30ના મૃત્યુ બાદ 8 ગેમ ઝોનના સંચાલક સામે ગુનો નોંધાયો
ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરી
શહેરના નાનામવા વિસ્તારના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં 30 લોકોના મૃત્યુ થયાની ઘટના બાદ શહેર પોલીસ તંત્ર જાગ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન પર દરોડા પાડી 8 ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
ક્રાઇમ બ્રાંચની ટીમ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી અને જ્યાં ગેમ ઝોન ચાલતા હોય ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુવાડવા રોડ પર બોમ્બે સુપર મોલમાં ચાલતા વર્લ્ડ ઓફ વન્ડરમાં પોલીસે તપાસ કરતાં સંચાલક દ્વારા આ અંગેની મંજૂરી મેળવવામાં આવી નહોતી તેમજ ફાયર સેફ્ટીની પણ પૂરતી સુવિધા નહીં હોવાનું ખૂલતાં આ ગેમ ઝોનના સંચાલક રણુજા સોસાયટીમાં રહેતા ભરત રામ ખાચર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં ચાલતા પ્લે પોઇન્ટ ગેમ ઝોનના સંચાલક રાજનગરમાં રહેતા હિતેષ રામ ઓડેદરા, કાલાવડ રોડ પર સરિતાવિહાર રોડ પર ચાલતા નોક આઉટ ગેમ ઝોનના સંચાલક મવડીના શ્યામ પાર્કમાં રહેતા દિવ્યેશ ધીરૂ કાકડિયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા અંદર ચાલતા ગેમ ઝોનમાં પણ નિયમોનો ઉલાળિયો જોવા મળતાં તેના સંચાલક ગાયત્રીનગરમાં રહેતા અંકિત લાલજી બોઘાણી સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
કાલાવડ રોડ પર ઇન્ફિનિટી ગેમ ઝોનમાં પણ પોલીસની તપાસમાં લાપરવાહી બહાર આવી હતી અને આ ગેમ ઝોનના સંચાલક આત્મીય કોલેજ પાછળની નંદનવન સોસાયટીમાં રહેતા રાજ પરાગ રૈયાણી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર કટારિયા ચોકડીથી થોડે દૂર ગીર ગામઠી રેસ્ટોરન્ટ સામે ચાલતા ફન બ્લાસ્ટ એન્ટરટેનમેન્ટ એલ.એલ.વી. ગેમ ઝોન પર પોલીસ ખાબકી ત્યારે ત્યાં પણ આ અંગેની જરૂરી મંજૂરી નહીં હોવાનું તેમજ આકસ્મિક સમયે માનવ જિંદગી બચાવી શકાય તેવી વ્યવસ્થા નહીં હોવાનું ખૂલતાં તેના સંચાલક અમીનમાર્ગ પરની ગુલાબવાટિકામાં રહેતા આશિષ નરેશ રાઠોડ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક આવેલા વુપી વર્લ્ડ ગેમ ઝોનમાં પણ બેદરકારી જોવા મળતાં તેના સંચાલક બેડીપરામાં રાજમોતી મિલ પાછળ રહેતા પંકજ છગન ખોખર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કુવાડવા રોડ પર ક્રિષ્ના વોટરપાર્કમાં પણ પોલીસની તપાસમાં ભાંડાફોડ થયું હતું અને તેના સંચાલક ક્રિષ્ના વોટરપાર્ક સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા તન્મય કાનદેવ મુખર્જી સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.