દિલ્હીમાં અચાનક હીટવેવમાંથી હેવીરેઇન:દિલ્હીને ભારે પડ્યું હીટ વેવ અને ભારે વરસાદનું ક્લાયમેટ ચેન્જ સાથેનું સીધું કનેક્શન - At This Time

દિલ્હીમાં અચાનક હીટવેવમાંથી હેવીરેઇન:દિલ્હીને ભારે પડ્યું હીટ વેવ અને ભારે વરસાદનું ક્લાયમેટ ચેન્જ સાથેનું સીધું કનેક્શન


સેંકડો સ્ટડીઝ પછી વિજ્ઞાનીઓ હવે છાતી ઠોકીને કહે છે કે હીટ વેવ્ઝ, દુષ્કાળ અને ભારે વરસાદને ક્લાયમેટ ચેન્જ સાથે સીધું કનેક્શન છે. વિજ્ઞાનીઓની આ વાતનો પુરાવો દેશની રાજધાની દિલ્હીમાં જોવા મળ્યો. દિલ્હીમાં અત્યાર સુધી એક્સ્ટ્રીમ વેધર હતું. શહેરમાં 50 ડિગ્રી સુધી તાપમાન પહોંચવા આવ્યું હતું. હીટવેવના કારણે દિલ્હીવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા અને અચાનક મૂશળધાર વરસાદે દિલ્હીમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ ઊભી કરી દીધી. વરસાદના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી તો રાહત મળી પરંતુ ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે દિલ્હીમાં તંત્ર ગોથે ચઢી ગયું. આમ બનવાનું કારણ એ હતું કે ઓછા સમયમાં ખૂબ વરસાદ પડ્યો. દેશની રાજધાનીમાં આવી સ્થિતિ અચાનક કેમ સર્જાઈ એ વિજ્ઞાનની ઓથે રહીને સમજવાનો અહીં પ્રયાસ કરીએ... દિલ્હીમાં જળબંબાકાર ક્લાઈમેટ ચેન્જને આભારી
અત્યાર સુધી દિલ્હીવાસીઓ અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. એવામાં શુક્રવારે અચાનક રેકોર્ડબ્રેક વરસાદે દિલ્હીની તસવીર બદલી નાખી. ચોતરફ પાણી જ પાણીની સ્થિતિમાં લોકો હેરાન પરેશાન થયા. એક્સ્ટ્રીમ વેધર અથવા તો કહો કે હીટવેવની કારમી સ્થિતિમાંથી અચાનક ભારે વરસાદનો માહોલ કેમ સર્જાયો એવો સવાલ પાણીમાં ગરકાવ હોવા છતાં દિલ્હીવાસીઓને થયો હશે. આનો જવાબ છે ક્લાઈમેટ ચેન્જ. વિજ્ઞાનીઓ કહે છે કે હીટવેવ, દુષ્કાળ અને ભારે વરસાદને ક્લાઈમેટ સાથે સીધું જ કનેક્શન છે. 15 વર્ષમાં દિલ્હીમાં જૂનમાં આટલો વરસાદ પડ્યો નથી
IMD ડેટા અનુસાર, છેલ્લા 15 વર્ષમાં દિલ્હીમાં જૂન મહિનામાં આટલો ભારે વરસાદ પડ્યો નથી. હીટવેવ પૂરની સ્થિતિ સર્જવામાં પણ યોગદાન આપે છે. કેમકે ગરમ હવા વધુ ભેજ વહન કરવા સક્ષમ હોય છે અને તેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ જોવા મળે છે. મહત્વની બાબત એ છે કે ભારે વરસાદ ટૂંક સમયમાં જ પડી જાય છે અને જળબંબાકારની સ્થિતિ પેદા કરે છે. મોસમના 800 મિમિ સામે 24 કલાકમાં જ 25% વરસાદ
