રાજસ્થાનમાં મા-બાપ 8-10 હજારમાં બાળકોને વેચે છે:દારૂ પીવા માટે મારા પિતાએ મને વેચ્યો, માસૂમોને ગુજરાતમાં મજૂરી માટે લાવનાર દલાલ ભાસ્કર કેમેરામાં કેદ
મને 500 ઘેટાં-બકરાં સાથે વાડામાં આખી રાત બંધક બનાવીને રાખતા હતા...દિવસમાં 25-30 કિલોમીટર પગપાળા ચલાવતા હતા...ભાગવાની કોશિશ કરી તો ગરમ સળિયાથી શરીરમાં ડામ આપતા હતા...પગ એટલા વાંકા થઈ ગયા કે ચાલી પણ શકતો નહીં. આટલું ટોર્ચર સહન કરનાર 8 વર્ષના ગણેશને તેના દારૂડિયા પિતાએ વાર્ષિક લગભગ 18 હજાર રૂપિયામાં દલાલોને સોંપી દીધો હતો. આ માત્ર ગણેશની જ નહીં પરંતુ રાજસ્થાનના ઉદયપુર, સિરોહી, બાંસવાડા અને ડુંગરપુર જિલ્લાનાં સેંકડો ગામનાં હજારો બાળકોની સ્થિતિ છે. ગામમાં બેઠેલા દલાલ ગુજરાતના ફાઇવ સ્ટાર હોટલ, ફેક્ટરી, ફાર્મહાઉસમાં નોકરીના નામે બાળકોની સોદાબાજી કરી રહ્યા છે. બાળકો વેચાયા પછી આ માસૂમો પાસે ફેક્ટરી-ખેતરોમાં બંધકની જેમ કામ કરાવવામાં આવે છે. અનેક બાળકો જીવનમાં ક્યારેય પાછા ફરી શકતાં નથી. થોડાં પાછાં ફરે છે, પરંતુ દિવ્યાંગ બનીને. અનેક માસૂમ બાળકીઓ તો ક્રૂરતાનો શિકાર બનવું પડે છે. બાળકોની ખરીદી-વેચાણનું સત્ય સામે લાવવા માટે ભાસ્કર રિપોર્ટર તે ગામમાં ફેક્ટરીના માલિક બનીને પહોંચ્યા. એવા 4 દલાલોને કેમેરા પર ખુલ્લા પાડ્યા, જે કમિશનની લાલચમાં માસૂમોનું જીવન નરક બનાવી રહ્યા છે. સ્પેશિયલ સિરીઝના પહેલા એપિસોડમાં જુઓ માસૂમ બાળકોની સોદાબાજીનું સંપૂર્ણ સત્ય.... ભાસ્કર રિપોર્ટર ઘટસ્ફોટ માટે ફેક્ટરી માલિક બન્યા દૈનિક ભાસ્કર એપના રિપોર્ટરે ફેક્ટરીના માલિક તરીકે ઉદયપુર અને સિરોહી જિલ્લાનાં ઘણાં ગામોમાં તપાસ કરી. આ દરમિયાન 4 એજન્ટોને મળ્યા. કોઈએ ગુજરાતમાં ટેક્સટાઇલ ફેક્ટરી તો કોઈએ હોટલના માલિક હોવાનું જણાવ્યું. એજન્ટ સામે 7 થી 15 વર્ષના 15 થી 20 બાળકો લીઝ પર ખરીદવાની ઓફર રાખી. 5-6 છોકરીઓ પણ ખરીદવાની વાત કરી. 1. એજન્ટ મોતીલાલઃ બોલ્યો- હું એકસાથે 500 બાળકનો સોદો કરી ચૂક્યો છું. ઉદયપુરના કોટરા અને ઝાડોલનાં ઘણાં ગામોમાં ગયા. ઘણાં દિવસોની તપાસ પછી, એજન્ટ મોતીલાલ સાથે મોબાઈલ નંબર (8003XXX433) પર વાત થઈ. સ્થાનિક ભાષામાં અહીંના એજન્ટોને 'મેટ' કહેવામાં આવે છે. મોતીલાલે ફોન પર વાત થયા પછી ઉદયપુરથી 80 કિલોમીટર દૂર દરમાણા ગામમાં પહાડી પર બનેલાં પોતાના ઘરે બોલાવ્યો. એજન્ટ મોતીલાલ સાથે હિડન કેમેરામાં થયેલી વાતચીતના થોડા અંશ... એજન્ટ: તમે ક્યાંથી આવ્યા છો? રિપોર્ટર: સુરતથી...