મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે આલણસાગર ડેમ ખાતે રૂ. ૭૦ લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેકશન બંગલાનું લોકાર્પણ - At This Time

મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે આલણસાગર ડેમ ખાતે રૂ. ૭૦ લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેકશન બંગલાનું લોકાર્પણ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ તાલુકાના આલણસાગર ડેમ ખાતે નાની સિંચાઇ યોજના અંતર્ગત રૂ. ૭૦ લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેકશન બંગલાનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જસદણ પંથકની જીવાદોરી સમાન આલણસાગર તળાવના નીરનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું. તેમજ તેમણે ડેમ અને કચેરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતાં. જળસંપત્તિ મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આલણસાગર ડેમ તો જસદણ તાલુકાનું પાણિયારું કહેવાય. જેના જળનો લાભ લઈ સમગ્ર જસદણ પંથક સમૃદ્ધ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહીં વૃક્ષારોપણ, બેસવાના બાંકડા સહિતની વ્યવસ્થાઓ કરીને બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે. હાલ જસદણ-વિંછીયા પંથકમાં કેનાલો પાકી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નળ સે જળ, સૌની વગેરે જેવી અનેક યોજનાઓના અમલીકરણથી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવા પ્રયાસશીલ છે. ત્યારે રાજયસરકારની ગુજરાતને પાણીદાર બનાવવાની નેમ પૂરી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આલણસાગર ડેમનું મરામત અને જાળવણી કામ અંદાજે રૂ. ૨૦૦ લાખના ખર્ચે કરાયું છે. જસદણ, બાખલવડ, ગઢડીયા, શિવરાજપુર, નાની લાખાવડ, ચિતલીયા, પોલારપર એમ કુલ ૦૭ ગામોના લોકો અને ૧૨૦૦થી વધુ ખેડૂતો આણલસાગર ડેમનો લાભ લઈ રહ્યા છે. આ ડેમમાં ૪૯૬ M.C.F.T. જેટલો પાણીનો સંગ્રહ થઈ શકે છે. નોંધનીય છે કે આ તળાવ પ્રજાવત્સલ રાજવી આલાખાચરબાપુ એ ઇસ્વીસન ૧૯૦૦ ની સાલમાં પ્રજાની સુખાકારી માટે બનાવ્યું હતું. દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે આ તળાવ હાલ ૩૧ ફૂટની સપાટી પર છે જે પૈકી ખેડૂતોને રવિપાક માટે પાણી અને જસદણ શહેરના નાગરીકોને પીવા માટે પાણીની તકલીફ આગામી દિવસોમાં તકલીફ ન પડે તે તે હેતુંથી ૧૬ ફૂટ પાણી અનામત રાખવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.