ગુજરાત પ્રવાસન નિગમ તથા અતુલ્ય વારસા દ્વારા વડનગર ખાતે હેરિટેજ વોક યોજાઈ - At This Time

ગુજરાત પ્રવાસન નિગમ તથા અતુલ્ય વારસા દ્વારા વડનગર ખાતે હેરિટેજ વોક યોજાઈ


ગુજરાત પ્રવાસન નિગમ તથા અતુલ્ય વારસા દ્વારા વડનગર ખાતે હેરિટેજ વોક યોજાઈ

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડનગર ખાતે હેરિટેજ વોકની વિકાસ કામગીરી ચાલી રહી છે જેના ભાગ રૂપે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને અવાર-નવાર હેરિટેજ વોક કરાવવામાં આવે છે, જેમાં વડનગર આઈ. ટી. આઈ. સાથે સંકલન કરીને હેરિટેજ વૉક યોજવામાં આવી હતી, ૧૦૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ વિદ્યાર્થીઓ એ બૌધ મઠ થી હેરિટેજ વોક શરુ કરીને કીર્તિ તોરણ સુધી વડનગરના ૨૫૦૦ વર્ષનો ઈતિહાસ જાણ્યો હતો. આ હેરિટેજ વોક ગુજરાત પ્રવાસનના ટ્રેઈન્ડ ગાઇડ દ્વારા કરાવવામાં આવી હતી. આ વોક દરમિયાન નગરમાં તથા આસપાસના ગામોમાં રહેતા વિદ્યાર્થીઓએ અજાણી વાતો જાણી હતી, મંદિર સ્થાપત્ય, શર્મિષ્ઠા તળાવનો ઈતિહાસ અને રચના, તાના રીરી બહેનોની ગાથા, કીર્તિ તોરણની રચના અને ગુજરાતમાં આવેલા કીર્તિ તોરણ, કિલ્લેબંધ નગર અને દરવાજાનું મહત્વ, જૂના કોતરણી વાળા મકાનો અને તે બનાવવા પાછળનું કારણ વગેરે વિશે જાણકારી મેળવી હતી.

વડનગર હેરિટેજ વોક શા માટે?
વડનગર એક ઐતહાસિક નગર છે, જેનો ૨૫૦૦ વર્ષ જુનો ઈતિહાસ અહીં જોવા અને જાણવા મળે છે. હેરિટેજ વોક દ્વારા કોઇ પણ શહેર/નગરનો ઈતિહાસ, સંસ્કૃતિ, સ્થાપત્ય અને તેનો વારસો ખૂબજ ઓછા સમયમાં જોઈ અને જાણી શકાય છે. આ દરમિયાન એક નક્કી કરેલ રૂટ પર આવનાર પ્રવાસી ચાલતા ચાલતા નગરના લોક જીવનને પણ ખૂબજ નજીકથી અનુભવતા હોય છે.
આ હેરિટેજ વોકના અનુસંધાને આગામી સમયમાં ઐતહાસિક પરિપ્રેક્ષ્યમાં ગુજરાતી અને અંગ્રેજીમાં નગરના ઈતિહાસને રજૂ કરતી માહિતી સભર બ્રોશર રજૂ કરવામાં આવશે. તથા વિવિધ સ્થળોએ જરૂરી જાણકારી મળી રહે તે હેતુથી બે ભાષામાં માહિતી વાળા સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. જે આગામી સમયમાં ભારતીય તથા વિદેશી પ્રવાસીઓને ખુબ જ ઉપયોગી નિવડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.