ગાંધીનગરમાં રાજસ્થાનથી આવેલો 5792 બોટલ દારૂ પકડી પાડતું SMC : ચૂંટણીમાં કરવાની હતી રેલમછેલ ! - At This Time

ગાંધીનગરમાં રાજસ્થાનથી આવેલો 5792 બોટલ દારૂ પકડી પાડતું SMC : ચૂંટણીમાં કરવાની હતી રેલમછેલ !


કોઈ રાજકીય પક્ષ દ્વારા દારૂ મંગાવાયો છે કે પછી ચૂંટણી હોવાથી સર્જાયેલી અછતને કારણે મોંઘા ભાવે વેચવા ઉતારાયો હશે તે સહિતની દિશામાં તપાસ: દારૂ, રોકડ સહિત કુલ 10.85 લાખનો મુદ્દામાલ કબજે: અમદાવાદનો બૂટલેગર પકડાયો; ત્રણ ફરાર

વિધાનસભાની ચૂંટણીમાં દિન-પ્રતિદિન ગરમાવો આવી રહ્યો છે. નેતાઓ દ્વારા તાવાપાર્ટી સહિતના ભોજન સમારંભો પણ ગોઠવાવાનું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે કાર્યકરો તેમજ મતદારોને ‘ખુશ’ રાખવા માટે મતદાન પહેલાં ‘છાંટોપાણી’ કરાવવાનો સિલસિલો આ ચૂંટણીમાં પણ યથાવત રહેવા પામ્યો હોવાથી અત્યારે દારૂની માંગમાં ભયાનક ઉછાળો આવી ગયો છે.

બીજી બાજુ કોઈ પણ ભોગે દારૂની રેલમછેલને અટકાવવા માટે પોલીસે પણ કમર કસી લીધી હોવાથી અત્યારે બૂટલેગરો દારૂ મેળવવા માટે ભાગદોડ કરી રહ્યા છે. આવી જ કંઈક હાલત પ્યાસીઓની પણ થવા પામી છે. આ બધાની વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે ગાંધીનગરમાં રાજસ્થાનથી આવેલા 5792 બોટલ વિદેશી દારૂને પકડી લેતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ દારૂને ચૂંટણીમાં ઉપયોગ કરવાનો હતો કે કેમ તે સહિતની દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ આર.જી.ખાંટ સહિતના સ્ટાફે બાતમીના આધારે નેશનલ હાઈ-વે નં.48 ઉપર મોટા ચિલોડાથી નાના ચિલોડા રોડ વચ્ચે આવેલા કોડીમા લાઈવ કિચન રેસ્ટોરન્ટ પાસે પડેલા આઈશરની તલાશી તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 5792 બોટલ મળી આવી હતી જેની કિંમત 5,79,200 રૂપિયા થવા જાય છે.

પોલીસે સ્થળ પરથી બિસ્મીલ્લાહ ઉર્ફે અબુડો જુસભભાઈ લાંગા (રહે.જુહાપુરા-અમદાવાદ)ની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરતાં તેણે પોપટ બની જઈને કહ્યું હતું કે આ દારૂ મોહમ્મદ ફિરોજ વસીમ ઉર્ફે વસુ કમાલુદ્દીન અબ્દુલભાઈ શેખ (રહે.જુહાપુરા-અમદાવાદ), રજાક નુરભાઈ શેખ (રહે.જુહાપુરા-અમદાવાદ)એ મંગાવ્યો હતો. દારૂની આ સપ્લાય રાજસ્થાનથી કરવામાં આવી હોવાની કબૂલાત આપતાં જ પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
પોલીસે બિસ્મીલ્લાહની ધરપકડ કરી 5792 બોટલ દારૂ, પાંચ લાખની કિંમતનું આયશર, બે મોબાઈલ, રોકડ સહિત કુલ રૂા.10,85,850નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યાંથી આ દારૂ પકડાયો તે વિસ્તાર ગાંધીનગર જિલ્લાના દાભોડા પોલીસ મથક વિસ્તારમાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ દારૂ કોઈ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે મંગાવવામાં આવ્યો હતો કે પછી ચૂંટણીને લીધે અત્યારે દારૂની શોર્ટેજ હોવાથી તેનો લાભ લઈ ઉંચા ભાવે દારૂનું વેચાણ થઈ શકે તે માટે મંગાવવામાં આવ્યો હતો ? પોલીસની અત્યારે સોલિડ ધોંસ હોવાને કારણે કોઈ બૂટલેગર અન્ય રાજ્યમાંથી દારૂનો જથ્થો મંગાવવાની હિંમત કરી રહ્યા નથી ત્યારે દારૂ વેચવા માટે મંગાવ્યો હોવાની સંભાવના બહુ ઓછી છે ત્યારે ચૂંટણી માટે જ મંગાવાયો હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ થાય તો ઘણા બધા ખુલાસા થઈ શકે તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.