ત્યાં કાપડની ફેક્ટરી છે. 20-25 બાળકોની જરૂર છે. બધા 15 વર્ષથી નાના હોવા જોઈએ. એજન્ટઃ મળી જશે, કોઈ વાંધો નહીં. રિપોર્ટર: પહેલા અમે બાળકોને જોઈશું. જો તે યોગ્ય લાગશે તો અમે તેને બે વર્ષ માટે લીઝ પર લઈશું. રેડ અને કમિશન શું હશે? એજન્ટ: એક બાળક મહિને 11 હજાર અથવા વર્ષે સવા લાખનું પડશે. દરેક બાળક પર હજાર રૂપિયા મારું કમિશન(પ્રતિ મહિને) રહેશે. રિપોર્ટર: તમે તમારું કામ તો પૂરું કરી શકશો ને? એજન્ટઃ ટેન્શન લેશો નહીં...મેં પહેલાં 500 બાળકોને 4 મહિના માટે ગુજરાતના પાટણમાં મોકલ્યો હતો. કપાસ કપાવવાનો હતો. તેની મજૂરીમાં મારું કમિશન પ્રતિ બાળક દરરોજનું 30 રૂપિયા હતું. અમે ચારથી પાંચ એજન્ટ મળીને એક દિવસમાં 500 બાળકોની વ્યવસ્થા કરાવી દીધી હતી. તમારું કામ તો હું જલદી કરાવી દઇશ. (વિશ્વાસ અપાવવા માટે એજન્ટે ફોન કરીને બે બાળકને બોલાવ્યાં) એજન્ટ: જોઈ લો... આ 8થી 10 વર્ષની ઉંમરનાં 2 બાળક છે. ગુજરાત આવશે. ઇચ્છા હોય તો તમે જ વાત કરી લો. રિપોર્ટરઃ હા, આ જ ઉંમરનાં બાળકો બતાવી દો. પછી ડીલ ફાઇનલ કરીશું. એજન્ટ: પહેલા 8-10 બાળક બતાવી દઉ છું. તેમને ગુજરાત મોકલ્યાં પછી બાકીની વ્યવસ્થા પણ કરાવી દઇશ. બાળકોને દલાલ શું લાલચ આપે છે? કઇ મજબૂરીનો ફાયદો ઉઠાવે છે? આ સવાલોનો જવાબ જાણવો જરૂરી હતો એવામાં અમે એજન્ટ સામે શરત મુકી કે અમે પહેલા તમામ બાળકોને જોઈશું અને પછી જ સોદો કરીશું. સોદો રદ થઈ જશે તેવા ભયથી, દલાલ અમને બાળકોના ઘરે લઈ જવા સંમત થયા. એજન્ટ અમને ડુંગરાળ રસ્તાઓ પરથી કેટલાક કિલોમીટર ચાલીને કાચા મકાનમાં લઈ ગયો. ઘરમાં હાજર એક મહિલા સાથે સ્થાનિક ભાષામાં તેનો પરિચય કરાવ્યો. પછી તેણે કહ્યું કે તેના ઘરમાં કમાવાવાળું કોઈ નથી. મહિલાને 4 દીકરીઓ છે. એક પરિણીત છે. ત્રણમાંથી એક દીકરી બીમાર છે. બે દીકરીઓ ગુજરાત જવા તૈયાર છે. એકની ઉંમર 10 વર્ષ અને બીજી 12 વર્ષની છે. એજન્ટની વિનંતી પર બંને અમારી સામે સંમત થઈ. રૂપિયાની જરૂરિયાતને કારણે માતાને એ પણ જાણવાની ઈચ્છા નહોતી કે અમે તેને ક્યાં લઈ જઈશું અને શું કામ કરાવીશું. 