હિંમતનગર સહકારી જીન પાસે વરસાદી પાણીનો નિકાલ ના થતાં ચક્કાજામ
સ્થાનિકોએ બ્રિજની નીચે ભરાયેલા ખાબોચિયાઓમાં ઊંઘીને વિરોધ કર્યો લાંબા સમય સુધી ટ્રાફિકજામ રહેતાં પોલીસે હળવો બળપ્રયોગ કરી 10 થી વધુ લોકોને ગાડીમાં મૂક્યા બાદ ટોળું વિખેરાયું, પાંચથી વધુ લોકોની અટકાયત કરાઇ
હિંમતનગર શામળાજી નેશનલ હાઇવે નંબર 8 પરના સહકારી જીન ઓવરબ્રિજની કામગીરી 6 વર્ષથી ટલ્લે ચડી છે અને અનેકવાર તેનો વિરોધ પણ થયો છે. ત્યારે છેલ્લા દસ દિવસથી ઓવરબ્રિજ નીચે એક ફૂટ ઊંડા ખાડામાં વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે શનિવારે કંટાળીને અહીંના સ્થાનિક વેપારીઓએ તેમજ શહેરીજનો હાઇવે ઉપર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી દીધો હતો. જેને કારણે બંને તરફ પાંચ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક સર્જાયો હતો ત્યારે સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. લાંબા સમય સુધી ટ્રાફિકજામ રહેતાં પોલીસને હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો અને 10 થી વધુ લોકોને ઊંચા કરી ગાડીમાં મૂક્યા બાદ ટોળું વિખેરાયું હતું.
સહકારી જીન ઓવરબ્રિજ નીચે તેમજ સર્વિસ રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે અને ત્યાં અડધા ફૂટથી પણ ઊંડા ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને કેટલાય વાહન ચાલકો અને રાહદારીઓ ખાબકવાના બનાવ વધી રહ્યા છે. આ સમસ્યાથી કંટાળેલા આસપાસના વેપારીઓ અને સ્થાનિકોનું ટોળું હાઈવે પર ઉતરી આવ્યું હતું વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો. જેને લઇ મોતીપુરા-કાંકરોલ તરફના માર્ગ પર ચક્કાજામ થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ટીમનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લોકો સાથે વાતચીત થતી સમજાવટ કરી હતી. પરંતુ રોષે ભરાયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અડધા કલાકથી વધુ વિરોધ ચાલતાં પાંચ કિલોમીટર સુધી ટ્રાફિકજામ થઈ જતાં વાહન ચાલકો ફસાયા હતા. વિરોધ થમવાનું નામ ન લેતાં પોલીસે ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો અને વિરોધ કરી રહેલા લોકો સામે લાઠિયો ઉગામી ઊંચકી ઊંચકી પોલીસ જીપમાં બેસાડી પાંચ જેટલા લોકોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા. ત્યારે વિરોધ કરનારાઓની અટકાયત થતાં સ્થાનિક વેપારીઓનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું હતું.
લોકોએ હાઇવે બ્લોક કરતાં લાંબી વાહનોની કતાર લાગી હતી. જેમાં ત્રણ જેટલી એમ્બ્યુલન્સ ફસાઈ હતી. સ્થાનિકોએ બ્રિજની નીચે ભરાયેલા ખાબોચિયાઓમાં ઊંઘીને વિરોધ કર્યો હતો.
રિપોર્ટ. હસન અલી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.