200 મતદાન મથકો પર એરકુલર મુકાશે; મતદાનના દિવસે સવારના 5-30 વાગ્યે થશે મોકપોલ - At This Time

200 મતદાન મથકો પર એરકુલર મુકાશે; મતદાનના દિવસે સવારના 5-30 વાગ્યે થશે મોકપોલ


રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સુચારૂ રૂપથી યોજવા માટે જીલ્લા ચૂંટણી તંત્ર હવે પૂર્ણ રૂપે સજજ બની ગયું છે. ચૂંટણીની તૈયારીઓ અંતિમ પડાવમાં પહોંચી જવા પામી છે. આ વખતે ગરમીનો પ્રકોપની મતદાન ઉપર અસર પડવાની સંભાવના રહેલી હોય તેની સામે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.
જેમાં રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના 200 મતદાન મથકો ઉપર એરકુલર મુકાશે તેમજ 192 મતદાન મથકો ઉપર માંડવા નાખી છાંયડાની વ્યવસ્થા ઉભી કરાશે તેમ કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવી ઉમેયુર્ં હતું કે મતદાન કરવામાં મતદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીમાં મતદાનનો સમય સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી નિયત કરવામાં આવેલ છે. મતદાનનો પ્રારંભ થાય તે પહેલા સવારના 5-30 કલાકે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મોકપોલ કરવામાં આવશે. મોકપોલ માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની 15 મીનીટ રાહ જોવાની જોગવાઈ છે. આ 15 મીનીટ દરમ્યાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ન આવે તો તેમની ગેરહાજરીમાં પણ મોકપોલ કરી શકાશે.
આ ઉપરાંત ઈવીએમ મશીનોને ડીસ્પેચીંગ સેન્ટરો પરથી મતદાન મથકો સુધી પહોંચાડવા માટે એસટીની 86 બસો સાથે મ્યુ.કોર્પો.ની 20 ઈલેકટ્રીક બસોને પણ ઉપયોગમાં લેવામાં આવશે તેમ જણાવી કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ ઉમેયુર્ં હતું. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં તમામ મતદાન મથકો પર ઓઆરએસ, તેમજ મેડીકલ કીટને પણ રાખવામાં આવશે.
ઝડપથી મતદાન થાય તે માટે રીઝર્વ સ્ટાફને પણ કામે લગાડવામાં આવશે. આ ઉપરાંત એનસીસીના વોલીયન્ટર્સની સેવા પણ મતદાન મથકો પર લેવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે સુરક્ષા દળની ત્રણ ત્રણ કંપનીઓનું આગમન થઈ ચૂકયું છે.
જેમાં રાજકોટ શહેર માટે બીએસએફની-2 અને સીઆરએફની-1 તેમજ જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે બીએસએફની-2 અને રેલ્વે પ્રોટેકશન ફોર્સની એક કંપનીનું આગમન થઈ ચૂકયું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર સ્લીપનું 87% વિતરણ અત્યાર સુધીમાં કરી દેવામાં આવેલ છે અને સાંજ સુધીમાં બાકીની તમામ સ્લીપોનું વિતરણ પૂર્ણ થાય તેવા પ્રયાસો છે
67 ટકાની આસપાસ મતદાન થવાનો અંદાજ
રાજકોટ લોકસભા બેઠકની આ ચૂંટણીમાં ગત ચૂંટણીની સાપેક્ષમાં મતદાનની ટકાવારી વધારવા માટે જીલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણીપંચ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વખતે 70 ટકા મતદાનો લક્ષ્યાંક રાખવામાં આવી રહ્યો છે પરંતુ ગરમીના પ્રકોપના કારણે મતદાન પર અસર થવાની શકયતા નકારી શકાય તેમ નથી. તેમ છતા જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં ગત ચુંટણીની સાપેક્ષમાં મતદાનની ટકાવારી 3થી 4 ટકા વધે તેવી તેવો અંદાજ છે. 67 ટકા મતદાન થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
રાજકોટ લોકસભા બેઠકના તમામ રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટરો પર કર્મચારીઓ માટે મેડીકલ સુવિધા ઉપલબ્ધ કરાશે તેમ જણાવી કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ ઉમેયુર્ં હતું કે ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓને વેફર-બિસ્કીટ પણ નાસ્તા માટે અપાશે.
લોકસભાની આ ચૂંટણીમાં મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ કમીશનીંગની કામગીરી પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન મથકો માટે એકસ્ટ્રા ઈવીએમ પણ મોકલાશે. જેથી કરીને મતદાન દરમ્યાન કોઈ મશીન ક્ષતિગ્રસ્ત બને તો તાબડતો બીજુ મશીન ઉપયોગમાં લઈ શકાય.
આ ઉપરાંત રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 65 જેટલા દિવ્યાંગોએ ટ્રાન્સપોર્ટ અને વ્હીલલચેરની વ્યવસ્થા મતદાન માટે ઉપલબ્ધ કરાવવા સક્ષમ એપ્લીકેશન મારફત અત્યાર સુધીમાં અરજી કરી છે. આ દિવ્યાંગોને વ્હીલચેર અને ટ્રાન્સપોર્ટની સુવિધા અપાશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.