14 વર્ષના બીમાર બાળકે કહ્યું- હું સ્વસ્થ થતાં જ આવીશ આ પછી એજન્ટ નજીકની અન્ય ટેકરી પર લઈ ગયો. ત્યાં ઘણા કાચા મકાનો હતા. એજન્ટે ઝૂંપડીમાં સૂતેલા 14 વર્ષના છોકરા સાથે વાત કરી. કહ્યું- 'અમે તમને 2 વર્ષ માટે ગુજરાત લઈ જઈશું, તમે તૈયાર છો?' સમય બગાડ્યા વિના તેણે હા પાડી. અમે પૂછ્યું- શું તમે ક્યારેય પહેલાં ગયા છો? ત્યારે તેણે જણાવ્યું કે તે 8 વર્ષની ઉંમરે અમદાવાદ ગયો હતો. ત્યાં સળિયા ઉપાડાવતા હતા. વધારે વજન ઉપાડવાથી બીમાર પડ્યા તો માલિકે કાઢી મુક્યા. અત્યાર સુધી ઠીક થઈ શક્યો નથી. કમળાના કારણે માતા-પિતા અને મોટો ભાઈ પણ હોસ્પિટલમાં એડમિટ છે. ઠીક થતાં જ તમારી સાથે આવી જઈશ.. એજન્ટે કહ્યું- હું જ આમનો માલિક એજન્ટ મોતીલાલ અમને બીજા ઘરે લઈ ગયા. આ દરમિયાન તેણે કહ્યું કે અહીંના લોકો બાળકોને શાળાએ મોકલવાને બદલે પૈસા કમાવવા માટે ગુજરાતમાં મોકલે છે. ઘરના 7 વર્ષના બાળક તરફ ઈશારો કરીને તેણે કહ્યું - તેના બંને મોટા ભાઈઓ પણ ગુજરાતમાં છે. આ પણ જશે. જોઈ લો, બાકીના આ જ ઉંમરના બાળકોની વ્યવસ્થા કરાવી દઇશ. અમે એજન્ટને કહ્યું- એકવાર આમના મા-બાપ સાથે વાત કરી લઈએ. જેના જવાબમાં એજન્ટે કહ્યું- અહીં બધા જ બાળકો મારા જ છે. હું જે કહીશ એ જ કરશે. પોલીસની ચિંતા કરશો નહીં, હું અહીંનો નેતા છું: એજન્ટ મોતીલાલ મોતીલાલને પૂછ્યું કે તેઓ બાળકોને ગુજરાત કેવી રીતે લાવશે? તેના પર તેણે કહ્યું- પોલીસની ચિંતા ન કરો. હું બાળકોને તમારા દ્વારા દર્શાવેલ સ્થાન પર મૂકી જઈશ. જો અહીં કોઈ સમસ્યા હોય તો તેઓ મને સમાધાન માટે પોલીસ સ્ટેશને બોલાવે છે. હું અહીંનો નેતા છું. કોઈપણ રીતે પોલીસ અહીં બહુ આવતી નથી. લોકો પોલીસ પર હુમલો કરે છે. એજન્ટ મોતીલાલે કહ્યું- તમામ બાળકોને ફેક્ટરીમાં મોકલવાની જવાબદારી મારી છે. લીઝ ડીલ મુજબ બાળકોને રાખવાના રહેશે. મહિનો પૂરો થતાં જ હું બાળકોનું વેતન વસૂલવા ગુજરાત આવીશ. હું બધા પૈસા રોકડ લઈશ. બાદમાં હું મારી અનુકૂળતા મુજબ તેમના પરિવારના સભ્યોને પૈસા આપતો રહીશ. 2. એજન્ટ બંસીલાલ: કહ્યું- દરેક બાળક પર 500 રૂપિયા મારું કમિશન તપાસ દરમિયાન જ અન્ય એક એજન્ટ બંશીલાલની જાણ થઈ હતી. એજન્ટ બંશીલાલ સાથે ફોન નંબર 982XXX485 પર વાત કરી. તેણે ઉદયપુરના સુખેર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ફેક્ટરી પાસે બોલાવ્યો. અહીં તે ઇવેન્ટમાં ભોજન બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. મજૂરોનો ઠેકેદાર છે. એજન્ટ બંસીલાલ સાથે હિડન કેમેરામાં રેકોર્ડ થયેલી વાતચીતના અંશ… રિપોર્ટરઃ સુરતથી આવ્યા છીએ. લીઝ પર 15થી 20 બાળકની જરૂર છે. એજન્ટ: પહેલા મને એ કહો કે તમે કેટલા પૈસા આપશો? રિપોર્ટર: મને કિંમત જણાવો, અમે એ મુજબ નક્કી કરીશું. એજન્ટ: એક બાળક માટે દર મહિને 10થી 12 હજાર રૂપિયા ખર્ચ થશે. હું 15થી 20 બાળકોની વ્યવસ્થા કરીશ. અહીંના કારખાનામાં કેટલાંક બાળકો કામ કરે છે. ચાલો હું તમને બતાવું. રિપોર્ટર: એક બાળક પર 2 વર્ષના લીઝ માટે કેટલા રૂપિયા ચૂકવવાના રહેશે અને તમારું કમિશન? એજન્ટ: એક છોકરો કે છોકરીના દર મહિને 12,000 રૂપિયા ચૂકવવા પડશે. દરેક બાળક પર મારું કમિશન 500 રૂપિયા હશે. (અમે સોદો સાચો લાગે એ માટે એજન્ટ પાસે થોડા રૂપિયા ઓછા કરવાનું કહ્યું) એજન્ટઃ તમે બાળકદીઠ 12 હજાર રૂપિયા આપો છો. એમાં મારું કમિશન થઈ જશે. ફેક્ટરીની બહાર 15 વર્ષનાં બે બાળક બતાવ્યાં એજન્ટ બંસીલાલ અમને ફેક્ટરીની બહાર લઈ ગયા જ્યાં તેઓ પોતે કામ કરે છે. તેણે ફેક્ટરીની અંદરથી ત્રણ બાળકને બોલાવ્યાં. તેમાંથી બે બાળક 15 વર્ષના અને એક 18 વર્ષનો હતો અને જ્યારે બાળકોને બતાવવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું - મારા ગામ જતા રહો. ત્યાં મારો ભાઈ તમને 10થી 12 વર્ષનાં 15-20 બાળક બતાવશે. જો તમને તે ગમે તો મને જણાવો. આ પછી આગળ ડીલ કરીશું 3. એજન્ટ અર્જુન રામઃ કહ્યું- મેં અગાઉ પણ ઘણી વખત સપ્લાય કર્યા છે સિરોહી અને આબુ રોડમાં ભાસ્કરના પત્રકારો એક અઠવાડિયા સુધી માનકરોરા, ઇસરા, મંદવારા ખાલસા, નિટોરા, ભાવરી અને સ્વરૂપગંજ ગામોની આસપાસ ફર્યા. અહીં એજન્ટ સક્રિય હોવાની નક્કર માહિતી મળી હતી. જ્યારે કેર ગામમાં પ્રવેશ્યા ત્યારે એક 17-18 વર્ષના બાળકે એજન્ટ અર્જુન રામ વિશે કહ્યું. થોડા સમય પછી અર્જુનરામ પોતે ત્યાં પહોંચી ગયો. તેણે જણાવ્યું કે તે ગુજરાતના અંકલેશ્વરમાં કામ કરે છે. ઘણા બાળકો સપ્લાય કર્યા છે. રિપોર્ટર: ફેક્ટરી માટે 15થી 20 બાળકની જરૂર છે. ઉંમર વધારે ન હોવી જોઈએ એજન્ટઃ 10 વર્ષના બાળકોને 7 હજાર રૂપિયા પ્રતિ માસના દરે મળશે. 15 વર્ષના બાળકો 8 હજાર મહિનામાં મળશે. રિપોર્ટર: બાળકો, અમને બતાવો તો જ અમે ડીલ કરીશું. (થોડી રાહ જોયા પછી એજન્ટ 6-7 બાળકોને લઈને આવ્યો. તેમની ઉંમર 8-10 વર્ષની હતી. અર્જુનરામના સંકેત પર બધા બાળકો જવા તૈયાર થયા.) (દલાલ અર્જુન રામે અમને વધુ બાળકો બતાવવા માટે બીજા ગામમાં મોકલ્યા. તેણે અમને કહ્યું કે કેરથી લગભગ 5 કિલોમીટર આગળ રસ્તાના કિનારે એક ઢાબા પાસે કેટલાક બાળકો બેઠેલા જોવા મળશે. હું તેમને ફોન કરી દઉ છું.) હોટલ-માલિકે મારપીટ કરી એટલે પાછો આવ્યો અમે દલાલે આપેલા સરનામે ત્યાં પહોંચ્યા. ત્યાં ઘણા બાળકો બેઠા હતા. 