વિદ્યાસહાયકોને ફાજલ જાહેર કરવા અંગેનો સરકારના પરિપત્રને પડકારતી ઢગલાબંધ પિટિશનો હાઇકોર્ટે ફગાવી
અમદાવાદ,તા. 19 જુલાઈ 2022,મંગળવારગુજરાત હાઇકોર્ટે આજે એક અતિ મહત્વના ચુકાદા મારફતે રાજયની સ્કૂલોમાં વિદ્યાસહાયકો-શિક્ષકોને ફાજલ જાહર કરવાની જોગવાઇ લાગુ પાડતાં રાજય સરકારના વિવાદીત પરિપત્રને પડકારતી ઢગલાબંધ રિટ અરજીઓ ધરાર ફગાવી દીધી હતી અને સરકારના તા.૧-૪-૨૦૨૨ના પરિપત્રને બહાલ રાખ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજયના વિવિધ જિલ્લા-તાલુકામાં કલસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર(સીઆરસી) અને બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર્સ(બીઆરસી)ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે તેની જગ્યાએ નિમણૂંક પામેલ વિદ્યાસહાયકોને ફાજલ જાહેર કરી શકાશે. એટલું જ નહી, કલસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર(સીઆરસી) અને બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર્સ(બીઆરસી)ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે તેઓ તેમની માતૃસંસ્થા(પેરેન્ટલ સ્કૂલ)માં જ રહી શકશે. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પ્રોમીસરી એસ્ટોપલનો સિધ્ધાંત અને કાયદાકીય અપેક્ષા વ્યાપક જન હિતમાં બાધ બની શકે નહી. બીઆરસી અને સીઆરસીની નિયુકિત રાઇટ ટુ એજયુકેશન એકટની અસરકારક અને પરિણામલક્ષી અમલવારી માટે કરાઇ છે. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે રાજયના હજારો વિદ્યાસહાયક ઉમેદવારોને અસર થશે. બીઆરસી-સીઆરસી ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે તેની જગ્યાએ નિયુકત વિદ્યાસહાયકોને ફાજલ જાહેર કરી શકાશેઅગાઉ કલસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર(સીઆરસી) અને બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર્સ(બીઆરસી)પોતાની પોસ્ટ પર પરત ફરે ત્યારે જો તેની જગ્યાએ કોઇ નિમણૂંક થયેલી હોય તો સીઆરસીને નજીકના જિલ્લા-તાલુકામાં બદલી અપાતી હતી પરંતુ સરકારના નવા પરિપત્ર બાદ જયારે સીઆરસી ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે તે તેની માતૃસંસ્થા એવી સ્કૂલમાં જ રહી શકે અને તેની જગ્યાએ નિયુકત કરાયેલ વિદ્યાસહાયકને ફાજલ જાહેર કરવાની જોગવાઇ કરાઇ હતી. સરકારે તા.૨૩-૫-૧૨નો ઠરાવ રદ કરી તેના સ્થાને તા.૧-૪-૨૦૨૨ના નવા પરિપત્રથી સંખ્યાબંધ વિદ્યાસહાયકો અને સિક્ષકોને અસર થાય તેવા વિવાદીત નિર્ણયો લાદતી જોગવાઇઓ લાગુ કરી હતી., સરકારના આ પરિપત્રને ઢગલાબંધ રિટ અરજીઓ મારફતે પડકારવામાં આવ્યો હતો. આ પરિપત્રને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જુદી જુદી રિટ અરજીઓનો રાજય સરકાર તરફથી સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સર્વ શિક્ષા અભિયાન યોજના કે જે રાજય સરકારે પણ સ્વીકારી અમલ કર્યો છે તે અંતર્ગત શિક્ષકોને બીઆરસી અને સીઆરસી તરીકે ડેપ્યુટેશન આપવાનો નિર્ણય લેવાયો છે. બીઆરસી અને સીઆરસીના ડેપ્યુટેશન પાછળનો મુખ્ય હેતુ સેન્ટરના વિકાસ માટેનો હતો કે જયાં એક મજબૂત માનવ સંશાધન પુલના વિકાસ માટે શિક્ષકની નિયુકિત કરાય છે. શાળાઓમાં નિયમિત રીતે મુલાકાત, એકેડમીક મુદ્દાઓની ચર્ચા, સ્કૂલના ઉત્કૃષ્ટ પરફાર્મન્સ માટે પ્રયુકિતઓની રચના સહિતની જવાબદારી આ કો-ઓર્ડિનેટરની નક્કી કરાઇ છે. આ સ્કીમ પાછળથી સમગ્ર શિક્ષા તરીકે અમલી બનાવાઇ છે. જે અંતર્ગત પ્રિ-સ્કૂલથી લઇ ધોરણ-૧૨ સુધી સ્કૂલની અસરકારકતા અને ગુણવત્તા સુધારવાના વિશાળ લક્ષ્યાંક સાથે પ્રોગ્રામ ચલાવાઇ રહ્યા છે. શૈક્ષણિક કાયક્રમોની અમલવારીમાં બીઆરસી અને સીઆરસીની નોંધનીય ભૂમિકા હોય છે. કલસ્ટર સાતથી આઠ સ્કૂલનું બનેલું હોય છે, જયારે બ્લોક સાતથી આઠ કલસ્ટરના બનેલા હોય છે. કલસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર(સીઆરસી) અને બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર્સ(બીઆરસી)ની નિમણૂંકો વિદ્યાસહાયક અથવા શિક્ષકોમાંથી કરવામાં આવતી હોય છે. બદલી એ સરકારની નોકરીની એક વ્યવસ્થા છે, જેમાં શિક્ષક કાયમી ધોરણે તેની પસંદગીની જગ્યાએ કામય માટે રહી શકે નહી અને તે સરકાર દ્વારા સમયાંતરે ઘડાતી નીતિના આધારે હોઇ શકે છે. આ સંજોગોમાં સરકારની નીતિ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજયુકેશન એકટ-૨૦૦૯ની જોગવાઇઓની વિરૂદ્ધની કહી ના શકાય. સરકારનો નિર્ણય શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં છે. સરકારની આ દલીલો હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.