દિલ્હી સરકારે શુક્રવારે ભારે વરસાદ પછી જાણકારી આપી હતી કે જળબંબાકારની સ્થિતિનો સામનો કરવા તંત્ર તૈયાર છે. પરંતુ હકીકત એ છે કે આટલો ભારે વરસાદ છેલ્લા 90 વર્ષમાં પડ્યો નથી. વાસ્તવમાં, દિલ્હીમાં ચોમાસાની મોસમમાં લગભગ 800 મિમિ વરસાદ પડે છે પણ છેલ્લા 24 કલાકમાં જ દિલ્હીમાં આનો 25% વરસાદ પડી ગયો. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 228 મિમિ વરસાદ ખાબક્યો હતો. ક્લાઈમેટ ચેન્જના લીધે ભારે વરસાદની ઘટનાઓ વધશે ચોમાસાની અનિયમિત પેટર્નનો સામનો કેવી રીતે કરવો વેટ બલ્બ ટેમ્પરેચર શું છે? જ્યારે પણ આપણે ગરમીની વાત કરીએ છીએ, ત્યારે આપણે સામાન્ય રીતે તે દિવસના તાપમાનને જોતા હોઈએ છીએ. આમાં હવામાં હાજર ભેજ માપવામાં આવતો નથી. ગ્લોબલ વોર્મિંગ સાથે આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી સતત ગરમ થઈ રહી છે, પરંતુ ગરમીની સાથે ભેજ પણ વધી રહ્યો છે. વેટ બલ્બ ટેમ્પરેચરમાં ગરમીની સાથે ભેજનો પણ સમાવેશ થાય છે. વેટ બલ્બનું નામ તેને માપવાની રીત પર આધારિત છે. આ માપવા માટે એક ભીના કપડાને થર્મોમીટર બલ્બ પર લપેટીને હવા ફૂંકવામાં આવે છે. થર્મોમીટરનો બલ્બ એક તાપમાન સુધી ગરમ છે તો ઉપરથી નીકળતી હવા તે તાપમાનને અમુક અંશે ઘટાડી દે છે. ભીના કપડા ઉપરથી નીકળતી હવાથી થર્મોમીટર પરનું તાપમાન જેટલું ઘટશે, તેને જ વેટ બલ્બ ટેમ્પરેચર કહેવામાં આવે છે. જ્યારે વાતાવરણનું વેટ બલ્બ ટેમ્પરેચર ઓછું થાય છે, તેનો અર્થ એ થાય છે કે હવા ગરમ છે અને બાષ્પીભવન એટલે કે પાણીને શોષવાની ક્ષમતા વધારે છે. તે જ સમયે વેટ બલ્બ ટેમ્પરેચર વધારે હોવાનો મતલબ હવામાં ભેજ વધુ છે. વિશ્વમાં વેટ બલ્બ ટેમ્પરેચરની સ્થિતિ શું છે?
સાયન્ટિફિક એડવાન્સ જર્નલના એક અભ્યાસ મુજબ સમગ્ર વિશ્વમાં 1979માં જેટલી ભેજવાળી હીટવેવ હતી, આજે તેની સરખામણીમાં બમણું થઈ ગયું છે અને 2060 સુધીમાં તે વધુ બમણું થવાની ધારણા છે. ભારત ઉપરાંત ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને આફ્રિકાના કેટલાક વિસ્તારો હીટવેવના સંદર્ભમાં સૌથી વધુ જોખમી છે. પાકિસ્તાનના જેકોબાબાદને ભેજવાળી હીટવેવની દૃષ્ટિએ સૌથી ગરમ વિસ્તાર માનવામાં આવે છે. અહીં વેટ બલ્બ તાપમાન ચાર વખત 35 ડિગ્રી સેલ્સિયસ રહી ચૂક્યું છે. સામાન્ય જીવન પર ક્લાઈમેટ ચેન્જની અસર
વધતી ગરમી અને ક્લાઈમેટ ચેન્જની અસર લોકોના સામાન્ય જીવન ઉપર પણ પડશે. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે, 2050માં દરેક 45માંથી 1 વ્યક્તિને માઈગ્રેટ થવાની ફરજ પડશે. IPCCના અંદાજ પ્રમાણે ક્લાઈમેટ ચેન્જના કારણે 2050 સુધી 20 કરોડ લોકો માઈગ્રેટ કરશે. આ આંકડો 1 અબજને પાર પણ થઈ શકે છે. આ લોકો ક્લાઈમેટ ચેન્જના કારણે પોતાની નોકરી છોડીને બીજી જગ્યાએ જશે તો તેમને ક્લાઈમેટ રિફ્યૂજી અથવા ક્લાઈમેટ માઈગ્રેન્ટ્સ કહેવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.