બરવાળાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામાં ભવ્ય બાળમેળો અને આનંદ બજાર યોજાઈ
(કનુભાઈ ખાચર દ્વારા )
સતત શિસ્ત, સંસ્કાર, સ્વસ્થતા તથા આગવી ,અવનવી અને મૂલ્યલક્ષી ઈનોવેટિવ પ્રવૃતિઓથી ધબકતી શ્રેષ્ઠ સરકારી શાળા એટલે બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા. ચાલુ વર્ષે શ્રી ચાચરિયા પ્રાથમિક શાળામા બાળકોમાં આનંદ, ઉલ્લાસ અને જીવનલક્ષી પ્રવૃતિઓ થકી કેળવણીની કેડી કંડારતા ઉત્તમ રીતે બાળમેળાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1 થી 5ના બાળકોને માટીકામ, વેસ્ટમાંથી બેસ્ટ,રંગોળી,ચિત્રકામ,કોલાઝ વર્ક, ચિટકકામ, કાતરકામ, માટીકામ, શૈક્ષણિક નમુનાઓ,ગણિત ગમ્મત, અભિનય ગીતો,જાદુ,બાળ રમતો જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવાં આવી હતી. ધોરણ 6 થી 8 ના બાળકોમાં નવી શિક્ષણ નીતિને ચરિતાર્થ કરતી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે લાઈફ સ્કીલની પ્રવૃત્તિઓ જેવી કે સ્વછતા, સ્વજાગૃતિ અને સુશોભન, સર્જનાત્મકતા, ચાલો શીખીએ, પર્યાવરણને માણો જાણો અને જાળવો, વાંચન, લેખન,અવલોકન,હળવાશની પળોમા, સામાન્ય જ્ઞાન,અને સમસ્યા ઉકેલ, સમૂહ જીવન અને બાળ પ્રદર્શન જેવા વિષયોને ખૂબ રસપૂર્વક ન્યાય આપવામાં આવ્યો. સૌથી મજાની અને મોજના તોરા છુટે એવી પ્રવૃત્તિ " આનંદ બજાર" હતી જેણે સમગ્ર શાળાના ભાવાવરણને મોજથી પુલકિત કરી દિધું હતું. અમારી શાળાનો સમગ્ર શાળા પરિવાર હંમેશાં દરેક પ્રવૃત્તિઓમાં સહિયારો પુરૂષાર્થ કરી પોતાની આગવી પ્રતિભા બાળકોમાં ખીલે એવા પ્રયાસો કરતો રહ્યોં છે. ખાસ અમારા બધા સાથે કેળવણી અને બુનિયાદી શિક્ષણનું વંદનીય ધામ એવા લોકભારતી સણોસરાના વિદ્યાર્થી અને ચાચરિયાના કર્મઠ શિક્ષક ગોવિંદભાઈ ડાભી દ્વારા બધા મિત્રોને સાથે રાખી લોકભારતી સણોસરામા જે સ્વંયપાકની આગવી પ્રવૃત્તિ હતી એની ઝાંખી કરાવતાં આગવી કુનેહ સાથે આનંદ બજારનું રુડું આયોજન કર્યું ને બાળકોને મોજ પડી ગઈ. વિવિધ ખાણીપીણીના સ્ટોલ જેવા કે શિવશક્તિ પાણીપુરી,લીલુડી લચકા ભેળ,ચટાકેદાર કાકડી, ફાઈવ સ્ટાર શરબત, ચિગ્સ ચાઈનીઝ, ચામુંડા સેન્ડવીચ, કષ્ટભંજન ભજીયા હાઉસ, ખાટી મીઠી દાળ, સોનુના ભૂંગળા - બટેકા, દ્વારકેશ લીંબુ શરબત,અલખધણી પાણીપુરી આમ એક એકથી ચડિયાતા 12 સ્ટોલ કરવામાં આવ્યાં. બાળકોમાં જે ઉત્સાહ, આનંદ અને અનેરી લહેર હતી એને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. બધા બાળકો સાથે વાલીઓ, એસ.એમ.સીના સભ્યો સૌ આ આનંદના સહભાગી બની પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. નાના ભૂલકાઓથી લઈ તમામે આ બધા સ્ટોલના નાસ્તાની મોજ માણી સાથે ખબર ન પડતાં અનાયાસે જીવનલક્ષી કેળવણીની ઘણી સંકલ્પનાઓ સાર્થક કરી. આચાર્ય શ્રી પ્રકાશભાઈ સાથે બધા સ્ટાફ મિત્રોએ બાળક સાથે બાળક બની બાળમેળાની મોજ લુંટી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.