આશાપુરાનગરમાં નશાખોર શખ્સનો આતંક: વૃધ્ધાના ઘર બહાર તોડફોડ કરી ધમકી આપી
આશાપુરાનગરમાં નશામાં ધૂત લખન ધામેલીયા નામના શખ્સે આતંક મચાવી વૃધ્ધાના ઘર આગળ પડેલ ખુરશીમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપતા ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના આશાપુરાનગર શેરી નંબર 12 માં રહેતા રેખાબેન ભુપેન્દ્રભાઈ કાચા(ઉ.વ 62) નામના વૃદ્ધાએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં તેના પાડોશમાં જ રહેતા લખન હરેન્દ્રભાઇ ધામેલીયાનું નામ આપ્યું છે.
વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના 6 વાગ્યા આસપાસ તેઓ ઘરે હતા ત્યારે શેરીમાં રહેતા લખન ધામેલીયા દારૂ પી તેમની પાસે આવ્યો હતો તેમની તથા તેમની બાજુમાં રહેતા ગૌરીબેન રમેશભાઈ વેકરીયા સાથે કોઈપણ કારણ વગર આ લખન ગાળાગાળી કરવા લાગ્યો હતો
જેથી વૃદ્ધાએ 100 નંબરમાં ફોન કરતા લખને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન અહીં લોકો ભેગા થતા લખન અહીં એકત્ર થયેલા તમામને ગાળો દેવા લાગ્યો હતો. બાદમાં ઉશ્કેરાઈ જઈ શેરીમાં પડેલી વૃદ્ધાની ખુરશી પછાડી નુકસાન કર્યું હતું. દરમિયાન અહીં પોલીસ આવી જતા તેમણે આ શખસને અટકમાં લીધો હતો. અને તેની પૂછતાછ કરતા તે નશાની હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ મામલે આરોપી સામે ધમકી, તોડફોડ ઉપરાંત પ્રોહીબિશન એકટનો અલગથી ગુનો નોંધ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.