસાયા? સીએમ કેજરીવાલને EDએ ગયા વર્ષે 2 નવેમ્બરે પહેલું સમન્સ મોકલ્યું હતું. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જારી કરવામાં આવ્યું હતું. EDની ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા. આ કેસમાં કેસીઆરની પુત્રી કે કવિતાની ધરપકડ કરવામાં આવી હતી. તેના એક એકાઉન્ટન્ટ છે - બુચીબાબુ, આ એ જ વ્યક્તિ છે જેની EDએ ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી. સવાલ-જવાબના સત્ર દરમિયાન તેણે જ સૌથી પહેલા અરવિંદ કેજરીવાલનું નામ લીધું હતું. તેમણે દાવો કર્યો હતો કે કે કવિતા, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે રાજકીય સમજૂતી ચાલી રહી હતી. મોટી વાત એ છે કે ઈડીએ દારૂ કૌભાંડમાં દિનેશ અરોરાની પણ ધરપકડ કરી હતી. આ વ્યક્તિ પણ મુખ્યમંત્રીને મળ્યો હોવાનું બહાર આવ્યું છે. તેવી જ રીતે, YSR કોંગ્રેસના સાંસદ મંગુતા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે પણ ઘણી બેઠકો થઈ હતી. રેડ્ડી દારૂના ધંધામાં આવવા માગતા હતા, દાવો એવો છે કે CMએ તેમનું નામ આગળ કર્યું હતું અને તેમનું સ્વાગત પણ કર્યું હતું. EDની તપાસનું એક પાસું એ પણ દર્શાવે છે કે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ એક્સાઈઝ પોલિસી પર સાથે મળીને કામ કરી રહ્યા હતા, આવી સ્થિતિમાં જો સિસોદિયા પર કોઈ આરોપ લાગે છે તો સીએમની પૂછપરછ કરવી જરૂરી છે. પૂછપરછ દરમિયાન બૂચીબાબુ અને આરોપી અરુણ પિલ્લઈએ ખુલાસો કર્યો છે કે તેઓ કેજરીવાલ અને સિસોદિયા સાથે મળીને એક્સાઈઝ પોલિસી પર કામ કરતા હતા. આ ઉપરાંત આરોપી વિજય નાયરે વીડિયો કોલના માધ્યમથી કેજરીવાલ અને ધરપકડ કરાયેલા આરોપી સમીર મહેન્દ્રુ વચ્ચે વાત પણ કરાવી હતી. આ દરમિયાન કેજરીવાલે સમીરને કહ્યું હતું કે વિજય તેમનો માણસ છે અને તેણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ. દારૂના કૌભાંડમાં કેજરીવાલ પહેલા ત્રણ મોટી ધરપકડ થઈ ચૂકી છે - મનીષ સિસોદિયાઃ 26 ફેબ્રુઆરી 2022થી સિસોદિયા જેલમાં છે. જ્યારે દિલ્હીમાં નવી લિકર પોલિસી લાગુ કરવામાં આવી ત્યારે આબકારી વિભાગ સિસોદિયાની પાસે જ હતું. એવો આરોપ છે કે આબકારી મંત્રી હોવાને કારણે સિસોદિયાએ 'મનસ્વી' અને 'એકપક્ષીય' નિર્ણયો લીધા હતા, જેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું અને દારૂના વેપારીઓને ફાયદો થયો હતો. - સંજય સિંહઃ EDની ચાર્જશીટ મુજબ, આરોપી દિનેશ અરોરા સંજય સિંહને મળ્યો હતો. સંજય સિંહના કહેવા પર અરોરાએ દિલ્હી ચૂંટણી માટે ફંડ એકઠું કર્યું અને સિસોદિયાને 32 કરોડ રૂપિયાનો ચેક આપ્યો. બદલામાં સંજય સિંહે અરોરાનો એક કેસ ઉકેલ્યો જે આબકારી વિભાગમાં પેન્ડિંગ હતો. - કે. કવિતા: EDનો દાવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિજય નાયર અને અન્યને 'સાઉથ ગ્રુપ' એ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. કવિતા આ 'સાઉથ ગ્રુપ'નો એક ભાગ હતી. આ જૂથમાં દક્ષિણના રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ED અનુસાર, કે. કવિતા 19-20 માર્ચ 2021ના રોજ આરોપી વિજય નાયરને મળી હતી. કૌભાંડની તપાસ કેવી રીતે શરૂ થઈ?
