વિંછીયાના અજમેર ગામના મનહરભાઈ સોસાનું 'હિટ એન્ડ રન' માં મૃત્યું - At This Time

વિંછીયાના અજમેર ગામના મનહરભાઈ સોસાનું ‘હિટ એન્ડ રન’ માં મૃત્યું


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિંછીયાના લાખણકા અને પિયાવા વચ્‍ચે હિટ એન્‍ડ રનની ઘટનામાં અજમેર ગામના યુવાનનું મોત થયું છે. આ યુવાન અને તનો પિત્રાઇ પૂનમ ભરવા પગપાળા ચોટીલા જઇ રહ્યા હતાં. ત્‍યારે બંનેને અજાણ્‍યા વાહને ઠોકરે ચડાવ્‍યા હતાં. જેમાં એકનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. બીજાનું મૃત્‍યુ થયું હતું. જાણવા મળ્‍યા મુજબ વિંછીયાના અજમેર ગામે રહેતો મનહરભાઇ ચોથાભાઇ સોસા (ઉ.વ.૩૭) ગત રાતે બારેક વાગ્‍યે મોટા બાપુના દિકરા સુરેશ વાલજીભાઇ સોસા (ઉ.વ.૧૮) સાથે પગપાળા ચોટીલા પૂનમ ભરવા, દર્શન કરવા જવા નીકળ્‍યો હતો. ત્‍યારે લાખણકા-પિયાવા વચ્‍ચે પહોંચ્‍યા તે વખતે પાછળથી કોઇ વાહનનો ચાલક બંને ભાઇઓને ઠોકરે લઇ ભાગી ગયો હતો. જેમાં સુરેશનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્‍યારે મનહરને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મધરાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર મનહરભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો. અને ખેત મજૂરી કરતો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. રાજકોટ સિવિલ હોસ્‍પિટલ પોલીસ ચોકીએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવથી ખોબા જેવડા અજમેર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.