માતૃશાળા નું ઋણ અનોખી રીતે ચૂકવતો કાળાસર ગામનો વિરલો એટલે હરદિપભાઈ બી.ધાધલ
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी'
એક જનની અને બીજી જન્મભૂમિ અને ત્રીજી છે માતૃશાળા આ ત્રણેય સૌને વ્હાલી હોય છે. જેના થકી આપણે આ જગતમાં જન્મ લઈ પોષણ પામીને જીવન ઘડતર નું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. આ ત્રણેય નિસ્વાર્થ ભાવે માણસને જન્મ, પોષણ અને જ્ઞાન આપે છે.એનું પૂરેપૂરું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી.
આજે મારે એક એવા વ્યક્તિની વાત કરવી છે જે આ ત્રણેયનું ઋણ ચૂકવવા હંમેશા તત્પર જ હોય છે.
વાત છે કાળાસર ગામના પ્રથમ નાગરિક એટલે કે ગ્રામપંચાયતના સરપંચના પુત્ર શ્રી હરદીપભાઈ ધાધલ ની કે જે નિસ્વાર્થ ભાવે ગામ, સમાજ અને શિક્ષણ ની સતત સેવા કરી રહ્યા છે.
કાળાસરની માધ્યમિક શાળામાં કાયમ માટે પાણીનો પ્રશ્ન રહેતો હતો. પરિણામે વારંવાર પાણી માટે વલખાં મારવાં પડે એવી સ્થિતિ ઊભી થતી હતી. શાળાના વડા તરીકે પાણી જેવી પાયાની જરૂરિયાત ઊભી કરવાની જવાબદારી મારા શિરે હોય તેથી કાયમ ચિંતા રહ્યા કરે કે હવે શું કરવું? આટલા બધા બાળકોને પીવાનું પાણી ક્યાંથી લાવીશું? સેનીટેશન કે અન્ય વપરાશ માટે શું વ્યવસ્થા કરીશું? પાણી વિના વૃક્ષો મુરજાય છે એનું શું કરવું? આવા અઢળક પ્રશ્નો વચ્ચે યાદ આવ્યું કે હરદિપભાઈ નો કોન્ટેક્ટ કરું તો કઈક રસ્તો નીકળશે. માત્ર એક ફોન કોલ કર્યો અને ભાઈ નો જવાબ મળ્યો કે...' બેન, પાણીનો બોર કરાવી લઈએ તો જ પાણી નો પ્રશ્ન હલ થશે.' પણ ગ્રાન્ટેડ શાળાની આવક મર્યાદા માં શાળા આ ખર્ચ ઉપાડી શકે એમ નહોતી એટલે હું કઈ વિચારું એ પહેલાં જ હરદીપભાઈએ કહ્યું ' બેન, હું આ શાળાનો જ વિદ્યાર્થી છું ને આજે મને મારી માતૃશાળાનું ઋણ ચૂકવવાની આ સુવર્ણ તક મળી છે ત્યારે એના ભાગ રૂપે બોરનો તમામ ખર્ચ હું આપીશ. તમે 300 ફૂટ બોર કરાવી નાખો.
આજે શાળાના મેદાનમાં 300 ફૂટ બોર કર્યો હરદીપભાઈની સેવાનિષ્ઠા અને બાળકોના સદભાગ્યે બોર માં ખૂબ પાણી થયું છે. સાથે સાથે શાળાના વડા તરીકે મારામાં પણ કામ કરવાની હિંમત વધી છે.
સંપત્તિ, હોદ્દો અને સ્ટેટસ તો મળી જાય છે. પણ પછી સરળતા અને સહજતાથી આવી મદદની ભાવના જાગવી એ ખૂબ નોંધનીય અને સરાહનીય બાબત બની જાય છે. શાળા પરિવાર વતી હું પારૂલબેન ખડદિયા આપનો હૃદયપૂર્વક આભાર માનું છું અને કાયમ આપની ઋણી રહીશ.
- આચાર્યા શ્રી પારૂલબેન ખડદિયા
શ્રીમતિ એસ.બી.ગાર્ડી વિદ્યાલય કાળાસર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.