આ લિકર પોલિસીના અમલીકરણમાં કથિત અનિયમિતતાની ફરિયાદો આવી હતી જેના પગલે લેફ્ટનન્ટ ગવર્નરે CBI તપાસની ભલામણ કરી હતી. આ સાથે, દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 પર સવાલો ઉભા થયા. જો કે, નવી લિકર પોલિસી પાછળથી તેની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓના આક્ષેપો વચ્ચે રદ કરવામાં આવી હતી. સીબીઆઈએ ઓગસ્ટ 2022માં આ કેસમાં 15 આરોપીઓ વિરુદ્ધ નવી લિકર પોલિસીમાં નિયમોના કથિત ઉલ્લંઘન અને પ્રક્રિયાગત અનિયમિતતા બદલ FIR નોંધી હતી. EDએ પાછળથી CBI દ્વારા નોંધાયેલા કેસના સંદર્ભમાં PMLA હેઠળ મની લોન્ડરિંગ કેસની તપાસ શરૂ કરી. દિલ્હી સરકારની નવી લિકર પોલિસીમાં કથિત કૌભાંડની ED અને CBI અલગ-અલગ તપાસ કરી રહી છે. ED નીતિની રચના અને અમલીકરણમાં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી છે. તે જ સમયે, સીબીઆઈ તપાસ પોલિસી બનાવતી વખતે થયેલી કથિત અનિયમિતતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સાત ભૂલોએ પણ દિલ્હી સરકારના ઈરાદા પર સવાલો ઉભા કર્યા જ્યારે દારૂ કૌભાંડના મામલાએ વેગ પકડ્યો ત્યારે કેન્દ્ર સરકારે પણ તેની તપાસ કરાવી. મુખ્ય સચિવે તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો, જે બે મહિના પહેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પણ સાત મુદ્દા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની બે એજન્સી કેજરીવાલ પર સકંજો કસી રહી છે, તે બંનેના આરોપો કેટલા અલગ છે અને તે ક્યાં આરોપોની તપાસ કરી રહી છે, તેના વિશે જાણીએ... ED પછી CBIએ કરી છે ધરપકડ
દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. બુધવારે, સીબીઆઈએ તેમની રાઉઝ એવન્યુ કોર્ટમાં ધરપકડ કરી ત્રણ દિવસ માટે કસ્ટડીમાં લઇ લીધા, જ્યાં દારૂના કૌભાંડમાં તેમની ભૂમિકાની તપાસ કરાશે. પરંતુ આ તપાસ ED પણ પહેલેથી જ કરી રહ્યું છે. તો શું બંનેની તપાસના મુદ્દા અલગ-અલગ છે કે પછી બે એજન્સીઓ સાથે મળીને કેજરીવાલની યોગ્ય રીતે પૂછપરછ કરી રહી છે? 25 જૂને સીબીઆઈએ તિહાર જેલમાં કેજરીવાલ સાથે વાત કરી અને તેમનું નિવેદન નોંધ્યું. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે તેની સરખામણી ED સાથે કરવામાં આવી રહી છે. પરંતુ બંને કેસના અલગ-અલગ પાસાઓની તપાસ કરશે. ઇડી દારૂ કૌભાંડમાં નાણાની કથિત લેવડદેવડની તપાસ કરશે, જ્યારે સીબીઆઇએ સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનું સાબિત કરવું પડશે. શું છે EDના આરોપો?
EDએ માર્ચમાં મની લોન્ડરિંગના આરોપમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. તે સમયે, કેજરીવાલ પર એક જ આરોપ હતો - કથિત રીતે પૈસાની લેવડદેવડ અને તેનો ઉપયોગ કરવો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 3 મની લોન્ડરિંગને અપરાધ બનાવે છે, જેમાં પૈસાને છૂપાવવા, કબજો કરવો, તેનો ઉપયોગ અને ગેરકાયદે રીતે મેળવેલા પૈસાને કાયદેસર સંપત્તિ તરીકે જાહેર કરવું જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, EDએ આરોપ લગાવ્યો છે કે આ કૌભાંડ જથ્થાબંધ દારૂના વ્યવસાયને ખાનગી સંસ્થાઓને આપવાનું હતું. સીબીઆઈ કયા કેસમાં તપાસ કરી રહી છે?
સીબીઆઈએ વર્ષ 2022માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (પીસી એક્ટ) હેઠળ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો, પરંતુ અહીં કંઈક અલગ હતું. આમાં કેજરીવાલનું નામ આરોપી તરીકે નથી. જ્યારે માર્ચમાં કેજરીવાલની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે પીએમએલએ હેઠળ આરોપી બનવા માટે કોઇએ પૂર્વ-નિર્ધારિત ગુનાનો આરોપી બનવાની જરૂર નથી. એપ્રિલમાં સીબીઆઈએ પણ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ તે સાક્ષી તરીકે હતું, આરોપી તરીકે નહીં
જો આપણે સરળ ભાષામાં સમજીએ તો, ED કથિત મની ટ્રેલની તપાસ કરી રહી છે. કેજરીવાલ પર પૈસા કમાવવા અને તેનો ઉપયોગ કરવાનો આરોપ છે. જ્યારે સીબીઆઈ આ કેસમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની તપાસ કરી રહી છે. આ માટે તેણે કથિત લાંચ વ્યવહાર સાબિત કરવો પડશે. અત્યાર સુધી તેનો આરોપ છે કે એક્સાઇઝ પોલિસી હેઠળ લાયસન્સધારકોને લાયસન્સ ફીમાં છૂટ આપવી અથવા મંજૂરી વગર લાયસન્સ લંબાવવા જેવા ખોટા લાભો આપવામાં આવ્યા છે. CBIએ હવે કેજરીવાલની ધરપકડ કેમ કરી?
