કોર્ટમાં કેસ પેન્‍ડીંગ હોવા છતાં ગેરકાયદે ઇ-મેમાની વસુલાત કરાતા પોલીસ તંત્રને કાનુની નોટીસ - At This Time

કોર્ટમાં કેસ પેન્‍ડીંગ હોવા છતાં ગેરકાયદે ઇ-મેમાની વસુલાત કરાતા પોલીસ તંત્રને કાનુની નોટીસ


રાજકોટ તા. ર૪ :.. રાજકોટમાં ટ્રાફિક નિયમનના મામલે આડેધડ પોલીસ દ્વારા આકરી ગેરકાયદે કાર્યવાહી કરીને વસુલવામાં આવતા દંડના મુદ્દે આ બાબતે કોર્ટમાં કાર્યવાહી કરનાર એડવોકેટ હેમાંશુ પારેખ વતી રાજકોટના એડવોકેટ ડી. જી. શાહ અને કે. ડી. શાહે કોર્ટમાં દાવો પેન્‍ડીંગ હોય અને તેનો આખરી નિર્ણય આવેલ ન હોય તેમજ છ માસ જુના મેમાની કાયદા મુજબ વસુલાત થઇ શકતી ન હોય તેવી વિવિધ કાયદાકીય જોગવાઇઓનું પાલન પોલીસ દ્વારા કરાતું ન હોય પોલીસ કમિશનરશ્રી રાજકોટ, આસી. પો. કમિ. (ટ્રાફીક) અને ટ્રાફીક પી. આઇ. ને કાનુની નોટીસ પાઠવવામાં આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામેલ છે.
એડવોકેટ કે. ડી. શાહે પોલીસ તંત્રને આપેલ નોટીસમાં જણાવ્‍યું છે કે, હું નીચે સહી કરનાર એડવોકેટ, મારા અસીલો હેમાંશુ એચ. પારેખ એડવોકેટ વિગેરે રાજકોટના વતી અને તેઓની સુચનાથી તમોને આ નોટીસ આપી આખરી તાકીદ કરવામાં આવે છે કે, પોલીસ દ્વારા રાજકોટની જનતાને ટ્રાફીક નિયમન ભંગ અંગે ઇ-મેમો-ઇ-ચલણ મોકલી અને ત્‍યારબાદ સત્તા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે તે ઇ-મેમો માં જણાવેલ દંડ-પેનલ્‍ટીની રકમ ભરવા (વસુલાત સારૂ) ગેરકાયદેસર રીતરસમો અપનાવવામાં આવતા જેને ચેલેન્‍જ કરતો દાવો રાજકોટની દિવાની કોર્ટ માં રે. દિ. મુ. નં. ૭ર-ર૦ર૧ થી દાખલ કરેલ છે. જે હજુ ન્‍યાય નિર્ણય વાસ્‍તે પેન્‍ડીંગ છે.
વધુમાં ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૪૬૮ ની જોગવાઇ મુજબ કોઇપણ દંડનીય રકમ કે પેનલ્‍ટીની વસુલાત માટેની નિર્દિષ્‍ટ સમયમર્યાદા ૬ માસની છે. ત્‍યારબાદ તે રકમ કે કોઇપણ પ્રકારના સરકારી લેણાની વસુલાત થઇ શકતી નથી. વધુમાં ઇ-મેમોની ગેરકાયદેસર વસુલાતને ચેલેન્‍જ કરતી એક ફોજદારી પરચુરણ અરજી કો. પ. અ. નં. ૭ર-ર૦ર૧ થી એડવોકેટ શ્રી ગીરીરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા દ્વારા રાજકોટની ફોજદારી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ જેમાં પણ ફોજદારી કોર્ટે ગત તા. ર૯-૪-ર૦રર ના રોજ આંક-૭ હેઠળ હુકમ કરી સદ્‌્‌રહુ સ્‍પષ્‍ટ હુકમ કરેલ છે.
ફોજદારી કોર્ટ રાજકોટે તા. ર૯-૪-ર૦રર ના રોજ ફો. પ. અ. નં. ૭ર-ર૦ર૧ માં આંક-૭ હેઠળ કરેલ હુકમની એક નકલ આપને પહોંચાડવામાં આવેલ છે, તે સંજોગોમાં ના. કોર્ટના ઉપરોકત હુકમથી આપ સર્વે સુવિદિત છો, એટલે કે આપની જાણમાં છે.
