મોબાઈલમાં આઈડી પર કસીનોનો જુગાર રમતો યુવાન પકડાયો - At This Time

મોબાઈલમાં આઈડી પર કસીનોનો જુગાર રમતો યુવાન પકડાયો


રાજકોટમાં પોલીસની ધોંસ વધી જતાં સટોડિયાઓ ટેલિફોન ઉપર સટ્ટો લેવાનું બંધ કરી ટેક્નોલોજી સાથે કદમથી કદમ મીલાવતાં પંટરોને આઈડી મારફતે જુગાર રમાડી રહ્યા છે. અત્યારે આ દૂષણ એટલી હદે વ્યાપી જવા પામ્યું છે કે તેની કલ્પના જ કરવી ઘટે. જો કે પોલીસ દ્વારા ગણ્યાગાંઠ્યા આઈડી જુગાર પકડીને સંતોષ માની લેવામાં આવે છે તે પણ વરવી વાસ્તવિકતા છે. આવો જ એક આઈડીનો જુગાર ક્રાઈમ બ્રાન્ચે મુરલીધર સ્કૂલ પાસેથી પકડી જુગારીની ધરપકડ કરી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મવડી ગામ પાસે આવેલા સોરઠીયા પ્રસંગ હોલ પાસે કિશાન પાર્ક નજીક મુરલીધર સ્કૂલ પાસે મોબાઈલમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહેલા મહેશ ચતુરભાઈ મેઘાણી (ઉ.વ.42)ને ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ચૌહાણે પકડીને તેના મોબાઈલની તલાશી લેતામાં તેમાંથી ‘ઓલપેનલ’ નામનું જુગાર આઈડી મળી આવ્યું હતું.
જેમાં મહેશ ઓનલાઈન કસીનો મતલબ કે પત્તાના જુગારના સોદાઓ કરી રૂપિયાની હારજીત કરી રહ્યો હતો. પોલીસે મહેશની ધરપકડ કરી તેની પાસે રહેલા સેમસંગ ગેલેક્સી કંપનીના ઝેડ ફોલ્ડ-3 મોડલનો મોબાઈલ અને રોકડ મળી કુલ રૂા.34500નો મુદ્દામાલ કબજે કરી તેની પાસે આઈડી ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.