જો કે તપાસ એજન્સી પાસે કેજરીવાલની ધરપકડ કરવાનો વિકલ્પ હતો, પરંતુ તે પહેલા તેને કથિત કૌભાંડમાં તેમની સંડોવણી દર્શાવવા માટે કેટલાક નક્કર પુરાવાની જરૂર હતી. EDના કેસમાં પણ સીધો સંબંધ નથી. તેમણે કેજરીવાલ પર દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના કન્વેયર હોવાથી તેમને કથિત કલંકિત ફંડ સાથે જોડીને આરોપ લગાવ્યો છે. જામીન મળવું કેટલું મુશ્કેલ હોઈ શકે?
ED પાસે PMLA એક્ટની સત્તા છે. આ મની લોન્ડરિંગને ગુનો બનાવે છે. તે બિનજામીનપાત્ર છે, જેમાં જામીન આપવાનો સંપૂર્ણ નિર્ણય કોર્ટનો રહેશે. આ કાયદા હેઠળ ED કોઈપણ વોરંટ વિના આરોપીની ધરપકડ કરી શકે છે અને તેને લાંબા સમય સુધી કસ્ટડીમાં પણ રાખી શકે છે. ત્યાં પીસી (પ્રિવેન્શન ઓફ કરપ્શન) એક્ટ સીબીઆઈને મજબૂત કરી રહ્યો છે. સરકારી તંત્ર અને જાહેર કચેરીઓમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે બનેલા કાયદા હેઠળ આરોપી જામીન માંગી શકે છે, જો કે, જ્યાં સુધી સરકારી વકીલ આ જામીન સામે દલીલ ન કરે ત્યાં સુધી તેને છોડી શકાશે નહીં. કેજરીવાલ ક્યારે જેલમાંથી બહાર આવશે?
26 જૂન, 2024 ( બુધવારે) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ કેજરીવાલને ત્રણ દિવસની કસ્ટડીમાં લીધા અને રાઉઝ એવન્યુ કોર્ટ 29 જૂને આ મામલે સુનાવણી કરશે. આ અંગે કાયદાકીય નિષ્ણાંતનું કહેવું છે કે કોર્ટ ફરીથી સીબીઆઈને રિમાન્ડની મંજૂરી આપશે. તેમણે એમ પણ કહ્યું કે કેજરીવાલના જામીન પર સ્ટે મુકવામાં આવ્યો છે, તેને રદ કરવામાં આવ્યો નથી. હવે 10 જુલાઈએ ખબર પડશે કે હાઈકોર્ટ રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને સમર્થન આપે છે કે નહીં, પરંતુ ED કેસમાં જામીન મળી પણ ગયા તો હવે સીબીઆઈ પણ આવી ગઈ છે. CBIને નક્કર પુરાવા મળે ત્યારે જ ધરપકડ કરે છે
વધુમાં તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ 3 દિવસના રિમાન્ડ પર ગયા છે, જો સીબીઆઈ ફરીથી રિમાન્ડ માંગશે. તો સામાન્ય રીતે તેને મંજૂર કરવામાં આવે છે. સીબીઆઈ ઈડીથી ખૂબ જ અલગ રીતે તપાસ કરે છે. સીબીઆઈની તપાસની પદ્ધતિ અલગ છે. 90 ટકા કેસમાં સીબીઆઈ ધરપકડ કરતી નથી. ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ ફાઇલ કરે છે. જ્યારે તેના ટેબલ પર નક્કર પુરાવા આવે ત્યારે જ તે ધરપકડ કરે છે. કેજરીવાલને જામીન મળવા મુશ્કેલ?
