સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારના દૂષણ મુદ્દે હાઇકોર્ટના પગલાં લેવાના નિર્દેશો
અમદાવાદ,તા.21 જુલાઈ 2022,ગુરૂવાર ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે સરકારી વિભાગોમાં લાંચ લેવાનું કે ભ્રષ્ટાચાર ફેલાવવામાં એજન્ટનું કામ કરતા તત્વો વિરૂધ્ધ સબક સમાન પગલા લવા રાજય સરકારને હુકમ કર્યો છે. આ અંગે જાહેરજનતાની જાણકારી માટે તમામ સરકારી કચેરીઓ ખાસ કરીને મહેસૂલ વિભાગમાં જાણ થાય તે પ્રકારે માર્ગદર્શિકા બહાર પાડવા પણ હાઇકોર્ટે હુકમ કર્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફેલાવતાં આવા કહેવાતા એજન્ટોની પ્રથા રાજયના ચીફ સેક્રેટરી અને મહેસૂલ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી દ્વારા ગંભીર વિચારણા જરૂરી બને છે. જાહેર જનતાની જાણકારી માટે માર્ગદર્શિકા બહાર પાડવા અને જરૂરી સ્થળોએ બોર્ડ લગાવવા હાઇકોર્ટની કડક તાકીદ હાઇકોર્ટે આવા તત્વોને ખુલ્લા પાડવા માટે જરૂરી સ્થળોએ બોર્ડ લગાવવા અને આ પ્રકારના પ્રયાસ કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવાનું સૂચિત કરવા પણ કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું કે, આ પ્રકારના પગલાંથી સામાન્ય લોકો સાવચેત થશે અને સરકારી કર્મચારીઓ કે જેઓ આડકતરી રીતે આ ભ્રષ્ટ પધ્ધતિનો ભોગ બનતા હોય છે તેની પર રોક લાગશે.જે લોકો સરકારી કચેરીઓમાં ઓળખાણ હોવાનું જણાવી ભ્રષ્ટ અધિકારીઓ વતી કામ કરે છે તેઓની સામ કડક પગલા લેવા પણ હાઇકોર્ટે રાજયના ચીફ સેક્રેટરી અને મહેસૂલ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને હુકમ કર્યો છે. સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર ફેલાવવાનું અને અધિકારીઓ વતી લાંચ લેવાનું કામ કરતાં આવા એજન્ટોને હટાવવા અને ખુલ્લા પાડવા હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પિતા-પુત્રએ સોશ્યલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી આરોપ લગાવ્યો હતો કે, તેમણે બિનખેતીની મંજૂરી મેળવવા મામલતદારના એજન્ટ તરીકે કામ કરતા એક માણસને પસા આપ્યા હતા. જેથી મામલતદારે બંને સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી. જેમાં તેઓની ગેરકાયદે અટકાયત મુદ્દે હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી થઇ હતી., જેનો નિકાલ કરતાં સરકારી વિભાગોમાં લાંચિયા એજન્ટ કે વચેટિયા તરીકે કામ કરતા તત્વોની ભ્રષ્ટાચારની બદીને નાથવા હાઇકોર્ટે સરકારને ઉપરોકત મહત્વના નિર્દેશ સૂચિત કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.