ઉપરોકત તમામ હકિકતો હોવા છતાં આપ સર્વે દ્વારા તાજેતરમાં રાજકોટની જાહેર જનતાના જે કોઇ વાહનોના ઇ-મેમો કે ઇ-ચલણ પેન્‍ડીગ હોય તેઓને તેઓના રજીસ્‍ટર મોબાઇલ નંબર ઉપર એવો મેસેજ મોકલવામાં આવી રહેલ છે.
લોક અદાલતમાં દાખલ કરેલ ઇ-ચલણ કે જેના વાહન નંબર એસઓ છે, એન નોટીસ નંબર છે તેનું પેમેન્‍ટ બાકી છે, કોર્ટમાં તમારી હાજરી ટાળવા માટે તેને તા. ર૬-૬-ર૦રર પહેલા રકમ ચુકવો, જો ચુકવેલ હોય તો આ મેસેજ અવગણશો. ટ્રાફીક વિભાગ, રાજકોટ શહેર પોલીસે મેસેજ ફરતાં કર્યા છે, આમ, આપના દ્વારા જે મેસેજ રાજકોટની કાયદાથી અજ્ઞાત જાહેર જનતાને મોકલવામાં આવી રહેલ છે, તેમાં કયાંય કયાં અને કેટલાં જુના ઇ-મેમો કે ઇ-ચલણની રકમ બાકી છે, તેનો સ્‍પષ્‍ટ ઉલ્લેખ નથી તેમજ અમોને મળેલ માહિતી મુજબ જયારે આ ઇ-મેમો કે ઇ-ચલણ ભરવાનો પ્રયત્‍ન કરવામાં આવે છે ત્‍યારે ૬ માસ જુના એટલે કે મુદત બહારના ઇ-મેમો કે ઇ-ચલણની રકમ ભરવાનો પણ આગ્રહ રાખવામાં આવે છે કે તે રકમ ભરવાનું પણ કહેવામાં આવે છે અન્‍યથા વાહન ડીટેઇન કરવાની ગેરકાયદેસર રીતે ધમકીઓ આપવામાં આવે છે. ઉપરોકત તમામ હકિકત ના. ફોજદારી કોર્ટના ફો. ન. અ. નં. ૭ર-ર૦ર૧ માં ઑક -૭ હેઠળ થયેલ હુકમનો આઉટ રાઇટ ક્રિમીનલ કન્‍ટેમ્‍પ છે. અને તે રીતે રાજકોટની સામાન્‍ય અને કાયદાથી અજ્ઞાત જાહેર જનતાને અનડયુ પ્રેસરાઇઝ કરવામાં આવી રહેલ છે.
ફોજદારી કોર્ટના હુકમ મુજબ અનડીસ્‍પોઝડ મેમો કે જે સમયમર્યાદામાં છે, તેની વસુલાત સારૂ એન. સી. ફાઇલ ન કરવા પડે તે હેતુથી આપના દ્વારા કે આપના તાબાના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી જાહેર જનતાને મેસેજ મોકલી ખોટુ અને ગુન્‍હાહીત દબાણ કરવામાં આવી રહેલ છે.
ઉપરોકત તમામ સંજોગોમાં તમોને આ નોટીસ આપી આખરી તાકીદે કરવામાં આવે છે કે, આ નોટીસ મળ્‍યે તાત્‍કાલીક અસરથી ઇ-મેમોની દંડની વસુલાત વાસ્‍તેની ગેરકાયદેસર રીતરસમો બંધ કરવાની તેમજ જાહેર જનતાને ભરમાવતા ખોટા મેસેજ ફોરવર્ડ કરવાની કાર્યવાહી તાત્‍કાલીક બંધ કરશો અન્‍યથા ના. ફોજદારી કોર્ટના ક્રિમીનલ કન્‍ટેમ્‍પટ અંગે તમો બધા સામે કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેની સ્‍પષ્‍ટ નોંધ લેશો. તેમ નોટીસમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.