જસદણ, વિંછીયા તાલુકામાં ધાર્મિક સ્થળને જોડતા રસ્તાઓ પાકા બનશે : મંત્રી કુંવરજીભાઈ બાવળીયા.
આટકોટ મહાસતિ લોયણ, કનેસરા કંનનાથ મહાદેવ અને અમરાપુર-સતરંગ જગ્યાના રસ્તાઓનું નવિનીકરણ થશે.
(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ અને વિંછીયા તાલુકાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સૂચનોને ધ્યાને લઈ રાજયના માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક રોડ-રસ્તાના કામો માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ધાર્મિક સ્થળોને જોડતા કામોને જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ મહાસતિ લોયણ માતાના મંદિરે જવા માટેના નોનપ્લાન(કાચા) રસ્તા ઉપર ડામર કામ કરવા અને કનેસરા ગામે આવેલ કંનનાથ મહાદેવ મંદિરે જવા નોનપ્લાન (કાચા) રસ્તાઓને પાકા બનાવવા અને વિંછીયા તાલુકાના અમરાપુર ગામે આવેલ સતરંગધામના જર્જરીત થયેલા રસ્તા ઉપર રીકાર્પેટ કરવા માટે આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, અને પ્રસંગોપાત દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ દ્વારા લાંબા સમયથી પાકા રોડની સુવિધા મળવા માટેની રજુઆતને ઘ્યાને લઈ કામને જોબ નંબર ફાળવવા ધારાસભ્ય બાવળીયા દ્વારા ભલામણ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગે (૧) આટકોટ મહાસતિ લોયણ માતાજીના મંદિર તરફના ૧ કિ.મી.ના એપ્રોચ રોડ માટે રૂા. ૮૫/ લાખ (૨) કનેસરા કંનનાથ મહાદેવ મંદિર તરફના ૧ કિ.મી.ના એપ્રોચ રોડ માટે રૂા. ૭૦/લાખ (૩) વિંછીયાના સતરંગ મંદિર તરફના ૧.૫૦ કિ.મી.ના એપ્રોચ રોડ માટે રૂા. ૭૫/લાખ મળી કુલ ૨૩૦ લાખની રકમ મંજુર કરવામાં આવી છે. જસદણ અને વિંછીયા તાલુકામાં આવેલા ધાર્મિક સ્થળને જોડતા રસ્તાના કામો મંજુર થતાં શ્રધ્ધાળુઓને આગામી દિવસોમાં સારી ગુણવતાવાળા અને વધુ ટકાઉ રોડ-રસ્તાની સુવિધાઓ મળતી થશે. આ કામોને જોબ નંબરો મળતા ટેકનીકલ-વહીવટી કામગીરી વહેલી તકે પુરી કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જવાબદાર અધિકારીને સૂચના આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.