ઉઘરાણીના ડખ્ખાનું સમાધાન કરવા ગયેલા ચિરાગ પોકિયા પર ધોકાવાળી તેમજ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ: ત્રણેક શખ્સો રાઉન્ડઅપ
રાજકોટઃ શહેરમાં શનીવારે રાત્રે ઢેબર રોડ પર વીરાણી અઘાટમાં લગ્ન પ્રસંગમાં કરાયેલા ડેકોરેશનના પૈસાની ઉઘરાણી મામલે બઘડાટી બોલી જતા ફાયરિંગ થતા અને ધોકાવાળી થતા પોલીસે સામસામે હત્યાની કોશિષના ગુના નોંધવા કાર્યવાહી કરી છે. જેને ફાયરિંગમાં ઇજા થઇ છે તેની ફરિયાદ લેવાની બાકી છે. જ્યારે એક પક્ષે ધોકાવાળી થતા ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનની ફરિયાદ પરથી ફાયરિંગમાં ઘાયલ થયેલા યુવાન સહિત 6 સામે ગુનો દાખલ થયો છે. આ ઘટનામાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે. ક્રાઈમબ્રાન્ચે ફાયરિંગના ગૂનામાં ત્રણ શખસોને ઉઠાવી લીધા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ એસ્ટ્રોન સોસાયટીમાં રહેતો કેયુર રસીકભાઈ લુણાગરીયા (પટેલ) (ઉ.વ.૩૮) નામનો કારખાનેદાર યુવાન શનિવારે રાત્રે મિત્ર પ્રતિક પોકીયા સાથે પ્રતિકનાના વીરાણી અઘાટ પ્લોટ ન.૭ બાલાજી એન્ટરપ્રાઇઝ પાસે કારખાને બેઠા હતા તે દરમિયાન ચિરાગ કાનજીભાઈ પોકીયા, રાહીલ ગજેરા અને અક્ષય ગજેરા સહિતનાઓએ ધસી આવી ઝઘડો કરી ચિરાગે તેના પરવાનાવાળા હથિયારમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરતા કેયુર લુણાગરિયાને ઈજા ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. તે હજુ ભાનમાં ન હોઈ તેની ફરિયાદ નોંધવાની બાકી છે. જયારે સામા પક્ષે ચિરાગે પણ પોતાના ઉપર કેયુર અને પ્રતિક સહિતનાઓએ ધોકા-પાઈપ વડે હૂમલો કર્યાની ફરીયાદ કરતા પીઆઈ એલ.એલ. ચાવડા, પીએસઆઇ આર.એન. હાથલીયા, નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે ચીરાગ કાનજીભાઇ પોકિયા (પટેલ) (ઉવ.૨૬ રહે.પુનીત સોસાયટી રામેશ્વર ચોકઝ પુનીત સોસાયટી મેઇન રોડ)ની ફરિયાદ પરથી (૧) પ્રતીક દિનેશભાઇ ટોપીયા તથા (૨) પ્રતીક ગઢીયા (૩) હાર્દીક સોજીત્રા (૪) કેયુર લુણાગરીયા (૫) મીત તથા (૬) દિવ્યરાજ (રહે.તમામ રાજકોટ) વિરુદ્ધ IPC કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કર્યો છે.
ચિરાગે પોલીસને જણાવ્યું છે કે મારા મિત્ર વત્સલના લગ્નના ડેકોરેશનનુ કામ આરોપી પ્રતિક ટોપીયાએ કર્યું હોઇ તે ડેકોરેશન હિસાબના રૂપીયા ૩૫,૦૦૦ વત્સલ પાસે લેવાના નીકળતા હોઈ તે રૂપીયાની ઉઘરાણી કરવા આરોપી પ્રતીક મારા મિત્ર વત્સલને ગાળો આપતો હોઇ જેથી વત્સલ તથા તેના મિત્ર રાજ બન્નેએ આ વાત મને (ચિરાગને) કરતા હું તથા મિત્રો રૂચીત ત્રાપસીયા તથા વસીમ સમાધાન માટે પ્રતિકના કારખાને જતા તમામ આરોપીઓએ એક સંપ થઇ મંડળી રચી ધોકાથી હુમલો કરતા મને ગંભીર ઇજા થઇ હતી.
