'બોર્ડર-2' રિલીઝ ડેટ OUT:23 જાન્યુઆરી, 2026ના રોજ થિયેટરમાં ધૂમ મચાવશે; 27 વર્ષ પહેલાંનું વચન પૂરું કરશે સની દેઓલ - At This Time

‘બોર્ડર-2’ રિલીઝ ડેટ OUT:23 જાન્યુઆરી, 2026ના રોજ થિયેટરમાં ધૂમ મચાવશે; 27 વર્ષ પહેલાંનું વચન પૂરું કરશે સની દેઓલ


આખરે 'બોર્ડર-2'ની જાહેરાત કર્યા બાદ રિલીઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસ, 2026ના રોજ રિલીઝ થશે. નિર્માતાઓએ ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. આ પહેલાં ગુરુવારે સની દેઓલે વીડિયો દ્વારા ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મનો પહેલો ભાગ 1997માં રિલીઝ થયો હતો. જેપી દત્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. હવે 27 વર્ષ બાદ તેનો બીજો ભાગ રિલીઝ કરશે. 'બોર્ડર-2'ને ટી-સિરીઝ અને જેપી દત્તા દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવશે, જ્યારે તેનું નિર્દેશન અનુરાગ સિંહ કરશે. અનુરાગે અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ શકે છે. પહેલા જુઓ સની દેઓલે ગઈ કાલે શું ટ્વિટ કર્યું હતું.
એક્ટરે જાહેરાત કરતાં લખ્યું છે કે 'એક સૈનિક ફરી આવી રહ્યો છે, તેનું 27 વર્ષ જૂનું વચન પૂરું કરવા... ભારતની સૌથી મોટી વોર ફિલ્મ 'બોર્ડર 2'. વીડિયોમાં માત્ર સની દેઓલનો અવાજ સંભળાયો હતો. આ જાહેરાતના વીડિયોમાં ફિલ્મ સંબંધિત કોઈ વિઝ્યુઅલ નથી, બેકગ્રાઉન્ડમાં માત્ર સની દેઓલનો જ અવાજ સંભળાય છે. સની કહે છે, '27 વર્ષ પહેલાં એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે... તે વચન પૂરું કરવા... ભારતની ધરતીને સલામ કહેવા... ફરી આવી રહ્યો છે.' આ સાથે જ ફિલ્મનું ગીત 'સંદેશ આતે હૈ..' પણ સંભળાય છે. 'બોર્ડર 2' 2015માં બનવાની હતી
થોડા સમય પહેલાં ફિલ્મના લીડ એક્ટર સની દેઓલે રણવીર અલ્હાબાદિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'બોર્ડર 2' પહેલાં 2015માં બનાવાઈ રહી હતી.' તેમણે કહ્યું, 'મેં પોતે સાંભળ્યું હતું કે 'બોર્ડર 2' બની રહી છે. અમે એને 2015માં બનાવવાના હતા, પરંતુ પછી મારી ફિલ્મો ફ્લોપ થવા લાગી અને લોકો એ ફિલ્મ બનાવતા ડરી ગયા. હવે દરેક એ ફિલ્મ બનાવવા માગે છે.' 'ગદર-2' રિલીઝ થયા બાદ બદલાયું નસીબ
વર્ક ફ્રન્ટ પર સની દેઓલની છેલ્લી ફિલ્મ 'ગદર 2' હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મ રૂ. 691 કરોડના ગ્લોબલ કલેક્શન સાથે 2023ની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મ રિલીઝ થયા બાદ તેનું કરિયર ફરી ધમધમી રહ્યું છે. ટૂંક સમયમાં સની 'લાહોર 1947', 'બાપ', 'સૂર્યા' અને 'અપને 2' જેવી ફિલ્મોમાં જોવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.