શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ભાવનગરના શિહોર ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી - At This Time

શિક્ષણમંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ભાવનગરના શિહોર ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી


• *આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે*

• *સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે*

: મંત્રીશ્રી ડૉ‌.કુબેરભાઈ ડિંડોર
------
*42 જેટલાં અધિકારીઓ-કર્મયોગીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું*
---

માહિતી બ્યુરો, ભાવનગર

ભાવનગર‌ જિલ્લાના શિહોર તાલુકાના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આદિજાતિ વિકાસ અને શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી બાદ મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી

મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે
76મા પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે,આજના પાવન દિવસે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને કોટિ-કોટિ નમન કરું છું. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર-નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ બધા નામી- અનામી શહીદોને હું ભાવપૂર્વક અંજલિ આપું છું.આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ-નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરુપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું કે,આપણું બંધારણ આપણી લોકશાહીનો પાયો છે. બંધારણની પ્રસ્તાવનામાં જે આદર્શો રજૂ કરવામાં આવ્યા છે તે એકબીજાને પૂર્ણ કરે છે. તેની શરૂઆત "આપણે, ભારતના લોકો" શબ્દોથી થાય છે, જે આપણી લોકશાહીનો આત્મા છે.આપણું બંધારણ વિશ્વભાતૃત્વ અને સર્વ-કલ્યાણની ભાવના પર આધારિત છે. તેમાં દરેક નાગરિકના મૂળભૂત હક અને ફરજોનો ઉલ્લેખ છે, જે સર્વસમાવેશક વિકાસ માટે જરૂરી છે. મને વિશ્વાસ છે કે ૭૫ વર્ષની લોકશાહી યાત્રામાં આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે ઘણી પ્રગતિ કરી છે. લોકશાહીના આ સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં પણ મજબૂત બને તે માટે આપણે બધાએ પ્રયત્ન કરવા જોઈએ. ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાના માર્ગે બ્રિટિશ શાસનને હટાવ્યું અને દુનિયાને પ્રેરણા આપી. સરદાર પટેલે પોતાની કુશળતાથી અખંડ ભારતના નિર્માણનો માર્ગ મોકળો કર્યો. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ અને બટુકેશ્વર દત્ત જેવા ઘણા ક્રાંતિકારીઓએ આઝાદી માટે પોતાના પ્રાણ આપ્યા.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સૌરાષ્ટ્રનાં દેશી રજવાડામાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. પ્રજાને જવાબદાર રાજતંત્ર આપનારા સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં ભાવનગર પ્રથમ હતું. કૃષ્ણકુમારસિંહજી એક પ્રજાવત્સલ રાજવી હતા. તેમણે શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના ઉત્કર્ષ માટે ઘણા કાર્યો કર્યા. તેમણે ભાવનગરમાં ઘણી શાળાઓ, હોસ્પિટલો અને પુસ્તકાલયો બંધાવ્યા. તેમણે ખેડૂતોનું દેવું માફ કર્યું અને તેમને સહાય આપવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી. હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું.

મંત્રીશ્રીએ કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે સારું શિક્ષણ વ્યક્તિ અને સમાજ બંનેના વિકાસ માટે જરૂરી છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની ઇચ્છા હતી કે, આપણી શૈક્ષણિક સંસ્થાઓ જ્ઞાન, સારા ચારિત્ર્ય અને રાષ્ટ્ર નિર્માણના કેન્દ્રો બને.

આપણે સૂર્ય અને પવન જેવી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારી રહ્યા છીએ અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદ કરી રહ્યા છીએ. પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે પાણી, જમીન અને પર્યાવરણનું રક્ષણ કરી શકીએ છીએ. સાથે સાથે ખેડૂતોની આવક પણ વધારી શકીએ છીએ.

મંત્રીશ્રીએ કહ્યું કે, આજે ટેકનોલોજીનો યુગ છે. ટેકનોલોજીના વિકાસ સાથે સાયબર ક્રાઈમ જેવા નવા ગુનાઓ પણ વધ્યા છે. યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએ.

અમૃતકાળનો આ સમય સૂતાં સૂતાં સપનાં જોવાનો નથી, પણ જાગૃત બનીને પોતાના સંકલ્પ પૂરાં કરવાનો છે. આવનારા 25 વર્ષમાં, પરિશ્રમની પરાકાષ્ઠા, ત્યાગ, તપ અને તપસ્યાથી 25 વર્ષના કાલખંડમાં સપનાઓને સાકાર કરવાના છે. ભાવનગરે ગુજરાતના શિક્ષણ-સાહિત્ય-સંસ્કાર ક્ષેત્રે ગણનાપાત્ર ફાળો આપ્યો છે. વર્તમાન પેઢીને-ખુદ ભાવનગરના ઘણા લોકોને તેની ખબર નથી, પરંતુ ભાવનગરનું આ ક્ષેત્રોમાંનું પ્રદાન ભૂલવા જેવું નથી. તેમ કહી તેમણે સિહોરના ઈતિહાસને વાગોળ્યો હતો.

આ અવસરે મંત્રીશ્રીના હસ્તે વિવિધ વિભાગોના 42 જેટલાં અધિકારીશ્રીઓ-કર્મયોગીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું હતું.

અશ્વ દળ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ તેમજ હોમગાર્ડના જવાનો, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન, એન.સી.સી. કેડેટ્સ દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી હતી.

આ અવસરે સમુહ‌નૃત્ય વંદેભારતી, કચ્છી નૃત્ય રાણો ચીંધ્યો, પિરામિડ-વંદેમાતરમ, કાનુડો કાળજાની કોર, તલવાર રાસ અને મિક્સ સોંગની રંગારંગ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમબાદ મંત્રીશ્રી, કલેકટરશ્રી સહિતના અન્ય મહાનુભાવોએ શિહોર મામલતદાર કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ‌રૈયાબેન મિયાણી,જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા.ઇ.ચા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર,નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ, પ્રાદેશિક નગરપાલિકાની કચેરીના અધિક કલેકટર શ્રી ડી. એન. સતાણી, શિહોર પ્રાંત અધિકારીશ્રી, આમંત્રિત મહેમાનો, પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image