ભાદરવી પૂનમનો મેળો : હૃદયરોગના દર્દીઓએ ખાસ સાવચેત રહેવું - At This Time

ભાદરવી પૂનમનો મેળો : હૃદયરોગના દર્દીઓએ ખાસ સાવચેત રહેવું


અમદાવાદ, ગુરુવારશક્તિપીઠ અંબાજી
ખાતે ૫ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો
મેળો યોજાઇ રહ્યો હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. અમદાવાદથી ૬૦ જેટલા સંઘોમાંથી સેંકડો
શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમના મેળા માટે રવિવારથી અંબાજી માટેની પદયાત્રાનો પ્રારંભ કરશે.  જોકે, તબીબોના મતે હૃદયની સમસ્યા ધરાવનારા કે પરિવારમાં
હૃદયરોગની હિસ્ટ્રી હોય તેવા પદયાત્રીઓએ સંપૂર્ણ હેલ્થ ચેક અપ તેમજ ટ્રેડ મિલ ટેસ્ટ
કરાવ્યા બાદ જ પદયાત્રામાં ભાગ લેવો જોઇએ. કોરોનાને પગલે
છેલ્લા બે વર્ષથી ભાદરવી પૂનમનો મેળો યોજાઇ શક્યો નહોતો. હવે જનજીવન પૂર્વવત્ થતાં
ભાદરવી પૂનમના મેળા માટે માઇભક્તોમાં આ વખતે અનેરો ઉત્સાહ છે. અલબત્ત, કોરોના થવાથી
અનેક લોકોના ફેફસાં નબળા પડયા છે અને હૃદયરોગનો હુમલો આવવાના પ્રમાણમાં પણ વધારો થયો
છે. આ સ્થિતિમાં અંબાજી જતાં પદયાત્રીઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ તેવી હૃદયના નિષ્ણાત
ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી છે. ડોક્ટરના મતે ૩૫થી વધુ ઉંમરની વ્યક્તિ ફૂલ બોડી
ચેક અપ કરાવ્યા બાદ જ પદયાત્રા કરવી હિતાવહ છે.તાજેતરના સમયમાં
યુવાનોમાં વ્યક્તિમાં હૃદયરોગના હુમલા આવવાની સમસ્યામાં સતત વધારો થઇ રહ્યો છે તેમ
જણાવતા યુ.એન. મેહતા ઈન્સ્ટિટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરના ડો. જયેશ પ્રજાપતિએ
ઉમેર્યું કે, 'અગાઉ હૃદયરોગનો હુમલો આવી ચૂક્યો હોય તેમણે પદયાત્રામાં જતાં અગાઉ ડોક્ટરની
સલાહ લેવી જોઇએ. આ ઉપરાંત હૃદયની સમસ્યા હોવા છતાં અનેક વ્યક્તિ પદયાત્રા દરમિયાન નિયમિત
દવા લેવાનું ટાળે છે અને તે યોગ્ય નથી. હૃદયની સમસ્યા ધરાવનારાએ પદયાત્રા દરમિયાન પણ
નિયમિત દવા લેતા રહેવું જોઇએ. ફેમિલી હિસ્ટ્રીમાં હૃદયરોગ થયો હોય એટલે કે હાઇ રિસ્ક
કેટેગરીમાં આવનારા તેવી ૩૦થી વધુ વયની વ્યક્તિએ પણ ખાસ તકેદારી રાખવી જોઇએ. પદયાત્રામાં જતાં
અગાઉ ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો હિતાવહ છે. અનેક વ્યક્તિ એવી પણ હોય છે જેઓ સામાન્ય રીતે
બેઠાડુ જીવન જીવતા હોય છે અને પદયાત્રા વખતે અચાનક વધારે ચાલવાનું શરૃ કરી દે છે. આ
બાબત પણ નુકસાનકારક પુરવાર થઇ શકે છે. પદયાત્રા શરૃ કરતાં અગાઉ બેઠાડુ જીવન જીવતી વ્યક્તિએ
નિયમિત અમુક કિલોમીટર ચાલવાનું શરૃ કરવું જોઇએ. આ ઉપરાંત હૃદય કે બ્લડપ્રેશરની સમસ્યા
હોય તેમણે ભીડવાળી જગ્યા કે જ્યાં ગૂંગળામણ થાય તેવી જગ્યાએ જવાથી ટાળવું. અગાઉ કોરોના
થયો હોય તેમણે પણ ખાસ સાવધાની રાખવી જોઇએ. '  ૪૦થી વધુ ઉંમર
હોય તો નિયમિત હાર્ટ ચેક અપ કરાવવું જરૃરી : ડોક્ટરો

તાજેતરમાં ૪૦થી
વધુ વયની વ્યક્તિમાં હૃદયરોગનો હુમલો આવવાના પ્રમાણમાં વધારો થયો છે. આ અંગે ડોક્ટરોનું
માનવું છે કે 'અદ્યતન જીવનશૈલી, બેઠાડુ જીવન, તણાવ, ફાસ્ટફૂડ જેવા પરિબળો તેમાં મુખ્ય
ભૂમિકા ભજવી રહ્યા છે. ૪૦ની ઉંમર થયા બાદ દરેક વ્યક્તિએ નિયમિત રીતે હાર્ટ ચેક અપ અને
ફૂલ બોડી ચેક અપ, કોલેસ્ટ્રોલ લેવલ ચેક  કરાવતા
રહેવું જોઇએ. જેમના પરિવારમાં હૃદયરોગની હિસ્ટ્રી હોય તેમને ખાસ તકેદારી રાખવાની જરૃર
છે. નિયમિત વોકિંગ, સંતુલિત ડાયેટ પણ ૪૦ની ઉંમર બાદ જરૃરી છે. '


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.