જામનગર જિલ્લામાં મેઘરાજાની સટાસટી: જામજોધપુરના પરડવામાં ધોધમાર 12 ઇંચ વરસાદ ખાબકયો
- જોડીયામાં પણ સાંબેલાધાર ૧૦ ઇંચ વરસાદથી ચોમેર પાણી ફરી વળ્યા' સમગ્ર જિલ્લાના સાર્વત્રિક ૧ થી ૧૨ ઇંચ વરસાદ- અનેક નદીનાડાઓમાં પૂર આવ્યા: કાલાવડ પંથકમાં આવેલો ઊંઘ ત્રણ ડેમ પ્રથમ વરસાદે જ ઓવર ફ્લો થયોજામનગર તા 8 જુલાઈ 2022,શુક્રવાર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી પછી તંત્ર દ્વારા રેડએલર્ટ જાહેર કરાયું છે દરમિયાન છેલ્લા ૨૪ કલાક દરમિયાન ધીંગી મેઘસવારી જોવા મળી છે, અને સાર્વત્રિક ૧ થી ૧૨ ઇંચ વરસાદ વરસી ગયાના અહેવાલો મળ્યા છે. જામજોધપુર પંથકમાં ૧૦ થી ૧૨ ઇંચ ભારે વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે જ્યારે જોડીયા પંથકમાં પણ સાંબેલાધાર ૮ ઇંચ થી વધુ પાણી પડી ગયું હોવાથી ચોમેર પાણી પાણી થઈ ગયું છે. કાલાવડ પંથકમાં પણ ભારે વરસાદના કારણે ઉન્ડ-૩ ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ જિલ્લા ના અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે.જામનગર શહેર અને જિલ્લામાં આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, અને ભારે વરસાદની આગાહીના પગલે જામનગર જિલ્લામાં અનેક તાલુકામાં ધોધમાર ૧૦ થી ૧૨ ઇંચ વરસાદ ખાબકી ગયો હોવાના અહેવાલો મળ્યા છે.જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં ધોધમાર ૧૨ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે. ઉપરાંત ધ્રાફામાં ૧૧ ઇંચ, વાંસજાળિયામાં ૧૧ ઇંચ તેમજ ધુનડામાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકાના ફલ્લા ગામમાં ૬ ઇંચ, જ્યારે ધુતારપર ગામમાં પણ ૬ ઇંચ, લાખાબાવળમાં પાંચ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે.જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના ખરેડી, મોટા પાંચ દેવડા, ભલસાણ બેરાજા વગેરે ગામોમાં પણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.જામનગર જિલ્લાના જોડીયામાં ગઈકાલે સવારે ૧૦ વાગ્યાથી આજે બપોરે ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ધોધમાર ૮ થી ૯ ઇંચ વરસાદ પડી ગયા ના અહેવાલો મળી રહયા છે. જેના કારણે ચોમેર પાણી ફરી વળ્યા છે.જામનગર શહેરમાં ગઈકાલથી આજે બપોર સુધીમાં દોઢ ઇંચ, કાલાવડમાં અઢી ઇંચ, જામજોધપુરમાં બે ઇંચ, જ્યારે ધ્રોળમાં ત્રણ ઇંચ. વરસાદ નોંધાયો છે લાલપુર પંથકમાં પણ એક ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલ મળી રહ્યા છે.જામનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને અનેક નદીનાળાઓ માં ઘોડાપુર આવ્યા છે. નાના નાના ચેકડેમ પાણીથી ભરાવા લાગ્યા છે. જ્યારે કાલાવડ પંથકનો ઉન્ડ-૩ ડેમ કે જે પ્રથમ વરસાદે ઓવરફ્લો થયો છે. જેથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.