બુલડોઝર જસ્ટિસ રોકવાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:જમિયત-ઉલેમા-એ-હિંદે અરજી દાખલ કરી, આરોપ- મુસ્લિમો ટાર્ગેટ થઈ રહ્યા છે
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર જસ્ટિસ રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવારે સુનાવણી થશે. આ અરજી જમિયત-ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જમિયતે કેન્દ્ર સરકારની સાથે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોને પાર્ટી બનાવી છે. આ પિટિશન જસ્ટિસ બીઆર ગવઈની બેન્ચમાં લિસ્ટેડ છે. અરજીમાં આક્ષેપઃ પીડિતોને બચવાની તક નથી આપી
જમિયતના વકીલ ફારૂક રશીદનું કહેવું છે કે રાજ્ય સરકારો લઘુમતીઓને હેરાન કરવા અને ડરાવવા માટે ઘરો અને મિલકતો પર બુલડોઝરની કાર્યવાહીને પ્રોત્સાહન આપી રહી છે. અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકારોએ પીડિતોને પોતાનો બચાવ કરવાની તક આપી નથી. ઉલટાનું, કાનૂની પ્રક્રિયાની રાહ જોયા વિના પીડિતોને તરત જ સજા તરીકે ઘરો પર બુલડોઝર ચલાવી દીધું. ત્રણ રાજ્યો જ્યાં છેલ્લા 3 મહિનામાં બુલડોઝરની કાર્યવાહી થઈ ઓગસ્ટ 2024: મધ્યપ્રદેશના છતરપુરમાં પોલીસ પર પથ્થરમારો કરનાર આરોપીના ઘરે કાર્યવાહી
21 ઓગસ્ટે મધ્યપ્રદેશના છતરપુરના કોતવાલી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યાના 24 કલાકની અંદર સરકારે 20 હજાર ચોરસ ફૂટમાં બનેલી 20 કરોડ રૂપિયાની ત્રણ માળની હવેલી જમીનદોસ્ત કરી દીધી હતી. જ્યારે તેમની હવેલી તોડી પાડવામાં આવી રહી હતી ત્યારે પણ તેમના પરિવારનો કોઈ સભ્ય અહીં હાજર નહોતો. FIR મુજબ ચારેય ભાઈઓએ ટોળાને પોલીસ પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. ઓગસ્ટ 2024: રાજસ્થાનના ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓને ચાકુ માર્યા બાદ આરોપીના ઘર પર ચાલ્યું બુલડોઝર
ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થીએ બીજાને ચાકુ મારીને ઇજા પહોંચાડી હતી. આ પછી, સમગ્ર શહેરમાં આગચંપી અને હિંસક પ્રદર્શનો થયા. 17 ઓગસ્ટે આરોપી વિદ્યાર્થીના ઘરે બુલડોઝરની કાર્યવાહી થઈ. અગાઉ સરકારની સૂચનાથી વન વિભાગે આરોપીના પિતા સલીમ શેખને ગેરકાયદે વસાહતમાં બનેલું મકાન ખાલી કરવા નોટિસ આપી હતી. જૂન 2024: ઉત્તર પ્રદેશના મુરાદાબાદ અને બલિયામાં 2 આરોપીઓની 6 મિલકતો તોડી પાડી મુરાદાબાદમાં એક પરિણીત મહિલાનું અપહરણ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિના ઘર પર બુલડોઝર ચલાવાયું હતું. અપહરણનો વિરોધ કરી રહેલા મહિલાના માતા-પિતા અને ભાઈને આરોપીઓએ ગોળી મારી દીધી હતી. તે જ સમયે, બરેલીમાં રોટલીના વિવાદમાં એક યુવકને માર મારનાર હોટેલ માલિક જીશાનની હોટેલ જમીનદોસત કરી દેવાઈ હતી. સનીનો જન્મદિવસ 26 જૂને હતો. સનીએ મશાલ હોટલના માલિક જીશાનને 150 રોટલીનો ઓર્ડર આપ્યો હતો. જીશાને માત્ર 50 રોટલી આપી અને 100 રોટલી આપવાની ના પાડી. વિવાદ વધતાં જીશાને તેના સાગરિતો સાથે મળીને સનીને માર મારી હત્યા કરી નાખી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.