ગુજરાત મોડેલની પોલ ખુલી ગઈ છે, આ મોડેલ ખોખલું જ છે – અશોક ગહેલોત
- ગુજરાતમાં કોંગ્રેસ કેટલી બેઠકો જીતશે તે મુદ્દે સિનિયર ઓબ્ઝર્વર અને પ્રભારી વચ્ચેના નિવેદનમાં વિરોધાભાસવડોદરા,તા.17 ઓગષ્ટ 2022,બુધવારરાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત મધ્ય ગુજરાતના કોંગ્રેસના અગ્રણીઓ સાથે ચર્ચા કરવા આજરોજ વડોદરા આવી પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત મોડલની પોલ ખુલી ગઈ છે. ગુજરાત મોડેલ શું છે તે બધાને ખબર પડી ગઈ છે. આ મોડલ ખોખલું જ હતું ,માત્ર તેના માટે માહોલ બનાવ્યો હતો ,અને બધું મેનેજમેન્ટ થઈ રહ્યું છે. બાકી કશું છે જ નહીં. આ મોડલની પોલ એ રીતે ખુલી ગઈ છે કે ગુજરાતમાં ખૂબ જ સમસ્યાઓ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ છે. ગુજરાતમાં કોંગ્રેસ કેટલી બેઠકો જીતશે એ મુદ્દે સવાલના પ્રત્યુતરમાં તેમણે કહ્યું હતું કે આ અંગે કહેવું હાલ ઘણું વહેલું કહેવાશે. એ અગાઉ એરપોર્ટ પર વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ એવું કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મુકાબલો થશે. આ વખતે કોંગ્રેસ 125 થી વધુ બેઠકો જીતશે અને આ માટે પૂરી તૈયારી કરી છે. એક બાજુ પ્રભારી 125 બેઠક જીતવાનો દાવો કરે છે ત્યારે સિનિયર ઓબ્ઝર્વર કેટલી બેઠકો જીતશે તે અંગે હજી ઘણું વહેલું કહેવાશે તેવી વાત કરી રહ્યા છે. આમ બંને નેતા વચ્ચેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.