8 વર્ષના બાળકે જણાવ્યું કે તેના માતા-પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. હવે હું અને મારો ભાઈ કામ કરીને આજીવિકા મેળવીએ છીએ. બંને દલાલો પર નિર્ભર છે. લગભગ બે વર્ષ પહેલા એક દલાલની સલાહથી તે ગુજરાત એક હોટલમાં કામ કરવા ગયો હતો. ત્યાં તે હોટલ માલિક દ્વારા કરવામાં આવેલી મારપીટથી હેરાન થઈને પાછો આવી ગયો. જ્યારે અમે બાળકને કહ્યું કે અમારે તેને ગુજરાતના પાલનપુરમાં એક કારખાનામાં બે વર્ષ કામ કરવા લઈ જવું છે, ત્યારે તેણે પૂછ્યું - અમને કેટલા પૈસા મળશે? વધુ પૈસા મળવાની વાત સાંભળતા જ તે જવા તૈયાર થઈ ગયો. મોટા ભાઈને બોલાવીને લઈ આવ્યો. તે બાળક પણ જવા તૈયાર હતો. 4. એજન્ટ આકાશઃ કહ્યું- અર્જુનરામ નકલી છે, હું સાચો છું, જો તમે મારી સાથે ડીલ કરશો તો હું વધુ બાળકોની વ્યવસ્થા કરી દઈશ જ્યારે દલાલ અર્જુનરામે અમને કેર ગામમાં બાળકોને બતાવ્યા, તે જ સમયે અન્ય બ્રોકર આકાશ ગામના ચોક પાસે અમને મળ્યો. તેણે ઈશારો કરીને અમને બાજુમાં જઈને વાત કરવા કહ્યું. દલાલ આકાશ: ક્યાંથી આવ્યા છો? રિપોર્ટર: અમે સુરતથી આવ્યા છીએ. ફેક્ટરીના માલિકો છીએ. લીઝ પર 10-15 બાળકો ખરીદવા છે. એજન્ટ આકાશઃ તમે લોકો એજન્ટ અર્જુનને મળવા આવ્યા છો, તે નકલી છે, મારી સાથે ડીલ કરો... તે બાળકોની વ્યવસ્થા કરી શકશે નહીં રિપોર્ટર: શું તમે કરી શકશો, કમિશન લેશો? એજન્ટ આકાશઃ અર્જુન ઓછા દરે વધુ નાના બાળકોને લાવશે. હું 15 બાળકોની વ્યવસ્થા કરીશ. હું બાળકદીઠ 2 હજાર રૂપિયા કમિશન લઈશ. (દલાલ અમને તેના ઘરે લઈ ગયો અને ત્યાં કેટલાક બાળકો સાથે અમને પરિચય કરાવ્યો. તે બાળકોની ઉંમર માત્ર 10 થી 12 વર્ષની હતી.) રેસ્ક્યૂ કરનાર ‘માસ્ટર’એ હકીકત જણાવી સરકારી શિક્ષક દુર્ગારામ ચૌધરીએ ગણેશ (8)ને બચાવ્યો, જેની દર્દનાક વાર્તા તમે સમાચારની શરૂઆતમાં વાંચી હતી, તેણે કહ્યું કે બાળકના પિતા દારૂના વ્યસની હતા. આ કારણોસર પત્નીએ તેને છોડી દીધો હતો. દારૂડિયા પિતાએ ગણેશ અને તેના મોટા ભાઈ રમેશ બંનેને પાલી જિલ્લાના વાલાલીના રહેવાસી ભગારામને દર મહિને રૂ. 1500 (વાર્ષિક રૂ. 