મહારાષ્ટ્રમાં મોડી રાતથી ભારે વરસાદ:અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ, પુણેમાં શાળાઓ બંધ; NDRF એલર્ટ પર
ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એકલા વડોદરામાં 24 કલાકમાં 13.5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 8 લોકોનાં મોત થયા છે. આ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી 826 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા. ઘણી જગ્યાએ શાળા અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ છે. આ સિવાય મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. એનડીઆરએફને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. પુણે, થાણે, રાયગઢ અને પાલઘરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. પુણેના પૂલાચી વાડીમાં ભારે વરસાદને કારણે વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે. મુંબઈમાં પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે મોડી રાતથી મુંબઈમાં 100 મીમી(4 ઈંચ)થી વધુ વરસાદ નોંધાયો છે. લોનાવલામાં છેલ્લા 24 કલાકમાં 275mm વરસાદ નોંધાયો છે. બીજી તરફ નેપાળમાંથી છોડવામાં આવતા પાણીને કારણે ઉત્તર પ્રદેશમાં રાપ્તી નદીમાં વધારો થયો છે. જેના કારણે ગોરખપુરના 50 ગામોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે. NDRF અને SDRFને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે.
અતિભારે વરસાદ (6 રાજ્યો): ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, કર્ણાટક, ઓડિશા. ભારે વરસાદ (10 રાજ્યો): છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
મહારાષ્ટ્રના પુણે સહિત અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. પુણે શહેરમાં ભારે વરસાદને કારણે ડેક્કન નદીની આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. પુણેનો ખડકવાસલા ડેમ પણ 100 ટકા ભરાઈ ગયો છે. આ સિવાય મુંબઈ શહેરમાં સવારથી જ જોરદાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જામ છે. કોલ્હાપુરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મહારાષ્ટ્રમાં વરસાદની તસવીરો... મૈસૂરનો કૃષ્ણરાજ ડેમ 100 ટકા ભરાયો
કર્ણાટકમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે મૈસૂરમાં સ્થિત કૃષ્ણરાજા સાગર ડેમ 100 ટકા ક્ષમતાથી ભરાઈ ગયો છે. બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં ડેમ 124.80 ફૂટ સુધી પાણીથી ભરાઈ ગયો હતો. ગત વર્ષે સિઝનના આ સમય સુધીમાં ડેમ માત્ર 95 ફૂટ જેટલો જ ભરાયો હતો. કાશ્મીરમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે
હવામાન વિભાગે આગાહી કરી છે કે કાશ્મીર, શ્રીનગર, કુપવાડા, બડગામ અને પુલવામાના ઘણા જિલ્લાઓમાં તાપમાન 36 ડિગ્રી સુધી જઈ શકે છે. તે જ સમયે, કુલગામ, શોપિયાં, અનંતનાગ, બાંદીપોરા અને બારામુલ્લામાં 3 દિવસ સુધી તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. દેશભરમાંથી વરસાદની તસવીરો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.