હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સ નહીં થાય સસ્તો:જેસલમેરમાં GST કાઉન્સિલની બેઠક; ગુટકા, ગાડી, ઘડિયાળ, શૂઝ મોંઘા થવાની શક્યતા
હાલમાં હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સ પર GSTમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. જીવન વીમા અને આરોગ્ય વીમા પર GST ઘટાડવાની દરખાસ્ત આગામી બેઠક પર મુલતવી રાખવામાં આવી છે. GST કાઉન્સિલની બેઠકમાં ટર્મ ઇન્શ્યોરન્સ, લાઈફ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર ટેક્સ ઘટાડવાનો પ્રસ્તાવ રાજ્યોના વિરોધને કારણે મોકૂફ રાખવામાં આવ્યો છે. કાઉન્સિલે મંત્રીઓને આનો વધુ અભ્યાસ કરવા જણાવ્યું છે. GST કાઉન્સિલની 55મી બેઠક શનિવારે સવારે લગભગ 11 વાગ્યાથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જેસલમેરમાં ચાલી રહી છે. બિહારના નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું- વીમા પર GST ઘટાડવાનો પ્રસ્તાવ આગામી બેઠક સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. આજે બે તબક્કામાં બેઠક યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાની બેઠક સવારે 11 વાગ્યાથી બપોરે 2.45 વાગ્યા સુધી ચાલશે. આ પછી બીજા તબક્કાની બેઠક 4.30 વાગ્યાથી શરૂ થશે. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી સાથે ગોવા, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ, અરુણાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ, વિભાગોના સચિવો ઉપસ્થિત રહ્યા હતા. આર્થિક બાબતો અને ખર્ચ અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ઘણી વસ્તુઓ પર GST દરોમાં ફેરફાર કરવા અંગે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. મંત્રીઓના જૂથની ભલામણોના આધારે કેટલીક વસ્તુઓ પરનો GST ઘટાડવામાં આવશે, જ્યારે લક્ઝરી વસ્તુઓ પર ટેક્સ વધવાની સંભાવના છે. વાંચો મિટિંગમાં શું નિર્ણયો લેવાઈ શકે છે... બોટલબંધ પાણી, નોટબુક, સાઇકલ પર GST દર 18%થી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ
બોટલબંધ પાણી, નોટબુક અને 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાઇકલ પરનો GST 18%થી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ છે. ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવું સસ્તું હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી પર ટેક્સ 18%થી ઘટાડીને 5% કરવામાં આવે એવી શક્યતા છે. એનાથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું સસ્તું થશે. ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓને પણ આનો ફાયદો થશે. નાની પેટ્રોલ-ડીઝલ કાર પર GST વધવાની શક્યતા
GST કાઉન્સિલની બેઠકમાં નાની પેટ્રોલ અને ડીઝલ કાર (12%થી 18%) પર GST વધારવાનો પ્રસ્તાવ લાવવાની સંભાવના છે. જૂનાં અને સેકન્ડહેન્ડ વાહનો પર GST દર વધારીને 6% કરવાનું નિશ્ચિત માનવામાં આવે છે. હાલમાં જૂનાં વપરાયેલાં વાહનો પર 12% GST છે, જે હવે વધારીને 18% કરી શકાય છે. સિગારેટ, ગુટકા સહિત તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વધારવાની વિચારણા
મંત્રીઓના જૂથે ગુટકા અને સિગારેટ સહિત તમામ પ્રકારનાં તમાકુ ઉત્પાદનો પર ટેક્સ રેટ વધારવાની ભલામણ કરી છે. તમાકુની બનાવટો પર ટેક્સ રેટ 28થી વધારીને 35 ટકા કરવાનું સૂચન છે. એની દરખાસ્ત GST કાઉન્સિલમાં મૂકવામાં આવશે. આના પર GSTમાં વધારો થવાની સંભાવના છે. આ સિવાય બ્રાન્ડેડ શૂઝ અને ઘડિયાળો વધુ મોંઘાં થશે. GST કાઉન્સિલની બેઠકમાં રૂ. 15 હજારથી વધુ કિંમતના બ્રાન્ડેડ શૂઝ અને રૂ. 25 હજારથી વધુની કિંમતની ઘડિયાળો પર ટેક્સ વધારવાની મંજૂરી મળવાનું નિશ્ચિત માનવામાં આવે છે. 15 હજાર રૂપિયાથી વધુ કિંમતના શૂઝ પર GST 18%થી વધારીને 28% કરવાનો અને 25 હજાર રૂપિયાથી વધુ કિંમતની ઘડિયાળ પર 28% GST લાદવાનો પ્રસ્તાવ છે. શુક્રવારે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે અહીં આગામી કેન્દ્રીય બજેટ 2025-26 માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (વિધાનસભાઓ સહિત) સાથે પૂર્વ-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.