હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર 200 રોકેટ છોડ્યા:ટોચના કમાન્ડરના મોત બાદ થયો હુમલો, થોડા દિવસ પહેલા યુદ્ધની ધમકી આપી હતી - At This Time

હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર 200 રોકેટ છોડ્યા:ટોચના કમાન્ડરના મોત બાદ થયો હુમલો, થોડા દિવસ પહેલા યુદ્ધની ધમકી આપી હતી


ઈરાન તરફી સંગઠન હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો હતો. એપીના અહેવાલ મુજબ આતંકવાદી સંગઠને ગુરુવારે યહૂદી દેશ પર 200થી વધુ રોકેટ છોડ્યા હતા. આ સિવાય લગભગ 20 ડ્રોનથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલના ઘણા સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયેલની સેનાએ કહ્યું કે, કેટલીક મિસાઇલો લેબનોનથી તેમના વિસ્તારમાં પડી હતી. આમાંથી ઘણાને અટકાવવામાં આવ્યા હતા. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. હિઝબુલ્લાહે પોતાના એક ટોચના કમાન્ડરના મોતનો બદલો લેવા માટે આ હુમલો કર્યો હતો. હકીકતમાં, ઇઝરાયેલે બુધવારે દક્ષિણ લેબેનોનના ટાયર શહેરમાં હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાહનો ટોચનો કમાન્ડર મોહમ્મદ નિમાહ નાસિર (હજ અબુ નિમાહ) માર્યો ગયો હતો. હિઝબુલ્લાહે પણ કમાન્ડરના મોતની પુષ્ટિ કરી હતી. આ હુમલા બાદ ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટે કહ્યું હતું કે, આઈડીએફ હિઝબુલ્લાહ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરવા માટે તૈયાર છે. ડ્રોન હુમલા બાદ ગોલાન હાઇટ્સમાં આગ ફાટી નીકળી હતી
હિઝબુલ્લાએ હુમલો કરતાની સાથે જ ગાઝા બોર્ડર પાસે નહલ ઓઝ વિસ્તારમાં સાયરન વાગવા લાગ્યા. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર ગોલાન હાઈટ્સમાં આગ લાગી હતી. આ પછી બચાવકર્મીઓએ નજીકમાં રહેતા લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢ્યા હતા. ફાયર ફાઈટરોની ટીમ આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. થોડા દિવસો પહેલા અમેરિકાની મુલાકાત દરમિયાન ગેલન્ટે કહ્યું હતું કે, અમે લેબનોનને પાષાણ યુગમાં મોકલી શકીએ છીએ. તે જ સમયે આ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે ઘણા દેશોએ તેમના નાગરિકોને લેબનોનની મુસાફરી સામે ચેતવણી આપી હતી. હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહે ઈઝરાયેલના એરપોર્ટ અને સાયપ્રસ પર હુમલો કરવાની ધમકી આપી હતી. હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ શેખ નઈમ કાસિમે મંગળવારે (4 જૂન) કહ્યું કે, લેબનોન-ઈઝરાયેલ સરહદ પર બંને વચ્ચે દુશ્મનાવટ વધી રહી હતી. જો ઇઝરાયલી દળો લેબનોન પહોંચશે તો અમે તેની સરહદોની અંદર હુમલો કરીશું. લેબનોન સાથે યુદ્ધના ડરથી ઉત્તરી ઇઝરાયેલમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા
ઈઝરાયેલમાં બીજા મોરચે યુદ્ધની શક્યતાઓ હતી. હિઝબુલ્લાહના હુમલા વધ્યા બાદ ઉત્તરી ઈઝરાયેલના ઘણા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતી. ત્યાંના લોકોને દક્ષિણ ઇઝરાયેલની હોટલોમાં મોકલવામાં આવ્યા હતા. હિઝબોલ્લાહ દ્વારા મોટા હુમલાની અપેક્ષા રાખીને ઇઝરાયેલીઓએ તેમના ઘરના બંકરોમાં ખોરાક, પાણી અને અન્ય વસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું. ઈઝરાયલના નેશનલ ઈલેક્ટ્રિસિટી ગ્રીડના અધિકારી શાઉલ ગોલ્ડસ્ટેઈને કહ્યું કે, જો ઉત્તરમાં યુદ્ધ થાય તો અમે વીજળીનું વચન આપી શકીએ નહીં. તેમના નિવેદનથી ઇઝરાયેલમાં જનરેટરના વેચાણમાં વધારો થયો. ગાઝા યુદ્ધ પછી ઇઝરાયેલમાં જનરેટરની આયાત વધી. તે પહેલાના 5%થી વધીને હવે 25% થયો હતો. મોટાભાગની આયાત અમેરિકા અને બ્રિટનમાંથી આવી રહી હતી. હિઝબુલ્લાહ સંગઠન કોણ?
હિઝબુલ્લાહ શબ્દનો અર્થ થાય છે ઈશ્વરની પાર્ટી. આ સંગઠન પોતાને શિયા ઇસ્લામિક રાજકીય, લશ્કરી અને સામાજિક સંગઠન તરીકે વર્ણવે છે. હિઝબુલ્લાહ લેબનોનમાં એક શક્તિશાળી જૂથ છે. અમેરિકા અને ઘણા દેશોએ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે જે 1980 ના દાયકાની શરૂઆતમાં ઇઝરાયેલના કબજા દરમિયાન ઈરાનની મદદથી બનાવવામાં આવ્યું હતું. 1960-70 ના દાયકામાં લેબનોનમાં ઇસ્લામના પુનરાગમન દરમિયાન તે ધીમે ધીમે મૂળિયાં લેવાનું શરૂ કર્યું. આમ હમાસ એક સુન્ની પેલેસ્ટિનિયન સંગઠન છે. જ્યારે હિઝબુલ્લાહ ઈરાન દ્વારા સમર્થિત શિયા લેબનીઝ પક્ષ છે, પરંતુ બંને સંગઠનો ઈઝરાયેલના મુદ્દે એકજૂટ રહે છે. 2020 અને 2023ની વચ્ચે બંને જૂથોએ UAE અને બહેરીન વચ્ચે ઇઝરાયેલ સાથેના કરારનો વિરોધ કર્યો હતો. હવે ગાઝાની પરિસ્થિતિ પર એક નજર... ગાઝામાં ચામડીના ખતરનાક રોગો ફેલાયા, 1.5 લાખથી વધુ બાળકો પ્રભાવિત
ઈઝરાયેલ આર્મી (IDF)ના હુમલામાં અત્યાર સુધીમાં 37,953 લોકોના મોત થયા છે. IDFના આદેશ બાદ ગાઝાના 23 લાખ પેલેસ્ટિનિયનોને દરરોજ અહીંથી ત્યાં ભટકવાની ફરજ પડી રહી છે. અસ્વચ્છ સ્થિતિને કારણે 1.50 લાખથી વધુ બાળકો ખતરનાક ત્વચાના રોગોથી પીડાઈ રહ્યા છે. સેન્ટ્રલ ગાઝામાં દેર અલ-બાલાહ કેમ્પમાં રહેતા એક પરિવારનું કહેવું છે કે, તેઓ રેતી પર સૂઈ જાય છે. બાળકોના શરીર પર સફેદ અને લાલ ફોલ્લીઓ દેખાયા હતા અને તેઓ આખો દિવસ ખંજવાળતા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.