અમરેલી સરઘસકાંડની પીડિત પાટીદાર યુવતીનું દર્દ છલકાયું, કૌશિક વેકરિયાને પત્ર લખી કહ્યું- ‘મને પાટે સૂવડાવી બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યા’
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલી લેટર કાંડ અને સરઘસ કાંડમાં ભોગ બનેલી પાટીદાર યુવતી પાયલ ગોટી જામીન પર મુક્ત થઈ ગઈ છે. જે બાદ આજે તેણે ધારાસભ્ય કૌશિક વેકરિયાને મોટાભાઈ તરીકે ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે.
જેમાં પાયલે મહાભારતના દ્રોપદીના ચીરહરણનો ઉલ્લેખ કરીને ન્યાયની માંગ કરી છે.પોતાના પત્રમાં પાયલ વેકરિયાએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લખ્યું છે કે, મને રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવી છે.
ગુજરાતના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે મારી ધરપકડ કરવામાં આવી, દંડા મારીને ડરાવીને મારા નિવેદનો લેવામાં આવ્યા. કોર્ટને પણ ગેરમાર્ગે દોરીને રીમાન્ડ લઈને પાટે સૂવડાવી પગે બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યા. મારા કોઈ વાંક વિના મને જેલમાં ધકેલી દીધી.
આટલું જ નહીં, એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી આ કમનસીબ ઘટનાથી મારા તેમજ ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી છે.
કાયદાને અહંકારની એડીએ કચડીને ખુદ કૌરવ રુપી રક્ષકોએ જ કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનુ વસ્ત્રાહરણ કર્યુ, તેનાથી હું ખૂબ જ વ્યથિત મને દુઃખ અને શરમની લાગણી અનુભવુ છુ.
ભારતનો ઈતિહાસ એનો સાક્ષી છે કે, જ્યારે જ્યારે આ દેશમા એક અબળાની આબરુ દાવ ઉપર મૂકાઈ, ત્યારે-ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા છે. જ્યારે જ્યારે રાજના દરબારીઓ ચૂપ રહ્યા છે, ત્યારે-ત્યારે જ મહાભારતના મંડાણ થયા છે.
ગુજરાતમાં આવી વારંવાર નારી સમ્માનને ઠેસ પહોચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓનો કદાચ હું પહેલો ભોગ ભલે ના બની હોઉ, પરંતુ હવે ભવિષ્યમાં કોઈપણ અબળાની આબરુ દાવ પર ના મૂકાય એવી અપેક્ષા સાથે આ મામલે જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંધન કરનારા તમામ રક્ષકો ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ છે.
જણાવી દઈએ કે, અમરેલી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ નેતા મનિષ વઘાસિયાએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે વર્તમાન તાલુકા પંચાયતના અધ્યક્ષ કિશોર કાનપરિયાના લેટર હેડ અને સહી સિક્કાનો ઉપયોગ કરીને બોગસ લેટર ફરતો કર્યો હતો. જેમાં પાયલ ગોટી મુખ્ય આરોપી મનિષ વઘાસિયાની ઑફિસમાં કૉમ્પ્યુટર ઑપરેટર તરીકે ફરજ બજાવતી હતી. અમરેલી પોલીસે 29 ડિસેમ્બરના રોજ મનિષ વઘાશિયા, પાયલ ગોટી, ભાજપના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુ ખટરાની ધરપકડ કરી હતી. જે બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે પાયલનું રિઢા ગુનેગારની માફક સરઘસ કાઢતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના પગલે સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું હતુ. જે બાદ ગત શુક્રવારે જ પાયલ ગોટીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટ - અશ્વિન બાબરીયા (અમરેલી )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.