ટી.પી.ની 7 અર્જન્ટ દરખાસ્ત
વર્તમાન બોડીના છેલ્લા બોર્ડમાં 4 નવી ટી.પી.નો ઈરાદો જાહેર, ત્યારબાદ કઈ 6 ટી.પી. સ્કીમ બનાવવી તે પણ નક્કી થયું, નવી બોડીનું કામ ‘હળવું’ કર્યું
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ બુધવારે મળ્યું હતું. વર્તમાન શાસકોનું આ સંભવત: છેલ્લું જનરલ બોર્ડ છે અને આવતા મહિને નવા શાસકો આવશે. જોગાનુજોગ આ સ્થિતિ વચ્ચે જ અઢી વર્ષમાં પ્રથમ વખત 7-7 અર્જન્ટ દરખાસ્ત અને તે પણ તમામ ટી.પી.ની મુકાઈ છે. ટી.પી.એ શહેરનું ઘરેણું અને મનપા અને તેની સાથે જોડાયેલા લોકો માટે આવકનું મહત્ત્વનું સાધન છે. અનેક ઈજનેરો અને બિલ્ડરોની આવક તેના પર નિર્ભર છે. આ મહત્ત્વની શાખાની મોટી જવાબદારી નવી બોડી માટે હળવી કરી દેવાઈ છે.
બોર્ડ શરૂ થતા પ્રશ્નકાળમાં સૌથી પહેલો પ્રશ્ન વોર્ડ નં.5ના કોર્પોરેટરનો હતો જેમાં મ્યુનિસિપલ કમિશનરે ખાડા અને પેચવર્કનો વોર્ડ વાઈઝ હિસાબ આપ્યો હતો. આ પહેલા મેયરે સ્પષ્ટ કહી દીધું હતું કે, આચારસંહિતા હોવાથી વોર્ડ નં. 15ની કોઇ ચર્ચા કે મુદ્દો ઉઠાવી શકાશે નહીં. વિપક્ષી નેતા વોર્ડ નં.15માંથી ચૂંટાયેલા છે તેથી તેમણે કોઇ ચર્ચા કરવી યોગ્ય માની નહિ અને બીજા કોર્પોરેટર રજા પર હતા. પ્રશ્નકાળ પૂરો થતાં જ દરખાસ્ત વંચાણે લેવાઈ અને તુરંત જ 7 અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી. જેમાંથી 4 દરખાસ્ત 4 નવા વિસ્તારોમાં ટી.પી. સ્કીમનો ઈરાદો જાહેર કરવાની હતી. એક દરખાસ્ત હવે પછી રાજકોટના નવા ભળેલા વિસ્તારો અને જૂના વિસ્તારોમાં જ્યાં ટી.પી. નથી ત્યાં ટી.પી. બનાવવા માટે સરકારનું પરામર્શ માગવા માટેની હતી. એક દરખાસ્ત ટી.પી. સ્કીમ 33 કે જે ડ્રાફ્ટ સ્તરે હતી તેને હવે પ્રારંભિક સ્તર માટે પુન:રચના કરવાની છે. જ્યારે એક દરખાસ્ત વર્ષોથી કોર્ટમાં ચાલતા પ્લોટની ફાળવણીની હતી.
ડ્રાફ્ટ ટી.પી. સ્કીમના ઈરાદાથી માંડી ત્યારબાદ ક્યા વિસ્તારમાં ઈરાદા જાહેર કરવા સુધીની તૈયારી શાસકોએ કરી લેતા હવે નવી બોડીને આ મુદ્દે ઓછું વિચારવું પડશે. આ ઉપરાંત મહત્ત્વની વાત એ પણ છે કે, શહેર ભાજપમાં સંગઠનમાં આવેલા ફેરફાર બાદ નવી બોડી આવશે જેથી અસર નિમણૂકો પર પડશે આ કારણે નવી બોડી પાસે ટી.પી. સ્કીમને લગતું કોઇ ‘અઘરું’ કામ રહે નહિ અને માત્ર પ્રાથમિક જરૂરિયાતોના કામ કરી શકે તે માટે જૂના સંગઠન પ્રેરિત વર્તમાન શાસકોએ પોતાના પર બધો બોજો ઉઠાવી કામ પૂરું કર્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.