ચિરાગે એફઆઈઆરમાં જણાવ્યુ છે કે હું મારા કુટુંબ પરીવાર સાથે રહું છુ અને પટેલનગર શેરી નં-૬માં સિતારામ મેટલના નામથી કારખાનું રાખી વેપાર કરુ છુ. મારી પત્નીનું નામ પાયલ છે. એક વર્ષ પહેલા મારા લગ્ન થયેલ છે. મારા મીત્ર વત્સલના ગયા મે મહીનામાં થયા છે. તેના લગ્નનું ડેકોરેશન પ્રતિક દીનેશભાઇ ટોપીયાએ કરેલ હોઇ તેના રૂપીયા પ્રતિકને લેવાના હતા. પ્રતિક ઉઘરાણી માટે વત્સલને જેમ ફાવે તેમ ગાળો બોલી ઉઘરાણી કરતો હોઇ જેથી મીત્ર વત્સલ તથા તેનો મીત્ર રાજ બન્નેએ મને સાંજના પાંચેક વાગ્યે કહેલ કે પ્રતિક ટોપીયાને મારે રૂપીયા ૩૫,૦૦૦ લગ્ન ડેકોરેશનના આપવાના છે, તે રૂપીયા માટે જેમ ફાવે તેમ વત્સલને ગાળો આપે છે. આથી મેં આ વત્સલ તથા રાજ બન્નેને જણાવેલ કે, આપણે આ મેટર સમાધાન કરી પુરી કરી નાખીએ. ત્યાર બાદ શનિવારે તા. ૨૩/૦૭ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં મેં આ પ્રતિક ટોપીયાને મોબાઇલ ફોન કરેલ ત્યારે તેને મને લાલપાર્કથી આગળ વિરાણી અઘાટ પ્લોટ નં- ૭માં આવેલ તેના બાલાજી એન્ટરપ્રાઇઝ કારખાને બોલાવેલ. જેથી હું તથા મારી સાથે મારા મીત્ર રૂચીત ત્રાપસીયા તથા વસીમ એમ ત્રણેય મોટર સાયકલ ઉપર સવા દસેક વાગ્યાના અરસામાં આ પ્રતિક ટોપીયાના બાલાજી એન્ટરપ્રાઇઝ કારખાને ગયેલ તો ત્યા આ પ્રતિક દીનેશભાઇ ટોપીયા, તેની સાથે હાર્દીક સોજીત્રા, કેયુર લુણાગરીયા, પ્રતિક ગઢીયા, મીત તથા દીવ્યરાજ એમ બધા હાજર હતા. અમે આ બધા સાથે કાઇ વાતચીત કરીએ તે પહેલાજ આ બધાએ એક સંપ જઇ મારી ઉપર સીધો હુમલો કરતા રૂચીત તથા વસીમ ત્યાથી ભાગી ગયેલ અને પ્રતિક ટોપીયાએ લાકડાનો ધોકો લઇ હુમલો કરી ડાબા પગમાં આડેધડ મારી દેતા હું પડી ગયેલ અને પ્રતિક ગઢીયા તથા હાર્દીક સોજીત્રાએ પણ મને વાસામાં તથા શરીરે માર મારવા લાગેલ અને તેની સાથેના કેયુ૨ તથા મીત અને દીવ્યરાજે મને ઢીકા પાટુનો મુઢ માર મારેલ. આ દરમ્યાન મારી પાસે મારી પરવાના વાળી પીસ્ટલ હોઈ તે પીસ્ટલથી મે પણ ફાયરીંગ કરેલ હતા. ત્યા બધા માણસો ભેગા થઇ ગયેલ હતા અને કોઇએ પોલીસની ગાડી બોલાવતા મને વધુ મારથી બચાવેલ અને મને પોલીસ સ્ટેશન અને ત્યાર બાદ અહી સીવીલ હોસ્પીટલ સારવારમાં લાવ્યા હતા. મારા ડાબા પગમાં ફ્રેકચર હોવાનું તેમજ જમણા પગમાં ઇજા હોવાનું તથા વાસાના ભાગે પણ ઇજા થઈ છે. આ લોકોએ મને મારી નાખવાની કોશીશ કરી હોઈ તમામ સામે ફરિયાદ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.