કેજરીવાલના કેસમાં જજે એવું નથી કહ્યું કે તપાસ એજન્સી ખોટું બોલી રહી છે. તેમણે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે નામ નથી લીધું, પરંતુ કહ્યું છે કે મારા કહેવા પર આવું થયું નથી. આનો સંદર્ભ શું હશે, મુખ્ય પ્રધાન કોણ છે, કેબિનેટની બેઠકનું નેતૃત્વ કોણ કરે છે, આમ આદમી પાર્ટીના વડા કોણ છે. કાયદો ખૂબ જ સ્પષ્ટ છે. સંજય સિંહ સામેનો કેસ સૌથી નબળો છે. તેમણે વધુમાં કહ્યું કે મનીષ સિસોદિયાને આજદિન સુધી જામીન કેમ નથી મળ્યા, તેમને સુપ્રીમ કોર્ટમાં પણ જામીન મળ્યા નથી, કારણ કે તેમની સામે પ્રથમદર્શી કેસ છે. તેમણે કહ્યું, 'જો અરવિંદ કેજરીવાલની મોડી ધરપકડ કરવામાં આવી છે તો તેના ઘણા કારણો હોઈ શકે છે. તેઓ સિટિંગ મુખ્યમંત્રી છે તેથી તેમની ધરપકડ કરવી સરળ કામ નથી. અરવિંદ કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલને ટ્રાયલ કોર્ટે જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેના પર સ્ટે મૂકી દીધો છે. હવે સીબીઆઈની ધરપકડ બાદ કેજરીવાલ માટે મુક્તિનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. તેમને હવે નવી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જો કેજરીવાલને ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળે તો પણ તેમને જેલમાં જ રહેવું પડશે. જામીન માટે ફરી એકવાર તેમને નીચલી કોર્ટથી લઈને ઉપરની કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે. હવે આ આખી વાત જેની આસપાસ ફરી રહી છે તે દિલ્હી લિકર પોલિસી કેસ આખરે છે શું તે જાણીએ... હકીકતમાં, ત્રણ વર્ષ પહેલા 17 નવેમ્બર 2021એ રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે નવી લિકર પોલિસી લાગુ કરી હતી. આ નવી પોલિસી અનુસાર દિલ્હીને કુલ 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું અને કહેવામાં આવ્યું હતું કે તમે દરેક ઝોનમાં 27 દારૂની દુકાનો ખોલી શકો છો. જો આ આંકડા પ્રમાણે હિસાબ કરવામાં આવે તો કુલ મળીને આખી દિલ્હીમાં 849 દારૂની દુકાનો ખોલવાની હતી. એક મોટો બદલાવ એ થવા જઈ રહ્યો હતો કે જે પણ દારૂની દુકાનો ખોલવાની હતી તે પ્રાઈવેટ સેક્ટરની હતી, સરકારની કોઈ દખલગીરી નહોતી. બીજા શબ્દોમાં કહીએ તો, દારૂનો ધંધો જેમાં અગાઉ સરકારનો હિસ્સો હતો તે નવી પોલિસી હેઠળ નાબૂદ કરવામાં આવ્યો હતો. આને વધુ સરળતાથી એવી રીતે સમજી શકાય કે નવી પોલિસીના અમલ પહેલા દિલ્હીમાં 60 ટકા દારૂની દુકાનો સરકારી માલિકીની હતી, જ્યારે 40 ટકા ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત હતી. પરંતુ નવી પોલિસી બાદ દુકાનોના 100 ટકા ખાનગીકરણની વાત થઈ હતી. હવે કેજરીવાલ સરકારે અનુમાન લગાવ્યું હતું કે આ પોલિસી પછી 3500 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થશે. બીજો મોટો ફેરફાર એ જોવા મળ્યો કે નવી પોલિસી બાદ દારૂની દુકાનના લાયસન્સ માટેની ફીમાં અનેકગણો વધારો થયો છે. ટેક્નિકલ ભાષામાં તેને L1 લાયસન્સ કહેવામાં આવે છે, જેના માટે એક દુકાનદાર પહેલા 25 લાખ રૂપિયા ચૂકવતો હતો, બાદમાં તેણે 5 કરોડ રૂપિયા સુધી ચૂકવવા પડતા હતા. હવે વિવાદ એટલા માટે ઉભો થયો કારણ કે નવી પોલિસી લાગુ થયા બાદ આવકમાં ભારે ઘટાડો થવાના આક્ષેપો થવા લાગ્યા હતા. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. 750 મિલી દારૂની બોટલની કિંમત 530 રૂપિયાથી વધારીને 560 રૂપિયા કરવામાં આવી છે. તેના કારણે છૂટક વેપારીનો નફો 33.35 રૂપિયાથી વધીને 363.27 રૂપિયા થયો છે. આનો સીધો અર્થ એ થયો કે છૂટક વેપારીને દસ ગણો નફો મળતો હતો. પરંતુ અગાઉ સરકારને જે 329.89 રૂપિયાનો ફાયદો મળતો હતો તે ઘટીને 3.78 રૂપિયા થઈ ગયો છે. આ કારણસર સરકારને મોટું નુકસાન થયું હોવાનું કહેવાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.