18 હજાર)માં લીઝ પર વેચી દીધા હતા. ભગારામે ત્રણ વર્ષની રકમ એડવાન્સમાં આપી અને બંને બાળકોને પોતાની સાથે લઈ ગયા. ભગારામે વચન આપ્યું હતું કે તે બાળકોને માત્ર ઘરનું કામ કરાવશે. તેમને શાળામાં પણ મોકલશે. પરંતુ તેણે આગળ તેના મોટા પુત્ર રમેશ (10)ને તેના સાળાને વેચી દીધો. ગણેશને તેના 500 ઘેટા-બકરા ચરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો તે કામ ન કરે તો તે તેને મારતો હતો. તે તેને ખાવા માટે લીલા મરચા, ડુંગળી અને સૂકો રોટલી આપતો હતો. ગણેશે દૈનિક ભાસ્કરની ટીમને જણાવ્યું કે તેને ઘેટાં-બકરાં સાથે 25-30 કિલોમીટર ચાલવું પડ્યું. જેના કારણે બંને પગ વાંકાચૂકા થઇ ગયા હતા. આજે પણ ચાલવામાં તકલીફ પડે છે. એકવાર જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભગારામે તેને પહેલા માર માર્યો અને પછી ગરમ લોખંડના સળિયાથી તેના પગ અને ગરદનમાં ડામ આપ્યા હતા. તેને એક અઠવાડિયા સુધી દરરોજ રાત્રે હાથ-પગ બાંધીને ઘેટાં-બકરાં સાથે રાખવામાં આવ્યો હતો. કોતરામાં કામ કરતી આશાની સહયોગી લીલાને ગયા વર્ષે જુલાઈમાં આ વાતની જાણ થઈ ત્યારે તેણે બચાવ ટીમને જાણ કરી. આ પછી ગણેશને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ગણેશના મોટા ભાઈ રમેશને પણ પાલીના એક ગામમાંથી છોડાવવામાં આવ્યો હતો. એજન્ટો બાળકોને ફાઈવસ્ટાર હોટલમાં નોકરી અપાવવાનું વચન આપીને વેચે છે દુર્ગારામ ચૌધરીએ જણાવ્યું કે, એજન્ટો બાળકોને ફાઈવ સ્ટાર હોટલમાં કામ, દર મહિને સારો પગાર અને સ્વાદિષ્ટ ભોજન ખવડાવવાના વાયદા સાથે લલચાવે છે. આ બાળકો દિવસમાં બે સમયના ભોજન અને સારા ખોરાકની લાલચમાં આવે છે. ત્યાં ગયા પછી, મોટાભાગના બાળકો તેમના પરિવાર સાથે વાત પણ કરી શકતા નથી. તેમણે જણાવ્યું કે જ્યારે બચાવાયેલા સેંકડો બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે ઘણી ડરામણી બાબતો સામે આવી. ફેક્ટરીઓમાં બંધક બનાવીને 12-12 કલાક કામ કરાવે છે રાત્રિના અંધારામાં જીપમાં બાળકોની હેરાફેરી દુર્ગારામ ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતની સરહદે આવેલા ગામડાઓમાં સક્રિય એજન્ટો સોદો થયા બાદ બાળકોને વ્યક્તિગત રીતે ત્યાં લઈ જાય છે. એજન્ટો બાળકોને જીપમાં ભરીને રાતના અંધારામાં ગામડાઓમાંથી સરહદ પાર કરાવે છે. ગુજરાતમાં પાકની વાવણી અને કાપણી દરમિયાન દરરોજ ઘણી જીપો ત્યાં જાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.