ખેડૂતની જમીન છૂટી કરવાના હુકમનું પાલન નહી થતાં મહેસૂલ સચિવ, વડોદરા કલે.સહિતના સત્તાધીશોને હાઇકોર્ટની નોટિસ
અમદાવાદ,તા.12 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા-હાલોલ હાઇવે ફોર લેન પ્રોજેકટના ભાગરૂપે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પાંચદેવલા ગામે સંપાદિત થયેલી જમીનનો ઉપયોગ સરકારના સત્તાવાળાઓ દ્વારા થઇ શકયો ન હતો, જેને લઇ ખુદ જમીન સંપાદન અધિકારીએ ખેડૂતની તરફેણમાં જમીન છૂટી કરવા અંગેનો નિખાલસ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેના આધારે હાઇકોર્ટે અગાઉ ખેડૂતની તરફેણમાં જમીન મુકત કરવા અંગે ચાર મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો હોવા છતાં સરકારના સત્તાવાળાઓ દ્વારા હુકમનું પાલન નહી થતાં ખેડૂત તરફથી હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન કરાઇ છે. હાઇકોર્ટે સરકારના મહેસૂલ સચિવ, વડોદરા જિલ્લા કલેકટર એ.બી.ગોર, ડેપ્યુટી કલેકટર શિવાની ગોયલ સહિતના સત્તાધીશોને કન્ટેમ્પ્ટ નોટિસ જારી કરી છે. વડોદરા-હાલોલ હાઇવે ફોર લેન માટે જમીન સંપાદન કરાઇ પરંતુ તેનો ઉપયોગ નહી થતાં મુકત કરવા હુકમ થયો હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી સપ્ટેમ્બર માસમાં મુકરર કરી છે. વડોદરાના ખેડૂત તરફથી કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, વડોદરા-હાલોલ હાઇવે ફોર લેન પ્રોજેકટના ભાગરૂપે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પાંચદેવલા ગામની કેટલીક જમીનો સંપાદિત કરાઇ હતી, જેમાં અરજદાર ખેડૂતની પણ સર્વે નં૨૩૨/૨ની સંબંધિત જમીન પણ સંપાદિત કરાઇ હતી. જો કે, પાછળથી આ સર્વે નંબરની જમીનનો પ્રોજેકટ માટે ઉપયોગ કરવાની જરૂર પડી ન હતી. જેથી અરજદાર દ્વારા જમીન સપાંદન પેટે વળતરની મેળવેલી રકમ પણ પાછી સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ જમા કરાવી દીધી હતી. એ પછી અરજદારે તેની જમીન બિનખેતીમાં રૂપાંતરણ કરવા માટે વડોદરા કલેકટરમાં અરજી કરી હતી. જો કે, કલેકટરે૨-૪૩-૮૨ એન્ટ્રી નંબરની જમીનની એનએ મંજૂર કરી હતી પરંતુ ૦-૩૦-૦૦ માટે એનએ આપી ન હતી, તેથી અરજદારે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં ખુદ ખાસ જમીન સંપાદન અધિકારીએ નિખાલસ રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું હતુ કે, અરજદાર ખેડૂતની જમીન મુકત થવાપાત્ર છે અને ખેડૂતને તેની જમીન પરત કરવી જોઇએ. આ રિપોર્ટના આધારે હાઇકોર્ટે અરજદાર ખેડૂતની જમીન તેની તરફેણમાં મુકત કરવા અંગેની સમગ્ર પ્રક્રિયા ચાર મહિનામાં પૂર્ણ કરવા વડોદરા કલેકટર અને સરકારના મહેસૂલ વિભાગના સત્તાધીશોને હુકમ કર્યો હતો. છતાં હજુ સુધી સરકારના સત્તાવાળાઓ દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. સત્તાવાળાઓ દ્વારા હાઇકોર્ટના હુકમનું પાલન નહી કરી કસૂર કર્યો હોવાથી તેઓ વિરુધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એકટ હેઠળ કાર્યવાહી થવી જોઇએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.